કોરોના મહામારીને ધ્યાને લઈને રાજય સરકારનો મહત્વનો નિર્ણય
હવે નિવૃત્ત પેન્શનધારકો તેમની હયાતીનું ખરાઇ પ્રમાણપત્ર ઓગસ્ટ મહિના સુધી પૂર્ણ કરાવી શકશે – સરકાર દ્વારા પેન્શનધારકોના હિતમાં નિર્ણય લેવાતાં રાજયના લાખો પેન્શનરોમાં પણ રાહતની લાગણી પ્રસરી
ગાંધીનગર, તા.26
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે, નાણાં વિભાગની સ્થાયી જોગવાઇઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઇ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઇ વધુ એક માસ એટલે કે ઓગસ્ટ -૨૦૨૧ સુધી લંબાવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે એટલે હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે -૨૦૨૧ થી ઓગસ્ટ -૨૦૨૧ સુધી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.
રાજય સરકારના આ નિર્ણયને પગલે લાખો પેન્શન ધારકોને મોટી રાહત મળી છે. હવે નિવૃત્ત પેન્શનધારકો તેમની હયાતીનું ખરાઇ પ્રમાણપત્ર ઓગસ્ટ મહિના સુધી પૂર્ણ કરાવી શકશે. કોરોના મહામારીને લક્ષ્યમાં લઇ રાજય સરકાર દ્વારા પેન્શનધારકોના હિતમાં નિર્ણય લેવાતાં રાજયના લાખો પેન્શનરોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે.