- અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંદાજે 1000થી 1200 વિદ્યાર્થીઓને વિજ્ઞાનની દુનિયા નજીકથી જાણવાની તક મળી
પથિક લીંબાચીયા, અમદાવાદ,
10 ઓક્ટોબર 2026:
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે ‘રોકેટ રિવોલ્યુશન’ (Rocket Revolution) થીમ સાથે ‘વર્લ્ડ સ્પેસ વીક 2026’ની વિશેષ ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા જગાવવાનો, અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ અવકાશ સંશોધનની રોમાંચક દુનિયા વિશે પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાન પ્રદાન કરવાનો હતો. આ ઉજવણીમાં અંદાજે 1000થી 1200 વિદ્યાર્થીઓની સહભાગિતાની અપેક્ષા રાખવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીને રસપ્રદ તથા સરળ રીતે સમજાવવા માટે વિવિધ જ્ઞાનવર્ધક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં ‘મોડેલ રોકેટ્રી’ વિષય પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને રોકેટની રચના, કાર્યપદ્ધતિ અને તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિશે પ્રાયોગિક સમજ મેળવવાની તક મળી હતી. ઉપરાંત, ‘રોકેટ રિવોલ્યુશન’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં રોકેટ ટેક્નોલોજી, અવકાશ સંશોધન અને આ ક્ષેત્રમાં થઈ રહેલી વૈજ્ઞાનિક પ્રગતિ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ‘મેક એન્ડ ટેક: ટેલિસ્કોપ DIY પેપર કિટ’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની જાતે ટેલિસ્કોપનું મોડેલ તૈયાર કરીને ખગોળવિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો વિશે જાણકારી મેળવી હતી. સાથે જ ‘માનવજીવનમાં અવકાશ ટેક્નોલોજીની ભૂમિકા’ વિષય પર ‘સાયન્ટિસ્ટ સર્કલ’ અંતર્ગત સંવાદાત્મક સત્ર યોજાયું હતું. આ સત્રમાં ઉપગ્રહો, સંચાર વ્યવસ્થા, હવામાનની આગાહી, નેવિગેશન અને રોજિંદા જીવનમાં અવકાશ ટેક્નોલોજીના વિવિધ ઉપયોગો વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપન પ્રસંગે ‘નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન’ (Night Sky Observation)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સહભાગીઓને રાત્રિના આકાશનું નિરીક્ષણ કરીને ખગોળીય વિશ્વના અદ્ભુત રહસ્યો વિશે જાણવાની તક મળી હતી. આ પ્રવૃત્તિનો હેતુ વિદ્યાર્થીઓમાં ખગોળવિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધારવાનો હતો.
ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ માટે ગુજરાત સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયાને નજીકથી જાણવાની તક ઊભી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર અવકાશ વિજ્ઞાન વિશે માહિતી આપવા પૂરતો મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા, પ્રશ્નો પૂછવા, નવી બાબતો શોધવા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે એક વિશેષ મંચ બન્યો હતો.
ગુજરાત સાયન્સ સિટી પોતાના ‘Connecting Community with Science’ના ધ્યેયને અનુરૂપ વિજ્ઞાનને વધુ સરળ, રસપ્રદ અને અનુભવ આધારિત બનાવી વિદ્યાર્થીઓ, યુવાનો તથા વિજ્ઞાનપ્રેમીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GujaratScienceCityCelebratesWorldSpaceWeek2026 #RocketRevolution #GujaratScienceCity



