રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી
ગુજરાતને એક સાચા સંતની મોટી ખોટ પડી છે., જો કે, સ્વામીજીના આશીર્વાદ આપણી પર વરસતા રહેશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
અમદાવાદ,તા.1
અનેક સંતો-મહંતો, હજારો હરિભકતો, રાજકીય મહાનુભાવો સહિત શ્રધ્ધાળુઓન હાજરીમાં ભારે હૈય્યે અને કરૂણ રૂદન વચ્ચે સોખડા હરિધામ મંદિરના હરિપ્રસાદ સ્વામીની અંત્યેષ્ટિ વિધિ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે આખરે સંપન્ન થઇ હતી. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે હજારો હરિભકતો અને તેમના અનુયાયીઓ એક તબક્કે ચોધાર આંસુએ રડી પડયા હતા ત્યારે લાગણીસભર અને હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અંત્યેષ્ટિ વિધિમા આજે હજારો હરિભક્તો જોડાયા હતા. તે અગાઉ સ્વામીજીની પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે પણ હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું હતુ. કેટલીક મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા હતા. પાલખી યાત્રા લીમડા વન ખાતે પહોંચી હતી, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લીમડાવન ખાતે સ્વામીજીના સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીના હંમેશા આપણી સાથે જ રહેશે. ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું. તેમના આશીર્વાદ આપણા પર વરસતા રહેશે તેવી મને શ્રદ્ધા છે. વર્ષોથી તેઓ ગુજરાતની ચિંતા કરતા આવ્યા હતા. નર્મદા ડેમ બાંધવની વાત હોય, કોમી એખલાસ, ગુજરાતના વિકાસની વાત હોય, શિક્ષણ અને વાવાઝોડાની સ્થિતિમાં તેઓ ગુજરાતની ચિંતા કરતા આવ્યા હતા. તેઓએ તમામ હરિભક્તોને કામે લગાડીને ગુજરાત સુખી થાય તેવી તેવા પ્રયત્નો હતા. આજે ગુજરાતને એક સાચા સંતની મોટી ખોટ પડી છે. ગુજરાતે મોટા સંત ગુમાવ્યા છે. ગુજરાત તેમને હંમેશા યાદ કરશે.
હરિપ્રસાદ સ્વામીજી પંચમહાભુતમાં વિલિન થયા ત્યારે હજારો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીને વિદાય આપી હતી. સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. આ અંતિમ પાલખી યાત્રામાં હરિભકતોને પ્રવેશ અપાયો નથી, જેથી તેઓએ ઓનલાઇન દર્શન કર્યા હતા. સંતોએ હરિપ્રસાદ સ્વામીજીની પાલખી યાત્રા કરાવી હતી. પુષ્પોથી તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કરાયો હતો. તેમના પાર્થિવ દેહ પર અનેરુ તેજ જોવા મળ્યુ હતું. તેમની અંતિમ ઝલક જોઈને હરિભક્તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમની પાલખીની મંદિરમાં પાંચ પરિક્રમા કરાવવામાં આવી હતી.
હરીપ્રસાદ સ્વામીની આજે અંત્યેષ્ટિ વિધિને લઇ સોખડા મંદિર બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો. આ ડોમમાં ભક્તોને બેસવાની વ્યવસ્થા કરાઈ હતી એટલું જ નહી, વિશાળ એલઈડી સ્ક્રીન પર ભક્તોને અંત્યેષ્ટિ વિધિ બતાવવાની ખાસ વ્યવસ્થા કરવામં આવી હતી. દૂર-દૂરથી હરિભકતો આવ્યા હતા. અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવી હતી, જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહ્યા હતા. અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ કરવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પૂજા કરાઇ હતી. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવી હતી. અંત્યેષ્ટિ વિધિ અને સ્વામીજીના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો તે દરમ્યાન હજારો હરિભકતો, સ્વામીજીના અનુયાયીઓ સહિતના શ્રધ્ધાળુઓ ચોધાર આંસુએ રડી પડયા ત્યારે સમગ્ર માહોલ ગમગીન, શોકમય અને હ્રદયદ્રાવક બની રહ્યો હતો.