- મારી ઘરવાળી સાથે તારે આડા સંબંધ છે એવો વહેમ રાખી આરોપી આબીદખાન પઠાણે પોતાના જ પિતરાઇ ભાઇ અફઝલને પતાવી દેવાનો ચકચારભર્યો કેસ
- મેડિકલ એવીડન્સ સહિતના પુરાવાઓ અને સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી આબીદખાન પઠાણને આજીવન કેદ ફટકારી
અમદાવાદ: 13 જૂન 2026:
શહેરના ગોમતીપુર-રાજપુર મોટી ગલી વિસ્તારમાં એક ભાઇએ પોતાના જ પિતરાઇ ભાઇને મારી ઘરવાળી સાથે તારે આડા સંબંધ છે એમ કહી તેવો વહેમ રાખી તલવારના ઘા મારી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં અત્રેની સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ હેમાંગ આર.રાવલે આરોપી આબીદખાન ઐયુબખાન મુસ્તુફાખાન પઠાણને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી ઐયુબખાન પઠાણ વિરૃધ્ધ મર્ડરનો ગંભીર ગુનો નિશંકપણે પુરવાર થાય છે અને તેથી આરોપીને આજીવન કેદની સજા ફટકારવી ન્યાયોચિત રહેશે.

શહેરના ગોમતીપુર-રાજપુર વિસ્તારમાં રહેતો અફ્ઝલખાન પઠાણ ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત તા.૨૭-૫-૨૦૨૨ના રોજ અફઝલખાનનો પિતરાઇ ભાઇ એવો આરોપી આબીદખાન ઐયુબખાન પઠાણે ઘર પાસેની સીડીમાં જ તેની સાથે ઝઘડો કર્યો હતો કે, તારે મારી ઘરવાળી સાથે આડા સંબંધ છે, આમ કહી વહેમ રાખી આબીદખાને પોતાના જ પિતરાઇ ભાઇ અફઝલખાન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો અને પોતાની પાસેની તલવારના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે અફઝલખાન લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડયો હતો. પરિવારજનો તેને નજીકની શારદાબેન હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ચકચારભર્યા આ કેસનો ટ્રાયલ ચાલી જતાં સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલે ૨૩ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે કેસ પુરવાર કરતાં જણાવાયું હતું કે, આરોપીએ એક શંકા અન વહેમના ચક્કરમાં પોતાના પિતરાઇ ભાઇને તલવારના ઘા ઝીંકી પતાવી દીધો છે. આરોપી વિરૃધ્ધ મર્ડરનો ગંભીર ગુનો મેડિકલ એવીડન્સ સહિતના પુરાવાઓ પરથી નિશંકપણે પુરવાર થાય છે. આરોપીના આવેશમાં આવી કરાયેલા ગુનાહિત કૃત્યના કારણે એક વૃધ્ધ માતા અને તેના પરિવારને જુવાનજોધ દિકરો ગુમાવવાનો અને કારમો આઘાત સહન કરવાનો વારો આવ્યો છે. કોર્ટે આરોપીના ગુનાહિત કૃત્યને ગંભીરતાથી લઇ સમાજમાં એક દાખલો બેસે તે પ્રકારે તેને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી આબીદખાન ઐયુબખાન પઠાણને જન્મટીપની સજા ફટકારતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #SessionsCourtJanmatTipnisConfiscation #FatalAttack #Murder #ahmedaba



