‘‘તાઉતે’’ વાવાઝોડાથી ખોરવાયેલા વીજપુરવઠો સહિતની કામગીરી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના ૪૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓ જરૂરી સાધનો સાથે ભાવનગર પહોંચ્યા
યુદ્ધના ધોરણે કામગીરી કરતા કોન્ટ્રાકટરોને પ્રવર્તમાન દરોમાં પણ ૫૦ ટકાનો વધારો : ઉર્જા વિભાગ રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને દૈનિક ભથ્થુ બમણું અપાશે
ગાંધીનગર, તા.21
રાજ્યમાં આવેલ ‘‘તાઉતે’’ વાવાઝોડા દરમિયાન વરસાદ અને ભારે પવનને કારણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ હતી તે તમામ જિલ્લાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે એમ રાજયના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ છે.
ઉર્જા મંત્રીશ્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવેલ જેના કારણે આવશ્યક સેવાઓ જેમ કે, કોવિડ હોસ્પિટલ, વારિગૃહો જેવા વીજ ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવેલ પરંતુ વીજ થાંભલાઓ અને વીજ લાઈનોને થયેલ નુકસાન વ્યાપક પ્રમાણમાં હોઈ તમામ વીજ ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટે રાજ્યના વીજ તંત્રના અધિક્ષક ઈજનેર, અધિક મુખ્ય ઈજનેર, મુખ્ય ઈજનેર અને મેનેજીંગ ડીરેકટર કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને જે વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તે વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોની જવાબદારી સોંપીને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે ઉમેર્યુ કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાગરિકોને સત્વરે વીજપુરવઠો પુરો પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરતા કોન્ટ્રાકટરોને કરવાની થતી કામગીરી માટેના પ્રવર્તમાન દરોમાં પણ ૫૦ ટકાનો વધારો કરી તે મુજબ મહેનતાણાનું ચૂકવણું કરવાનો ઉર્જા વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તાકીદે વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવાની કઠીન કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને પણ મળતા દૈનિક ભથ્થુ બમણું આપવાનો પણ નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, વાવાઝોડાને કારણે આ વિસ્તારોમાં વીજ થાંભલાઓ, વીજ વાયર, વીજ ટ્રાન્સફર્મર અને અતિ ભારે દબાણના વીજ ટાવરોને ભારે નુકસાન થયેલ છે જેના પરિણામે આ જિલ્લાઓના કેટલાક શહેરો અને ઘણાં ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ માટે દક્ષિણ ગુજરાત વીજકંપની લીમીટેડના ૪૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓ સુરતથી રોરોફેરી સર્વિસ દ્વારા જરૂરી વાહનો માલસામાન સાથે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે અને આ સમગ્ર કામ આ જિલ્લામાં ચોવીસ કલાક ખડે પગે કામગીરી કરીને શક્ય એટલો ઝડપી વીજપુરવઠો પૂર્વવત કરાશે.
બોક્ષ – હજીરાથી રો – રો ફેરી દ્વારા ખાસ ટીમો ઘોઘા- ભાવનગર માટે રવાના
તાજેતરમાં ત્રાટકેલા ‘ તાઉતે ’ વાવાઝોડાથી રાજ્યના અન્ય વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ( DGVCL ) વિસ્તારમાં પણ વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો. જે અંતર્ગત વીજ કર્મીઓ રાત દિવસ એક કરી યુધ્ધના ધોરણે વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરી રહ્યા છે . આ ઉપરાંત,દક્ષિણ ગુજરાત વીજ કંપની ( DGVCL ) દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ( PGVCL ) અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત થઇ શકે એ માટે હજીરાથી રો – રો ફેરી દ્વારા ખાસ ૩૦ ટીમો ઘોઘા- ભાવનગર ખાતે રવાના કરવામાં આવી છે. ૪૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી આ ખાસ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪૦ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી સજ્જ છે.આ ટીમોમાં DGVCL ના ઇજનેરો અને લાઇન સ્ટાફના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ – આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે . અન્ય ૩૦૦ થી વધુ વીજ કર્મીઓ રોડ દ્વારા પહોંચી સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે . DGVCL ની આ તાત્કાલિક સહાય વાવાઝોડાથી અસરગ્રસ્ત PGVCL ના વિસ્તારોમાં જરૂરી માનવબળ અને સાધન સરંજામ થકી વીજ પુરવઠો જલ્દીથી પુન : સ્થાપિત કરવા મદદરૂપ થશે.