- કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી, શ્યામલ સૌમિલ, મૌલિક રાઠોડ સહિતના કલાકારો અમદાવાદીઓને ખાસ કરીને યુવાધનને રાસ-ગરબાના તાલે ઝુમાવશે
- યુવા કલાકારોમાં મૌલિક રાઠોડ ઉબરતો સિતારો કે યુવાનોમાં અનોખી લોકચાહના મેળવી રહ્યો છે, આ સિવાય પણ અન્ય કલાકારો રાસ-ગરબાની રમઝટ વચ્ચે સગીંત અને મસ્તીના સૂર રેલાવશે
અમદાવાદ: 07 ઓક્ટોબર 2026:
વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એટલે કે નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણાતા અમદાવાદમાં આ વર્ષે નવરાત્રિને લઈને અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવામાં ઓગળેલી આસોની ગુલાબી ઠંડી અને ઢોલના ધબકારા વચ્ચે અમદાવાદીઓ માતાજીની ભક્તિ અને ગરબાના રંગે રંગાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારથી લઈને પૂર્વ સુધીના તમામ પાર્ટી પ્લોટ્સ, ક્લબો અને શેરી ગરબાના ચોકો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. ખેલૈયાઓ પરંપરાગત ચણિયા-ચોળી, આભલાવાળા કેડિયા અને ઓક્સિડાઈઝ્ડ જ્વેલરીના અવનવા શણગાર સજીને ગરબાના મેદાનોમાં ઉતરી પડ્યા છે. નવરાત્રિને લઇ ભકિત અને પરંપરાગત સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જાયો છે.
આ વખતે અમદાવાદના નવરાત્રિ મહોત્સવમાં બહુ મોટા ગજાના અને લોકપ્રિય સ્ટાર-કલાકારો ખૈલેયાઓને રાસ-ગરબાના તાલે ભારે ઉત્સાહ સાથે નચાવશે., જેમાં જાણીતી સીંગર ઐશ્વર્યા મજમુદાર, કિર્તીદાન ગઢવી, શ્યામલ સૌમિલ, આદિત્ય ગઢવી, દેવાયત ખાવડ, ઇશાની દવે, મૌલિક રાઠોડ, યશ બારોટ, કાજલ મહેરીયા, રિધ્ધિ વ્યાસ, અરવિંદ વેગડા સહિતના કલાકારો રાસ-ગરબાની રમઝટ રેલાવશે. નવરાત્રિના રાસોત્સવમાં આ વખતનો મૌલિક રાઠોડ નવો ઉભરતો સિતારો છે અને યુવા પેઢીમાં તે અનોખી લોકચાહના મેળવી રહ્યો છે. આ સિવાય પણ અન્ય કલાકારોના એસી ડોમ, હોલ, પાર્ટી પ્લોટ અને શેરી-મહોલ્લામાં કાર્યક્રમો આયોજિત છે.

અમદાવાદમાં ગરબાના આકર્ષણનું કેન્દ્ર બનેલા મુખ્ય સ્થળો:
અમદાવાદમાં પરંપરાગત ગરબાની સાથે સાથે હવે લાઈવ કોન્સર્ટ અને મ્યુઝિક ફેસ્ટિવલ જેવો ટ્રેન્ડ પણ ખૂબ આગળ વધ્યો છે. શહેરમાં સૌથી વધુ ધૂમ મચાવી રહેલા મુખ્ય સ્થળો આ મુજબ છે:
• વાઇબ્રન્ટ નવરાત્રિ (જીએમડીસી ગ્રાઉન્ડ): ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ તેના ભવ્ય સ્ટેજ, સાંસ્કૃતિક પ્રદર્શનો અને સુપ્રસિદ્ધ કલાકારોના કારણે હંમેશા મોખરે રહે છે. અહીં પાસ સિસ્ટમ દ્વારા લોકો માટે ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે.
• એસ. જી. હાઈવે અને શિલજ સર્કલના પાર્ટી પ્લોટ્સ: કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ ઉપરાંત શિલજથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચેના એસ.પી. રિંગ રોડ પર આવેલા અનેક પ્રીમિયમ ગરબા વેન્યુ પર યુવાધન મોટા પાયે ઉમટી રહ્યું છે. અહીં ખ્યાતનામ સિંગર્સના તાલે ગરબાની ધૂમ મચી છે. એસ.જી હાઇવેના પાર્ટી પ્લોટો અને કલબોમાં બુકીંગ ફુલ છે.
• નવા ટ્રેન્ડ્સ અને થીમ બેઝ્ડ ગરબા: શહેરમાં ‘શેરી અફેર’ અને BNI જેવી કન્સેપ્ટ ઇવેન્ટ્સ પણ આ વર્ષે ભારે આકર્ષણ જમાવી રહી છે, જ્યાં ખેલૈયાઓ કસ્ટમાઇઝ્ડ આઉટફિટ્સ સાથે ઝૂમી રહ્યા છે.
• પરંપરાગત શેરી ગરબા: નવરંગપુરા, નારણપુરા અને મણિનગર જેવા વિસ્તારોની સોસાયટીઓ તેમજ ઓલ્ડ સિટી (કોટ વિસ્તાર)ના પોળના ગરબા આજે પણ પ્રાચીન ગરબાની પરંપરાને જીવંત રાખે છે.
ખરીદી અને ફૂડ માર્કેટમાં ભારે તેજી
નવરાત્રિના કારણે શહેરના આર્થિક તંત્રને પણ મોટો વેગ મળ્યો છે. અમદાવાદનું જાણીતું લો ગાર્ડન માર્કેટ ટ્રેડિશનલ ડ્રેસ અને જ્વેલરી ખરીદનારાઓથી હાઉસફુલ જોવા મળી રહ્યું છે. ખેલૈયાઓ એક-એક કસ્ટમાઇઝ્ડ આઉટફિટ પાછળ રૂ. 8,000થી લઇ રૃ. 15,000 સુધીનો ખર્ચ કરી રહ્યા છે.
ગરબા રમ્યા બાદ મોડી રાત્રે ભૂખ સંતોષવા માટે ખાણી-પીણી બજારોમાં પણ ભારે ભીડ જોવા મળે છે. સદીઓ જૂનું માણેકચોક મધ્યરાત્રિ બાદ પાવભાજી અને અવનવી ચીઝી વાનગીઓ ખાવા આવતા ગરબા રસિયાઓથી ઉભરાઈ જાય છે. આ સિવાય સિંધુ ભવન રોડ (SBR) પણ નાઇટ લાઇફ અને ફૂડ લવર્સનું હોટસ્પોટ બન્યું છે.
પોલીસ શી ટીમ, એઆઇ ટેકનોલોજી, ડ્રોન અને ખાનગી ડ્રેસમાં સુરક્ષા માટે એલર્ટ
તહેવારની ઉજવણી સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મોડી રાત્રે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે 40થી વધુ કડક માર્ગદર્શિકાઓ અમલી બનાવવામાં આવી છે. ખેલૈયાઓ અને મુસાફરોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ખાનગી અને સાદા ગણવેશમાં સી ટીમ અને અન્ય પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ નવરાત્રિ દરમ્યાન ફરજમાં ખડેપગે તૈનાત રહેવાના હોઇ ટીખળખોર કે ન્યુસન્સ તત્વોએ સાવચેત થઇ જવુ, અન્યથા પરિણામો ભોગવવા પડશે. આ સિવાય પોલીસ તંત્ર દ્વારા એઆઇ સીસ્ટમ, ડ્રોન અને નાઇટ વીઝન કેમેરાથી પણ સંબંધિત સ્થળોએ બાજ નજર રખાશે.
માતાજીની આરાધના, ઢોલના થનગનાટ, મનમોહક રોશની અને ખેલૈયાઓના અદભુત ઉત્સાહ સાથે અમદાવાદ શહેર અત્યારે પૂર્ણપણે નવરાત્રિના ભક્તિમય અને સાંસ્કૃતિક રંગમાં રંગાઈ ગયું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Garaba #Navratri #NavratriGaraba #kirtidabGadhavi #AaishariyaMajumdar #maulikRathod #navratei2026 #aadityGadhavi #shyamal_Souamil



