ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનો બહુ મહત્વનો મનાય છે ધાર્મિક ઉત્સવ
તા.24મી જૂને જળયાત્રાના ભાગરૂપે પ્રતિકાત્મક શોભાયાત્રા કાઢીને સાબરમતી નદીના કાંઠે જઇ મંદિરના સેવકો દ્વારા ગંગાપૂજન વિધિ કરાશે અને ત્યાંથી જળ ભર્યા બાદ મંદિરે આવી ભગવાનને જળાભિષેક કરાશે
નાયબ મુખ્યમત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા જળયાત્રામાં વિશેષ હાજરી આપશે – કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ જળયાત્રા યોજાશે
જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.22
આ વખતે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે સૌથી મહત્વની મનાતી જળયાત્રાનો ઉત્સવ પણ બિલકુલ સાદગી અને કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ ઉજવવામાં આવનાર છે. તા.24મી જૂનના રોજ માત્ર પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે બિલકુલ સાદાઇપૂર્વક ભગવાન જગન્નાથજીની જળયાત્રા કાઢવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ જળયાત્રા સાદગીપૂર્ણ રીતે અને મંદિરના મહંત, ટ્રસ્ટી અને સેવકોની ગણતરીના લોકોની હાજરી વચ્ચે જ યોજવાનું આયોજન કરાયું છે અને જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
અમદાવાદ શહેરમાં વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને લઇ હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી પરંતુ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત એવી આ વખતની 144 મી રથયાત્રા પહેલા સારા અને શુભ સંકેત એ સામે આવ્યા છે કે, રથયાત્રા પૂર્વે પરંગપરાગત વિધિના ભાગરૂપે યોજાતી પવિત્ર જળયાત્રાને રાજય સરકાર તરફથી મંજૂરી મળી છે. જો કે, 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહી, કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ જળયાત્રા યોજાશે. જેને લઇ સામાન્ય રીતે જળયાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ અને ભાવિક ભકતો જોડાતા હોય છે પરંતુ આ વખતની જળયાત્રામાં કોવીડ ગાઇડલાઇન્સને લઇ ગણતરીના લોકો જ સામેલ કરવામાં આવશે. આ વખતની જળયાત્રામાં કોઈપણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથજીની આ વર્ષની 144 મી રથયાત્રા પૂર્વેની જળયાત્રાના આયોજનને લઈને થોડા દિવસ પહેલાં જ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના આગેવાનોની ખાસ બેઠક યોજાઇ હતી, જેમાં કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ આ વર્ષે જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ બેઠકમાં એવું પણ હાલના તબક્કે નક્કી કરાયુ કે, જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં 50 થી ઓછા લોકોની હાજરી રાખવાનું આયોજન છે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો કે અન્ય શ્રધ્ધાળુઓ જળયાત્રામાં નહિ જોડાઈ શકે.
દરમ્યાન જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ આ અંગે જણાવ્યું કે, સામાન્ય રીતે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા પૂર્વે દર વર્ષે 108 કળશની સાથે વાજતે-ગાજતે જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા નીકળશે. જેમાં મંદિરના સેવકો જ જોડાશે. તા.24મી જૂનના રોજ નિજમંદિરેથી જળયાત્રા માત્ર પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે સાબરમતી નદીના આરે પહોંચી ત્યાં વિધિવત રીતે ગંગા પૂજન કરવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગા પૂજન કરવામાં આવશે. જો કે, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ યાત્રામાં ભજન મંડળી અને અખાડાને જોડવામાં નહિ આવે. એટલું જ નહી, માત્ર 50 થી પણ ઓછા લોકો આ જળયાત્રામાં ભાગ લઇ શકે તેવું નક્કી કરવામાં આવ્યું છે. દર વર્ષે જળયાત્રામાં 18 ગજરાજ હોય છે, પણ આ વર્ષે માત્ર એક ગજરાજ રાખવામાં આવશે. કારણ કે ગજરાજ એ ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનંદ ગણપતિજીને યાદ કરતા હોય છે. એટલા માટે એક ગજરાજ સાથે આ જળયાત્રા નીકળશે. મંદિર પરિસરમાં પણ કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલનું પાલન કરવા શ્રધ્ધાળુ ભકતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ શ્રધ્ધાળુ ભકતોને ચેનલો અને ટીવીના માધ્યમથી જ જળયાત્રાના દર્શન કરવા અને કોરોના માર્ગદર્શિકાના પાલનમાં પૂરતો સાથ-સહકાર આપવા શ્રધ્ધાળુ ભકતોને જાહેર અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા તા.12મી જૂલાઇએ આવી રહી છે પરંતુ હજુ સુધી કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર કે તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં આ વખતે રથયાત્રા નીકાળવામાં આવશે કે કેમ તે અંગે ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, બીજીબાજુ, કોરોનાના કેસો ઘટતા અને સંક્રમણ પણ ઘણા અંશે ઓછુ થઇ જતાં હવે અમદાવાદ શહેરના લાખો નગરજનો આશા સેવી રહ્યા છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાની મંજૂરી આપવામાં આવે કારણ કે, સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે જયારે જગતનો નાથ જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે શહેરના માર્ગો પર રથમાં સવાર થઇ શ્રધ્ધાળુ ભકતોને ઘેર બેઠા દર્શન આપવા નીકળી નગરની પરિક્રમા કરે છે.
બીજબાજુ, ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. જળયાત્રામાં પોલીસ બંદોબસ્ત માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા પણ બેઠકોના દોર ચાલી રહ્યા છે. સાથે સાથે મંદિર પરિસરની બહાર અને આસપાસ ફરતે પણ ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત તૈનાત કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે.