- લોક અદાલતના માધ્યમથી ગુજરાતના ન્યાયતંત્રની વધુ એક વખત નોંધનીય કામગીરી
- ઘી કાંટા ફોજદારી કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે.વોરા, ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.એચ.ખંભાતી અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સચિવ કૈલાશ પાચોડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં રૂ.498 કરોડથી વધુ રકમના કેસોનો નિકાલ
અમદાવાદ: 12 જુલાઈ 2026:
ગુજરાત સહિત દેશભરમાં આજે ૨૦૨૬ના વર્ષની બીજી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી સુનિતા અગ્રવાલ તેમ જ જસ્ટિસ એ.વાય.કોગજેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત રાજયભરની વિવિધ કોર્ટોમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવાની દાવા, મોટર અકસ્માત, ચેક રિટર્ન, લગ્નજીવનની તકરાર, વળતર, ટ્રાફિક ઇ ચલણ સહિતના આશરે ૬,૧૦,૨૨૮ કેસો સમાધાન માટે મૂકાયા હતા, જે પૈકી ૫,૦૯,૮૦૫ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો. આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિ અને પોસ્ટ લીટીગેશન્સના મળી કુલ ૧૩.૩૨ લાખથી વધુ કેસોનો એકંદરે નિકાલ કરાયો હતો. જેમાં આશરે રૃ.૧૭૫૭.૯૧ કરોડના એવોર્ડ પસાર કરવામાં આવ્યા હતા.

આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, રાજયમાં આજે યોજાયેલી લોક અદાલતોમાં પ્રિ-લીટીગેશન ૮,૨૨,૮૬૬ કેસોમાં રૃ.૧૩૧.૩૭ કરોડના એવોર્ડ થયા હતા. તો, ઇ-ચલણના કુલ ૭,૧૦,૦૯૦ કેસો પૂર્ણ થયેથી તે પેટે રૃ.૫૬.૦૩ કરોડની રકમ વસૂલી શકાઇ હતી. આ સિવાય રાજયની અદાલતોમાં પેન્ડીંગ દાંપત્યજીવનને લગતી ૬૫૯૮ તકરારોનો પણ લોક અદાલતના માધ્યમથી નિકાલ કરાયો હતો. તો, દસ વર્ષ જૂના ૪૨૭ થી વધુ કેસોમાં પણ સુખદ નીવેડો આવ્યો હતો. સુરતમાં યોજાયેલી લોક અદાલતમાં આજે કુલ ૪.૩૩ લાખથી વધુ કેસોમાં રૃ.૪૦૨ કરોડના એવોર્ડ કરી સુખદ સમાધાનકારી નિકાલ લાવવામાં આવ્યો હતો, આમ કેસોના નિકાલમાં સુરત પ્રથમ ક્રમે રહ્યુ હતું.
દરમ્યાન ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે.વોરા, ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ડી.એચ.ખંભાતી અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સચિવ કૈલાશ પાચોડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ રૃ.૪૯૮ કરોડથી વધુ રકમના રૃ.૩,૧૨,૯૨૩ કેસોનો નિકાલ કરાયો હતો. જેમાં પ્રિ-લીટીગેશન્સના ૨,૨૩૮,૪૨૧ કેસોનો પણ નોંધનીય નિકાલ કરવામાં આવ્યો હતો.

આસિવાય બેંકોના પ્રિ-લીટીગેશન્સના ૨૧૦૫ કેસોનો પણ નિકાલ કરાયો હતો. ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, આજની લોક અદાલતમાં ફોજદારી સમાધાનને લાયક, નેગોશીએબલઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ના ચેક રિટર્નના કેસો, લગ્ન સંબંધિત તેમ જ ભરણપોષણ અંગેના કેસો તથા સમાધાન લાયક કેસો મૂકાયા હતા, જેમાં વકીલો, પક્ષકારો, બેંકો, નાણાંકીય સંસ્થાઓ અને જયુડીશીયલ ઓફિસરોના કાઉન્સેલીંગની મદદથી લોક અદાલતમાં સફળતા હાંસલ કરી શકાઇ હતી.
ગ્રામ્ય કોર્ટમાં હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણના હસ્તે વારસોને રૃ.૧.૭૫ કરોડના વળતરનો ચેક અર્પણ
દરમ્યાન સીટી સિવિલ કોર્ટમાં આજે યોજાયેલી લોક અદાલતમાં બાકરોલ ટોલ પ્લાઝા સાથે કાર સાથેના અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના કેસમાં વીમા કંપની ટાટા એઆઇજી સાથેના સમાધાનકારી કેસના અંતે મૃતક યુવકના વારસોને રૃ.૬૦ લાખની માતબર રકમના વળતરનો ચેક અર્પણ કરાયો હતો. આ જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં એક કેસમાં વીમા કંપની અને ખાનગી કંપની વચ્ચે રૃ.૩.૬૫ કરોડ જેટલી માતબર રકમમાં સમાધાન થયું હતું. જયારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર એક યુવકના કેસમાં વીમા કંપની અને વારસો વચ્ચે રૃ.૧.૭૫ કરોડના વળતર મુદ્દે સમાધાન થતાં હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણના હસ્તે મૃતકના વારસોને વળતરની રકમો ચેક અર્પણ કરાયો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ઘી કાંટા કોર્ટમાં ચેક રિટર્નના કેસો અને ઇ ચલણના કેસોમાં નોંધનીય નિકાલ
ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં આજે ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં આજે ચેક રિટર્નના ૨૦,૪૦૫ હજારથી વધુ કેસોનો બહુ નોંધનીય નિકાલ કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારે પ્રિ લીટીગેશન્સના ૨.૪૪ લાખથી વધુ કેસોના નિકાલમાં ઇ-ચલણના ૨,૨૧,૦૦૦થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પક્ષકારોએ ઇ-ચલણ મેમોની ઝંઝટમાંથી કાયમી મુકિત મેળવી હતી. સાથે સાથે કોર્ટમાં આવેલા ઇ ચલણના ૫૬ હજાર કેસોનો નિકાલ કરાયો હતો.
ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં 2.18 કરોડથી વધુની રકમના કેસોનો નિકાલ
બીજીબાજુ, રાજયની ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં રૃ.૨.૧૮ કરોડથી વધુ રકમના ૧૫૦૮ કેસોનો સમાધાનકારી અને સુખદ નિવેડો આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, ગુજરાતના પ્રમુખ એચ.એ.શાહની અધ્યક્ષતામાં યોજાયેલી લોક અદાલતમાં મજૂર અદાલતોમાં મૂકાયેલા ૧૩૮૭ જેટલા ફોજદારી કેસોમાંથી ૯૩૪ કેસોનો નિકાલ કરી રૃ.૮૮,૮૭,૨૦૦ની દંડની રકમ વસૂલવામાં આવી હતી. તો, ઇન્ડસ્ટ્રીયલ અને મજૂર અદાલતોમાં સિવિલ કેસો સહિત અન્ય કુલ ૨૮૪૯ કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાં પરસ્પર સંમંતિ અને સમાધાનથી ૫૭૪ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Morethan13lakhCasesworthRs.1757croredisposedofinthesecondNationalLokAdalatoftheyear=2026 #LokAdalat #Judiciary #GujaratHighCourt #GhikantaCriminalCourt



