- વારંવારની માંગણીઓ છતાં નોટરીઓ-સ્ટેમ્પ વેન્ડર્સની સમસ્યાઓનો ઉકેલ નહી, આગામી દિવસોમાં રણનીતિ નક્કી થાય તેવી શકયતા
- નોટરીઓને માત્ર રૂ.9000ની કિંમતની 180 જ ટિકિટો અપાય છે તેને લઇને ભારે હાલાકી, રાજયભરમાં સ્ટેમ્પ વેન્ડર્સની સંખ્યા વધારવા પણ ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાની માંગણી
અમદાવાદ: 18 એપ્રિલ 2026:
વાંરવારની માંગણીઓ છતાં મર્યાદિત સંખ્યામાં સ્ટેમ્પ વિતરણ, સ્ટેમ્પ વેન્ડરોની સંખ્યા વધારવા અને કોરોના પછી હજુ સુધી સ્ટેમ્પ્ વેન્ડરોના લાયસન્સ ઇશ્યુ નહી થયા હોઇ તે સહિતની માંગણીઓને લઇ રાજયભરના નોટરીઆલમ અને સ્ટેમ્પ વેન્ડરોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હોઇ આ ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યારબાદ નોટરીઆલમ તેમ જ સ્ટેમ્પ વેન્ડર્સ તરફથી રાજય સરકાર, ગુજરાત હાઇકોર્ટ સહિતના સંબંધિત સત્તાવાળાઓને ઉગ્ર રજૂઆત કરવા સાથે રણનીતિ ઘડી કાઢવાની વિચારણા ચાલી રહી છે. કારણ કે, આ સમસ્યાઓને લઇ વકીલો-નોટરીઓ, સ્ટેમ્પ વેન્ડર્સની સાથે સાથે છેવટે તો સામાન્ય નાગરિકો-પક્ષકારો જ હાલાકીનો ભોગ બની રહ્યા છે.

આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સ્ટેમ્પ મુદ્દે ભારે હાલાકી અને અગવડની સમસ્યાની જેમ ઇ સ્ટેમ્પ પેપર(પહેલા જૂના સ્ટેમ્પ પેપર હતા, તે હવે ઇ સ્ટેમ્પ આવે છે)ને લઇ જાહેરજનતા અને વકીલો-પક્ષકારો તેમ જ નોટરીઓ-સ્ટેમ્પ વેન્ડર્સ હાલાકીનો ભોગ બની રહ્યા છે. નોટરી,વકીલોને કે સામાન્ય જનતાને કોઇપણ ઇ સ્ટેમ્પ લેવા માટે સરકાર દ્વારા નિયુકત કરાયેલ સ્ટેમ્પ વેન્ડર પાસે જવું પડે છે પરંતુ અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજયમાં સ્ટેમ્પ વેન્ડરની સંખ્યા પણ બહુ જૂજ એટલે કે નહીવત્ છે.
આખા રાજયમાં માંડ ૨૫૦૦થી વધુ સ્ટેમ્પ વેન્ડર હશે, જે શહેર અને રાજયની વસ્તીના પ્રમાણમાં કંઇ જ ના કહેવાય અને તેના કારણે સામાન્ય જનતા બહુ હેરાન થઇ રહી છે. જેથી સ્ટેમ્પ વેન્ડર્સની સંખ્યા પૂરતી માત્રામાં વધારવાની સાથે સાથે તાકીદે નોટરીઓને ઇ સ્ટેમ્પીંગના લાયસન્સ ઇશ્યુ કરવા પણ માંગણી થઇ રહી છે. કારણ કે, કોરોના પછી ઇ સ્ટેમ્પીંગના લાઇસન્સ સરકાર દ્વારા ઇશ્યુ જ થયા નથી. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે રાજયના સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ, મહેસૂલ વિભાગ, તમામ જિલ્લા કલેકટરોથી માંડી રાજયના મુખ્યમંત્રીથી લઇ દેશના વડાપ્રધાન સુધી વાંરવાર રજૂઆત થઇ છે, છતાં હજુ પ્રશ્નનું નિરાકરણ નહી આવતાં નોટરીઓ-સ્ટેમ્પ વેન્ડર્સમાં આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે સરકારે આ વિષયને ગંભીરતાથી લઇ તાત્કાલિક નિર્ણય લેવો જોઇએ.
આ જ પ્રકારે કોઇપણ લીગલ નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ્સ પર ૫૦ રૃપિયાની સ્ટેમ્પ લગાવવી નોટરીઓ તેમ જ વકીલો-પક્ષકારો માટે ફરજિયાત હોય છે. વર્ષે દહાડે લાખોની સ્ટેમ્પનો વપરાશ થતો હોય છે અને હજારોની સંખ્યામાં આવા નોટરાઇઝ્ડ એફિડેવીટ્સ, કરાર, કોમર્શીયલ કોન્ટ્રાક્ટ સહિતના દસ્તાવેજો થતાં હોય છે. એટલું જ નહી, ઘી કાંટા ફોજદારી કોર્ટથી લઇ ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી લઇ બધી કોર્ટો પણ શહેર વિસ્તારમાં છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નોટરીઓ માટે આ સ્ટેમ્પ વિતરણ માટે શહેરી વિસ્તારમાં કોઇ વ્યવસ્થા જ નથી. જેના કારણે નોટરીઓ તેમ જ વકીલો-પક્ષકારોને આવી સ્ટેમ્પ ફરજિયાત લગાવવી પડતી હોઇ તે મેળવવા માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે અને ત્યાંથી પણ મર્યાદિત સંખ્યામાં એટલે કે, રૃ.૯ હજારની કિંમતની ૧૮૦ ટિકિટો જ આપવામાં આવે છે, જેને લઇ નોટરીઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. આ મામલે વારંવાર સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ નહી આવતાં નોટરીઆલમમાં પણ રોષની લાગણી ફેલાઇ છે.
અપનાબજારમાં સ્ટેમ્પની સુવિધા પુનઃ ચાલુ થાય તો સમસ્યા હલ થઇ શકે
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આશરે બે હજારથી વધુ અને રાજયભરમાં અંદાજે ૨૧ હજારથી વધુ નોટરીઓ પ્રેકટીસ કરી રહ્યા છે. સ્ટેમ્પ લગાવ્યા વિના કોઇપણ લીગલ નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ્સની કાયદેસરતા રહેતી નથી. અગાઉ લાલદરવાજા અપનાબજારના ભોંયરામાં સ્ટેમ્પ વિતરણની વ્યવસ્થા હતી અને તેમાં અમર્યાદિત એટલે કે, જોઇએ એટલી ટિકિટો નોટરીઓને અપાતી હતી. તેથી જો સત્તાવાળાઓ અપનાબજારવાળી વ્યવસ્થા પુનઃ ચાલુ કરે તો આ સમસ્યા સરળતાથી હલ થઇ શકે એમ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #StampVendors #Notary #Notariesareoutragedoverestampinglicenseissue #NotariesStampVendors #FinanceCommittee #AnilKella



