ભાજપ સરકારની નબળી શિક્ષણ નીતી-વ્યાપારીકરણ-ખાનગીકરણને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીના આકરા પ્રહારો
ભાજપ સરકારનું શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજરાત રાજય શિક્ષણ શ્રેત્રે સતત પાછળ ધકેલાઇ રહ્યું છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાએ ચિંતાજનક છે -ડૉ.મનીષ દોશી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.18
ગુજરાત રાજ્યને સમગ્ર વિશ્વમાં જેની નામનાં થાય એવા વૈજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઇ આપ્યા છે વિજ્ઞાન-સંશોધન શ્રેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ જેવી કે ઈસરો, પીઆરએલ, આઇપીઆર રીસર્ચ ગુજરાતમાં છે તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો સંખ્યામાં સતત ચિંતાજનક ધટાડો થઈ રહ્યો છે ભાજપ સરકારની નબળી શિક્ષણ નીતી-વ્યાપારીકરણ- ખાનગીકરણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારનું શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજરાત રાજય શિક્ષણ શ્રેત્રે સતત પાછળ ધકેલાઇ રહ્યું છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાએ ચિંતાજનક છે.
ભાજપ સરકાર એક તરફ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રુચિ વધે તે માટે કરોડો રૂપિયા ખર્ચ અને મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરે છે ત્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની કથળી સ્થિતિને કારણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૩૫ હજાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે જે ભાજપની શિક્ષણ વિરોધી નીતિ દર્શાવે છે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ડટે કોલેજોનું માળખું તોડીને અતિ ઉંચી ફીનાં ધોરણો પણ વિજ્ઞાન પ્રવાહનાં ઘટાડો થવા માટેનું એક કારણ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક શ્રેત્રે સ્થાપના કાળથી અગ્રેસર છે તેમ છતાં વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓનો રસ-રુચિ ઓછી થઈ રહી છે. વિજ્ઞાન વિષયમાં આગામી અભ્યાસક્રમ, રોજગારીની તકો વગેરે વિષે વાલી વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવામાં પણ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડલી છે. શિક્ષણએ રાજ્ય માટે ખુબ મહત્વું પાસું છે ત્યારે ભાજપ સરકારના શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને દિશાહીન બન્યો છે.
શિક્ષણના વ્યાપારીકરણને કારણે વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોધાયો છે વર્ષ ૨૦૧૭માં ૧.૪૧ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે વર્ષ ૨૦૨૧માં ઘટીને ૧૦૭૨૬૪ થઇ છે સાથોસાથ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને પણ નોકરીની પુરતી તક આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. શિક્ષણક્ષેત્રે ગુજરાતનું પાછળ ધકેલાવુ અને ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં આ પ્રકારે વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાવો એ બહુ ચિંતાજનક અને આઘાતજનક બાબત કહી શકાય. ભાજપ સરકારે ગુજરાતની પ્રજાને સાચી સ્થિતિ અને વાસ્તવિકતાથી વાકેફ કરવી જોઇએ અને સત્ય હકીકતો પ્રજા સમક્ષ ઉજાગર કરવી જોઇએ.
બોક્ષ – ધોરણ ૧૨માં નોંધાયેલ વિધાર્થીઓની સંખ્યા
ક્રમ વર્ષ
૧ ૨૦૧૭માં ૧૪૧૯૮૪
૨ ૨૦૧૮માં ૧૧૬૪૯૪
૩ ૨૦૧૯માં ૧૨૩૮૬૦
૪ ૨૦૨૦માં ૧૧૬૪૯૪
૫ ૨૦૨૧માં ૧૦૭૨૬૪
છેલ્લા પાંચ વર્ષમાં વિધાર્થીઓની સંખ્યામાં થયેલ ઘટાડો ૩૪૭૨૦