ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ દ્વારા પીઆઇ અજય દેસાઇ અને તેને મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને કરજણ કોર્ટમાં રજૂ કરાયા
કોર્ટે આરોપીઆના ગંભીર ગુનાહિત કૃત્યને ધ્યાનમાં લઇ 11 દિવસના રિમાન્ડ મંજૂર કરતો બહુ મહત્વનો હુકમ કર્યો
હવે ક્રાઇમબ્રાંચના અધિકારીઓ આરોપી અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને સાથે રાખી સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રકશન કરશે
સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી અજય દેસાઇને પીઆઇ પદેથી વડોદરા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા
અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શકયતા
અમદાવાદ,તા.26
વડોદરા સહિત સમગ્ર રાજયમાં જબરદસ્ત ચકચાર જગાવનાર સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ આજે આ કેસના હત્યારા પીઆઇ અજય એ.દેસાઇ અને તેના આ ગુનામાં સાથ આપી મદદગારી કરનાર કોંગ્રેસના સ્થાનિક નેતા કિરીટસિંહ જાડેજાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને રિમાન્ડ અરજીમાં મહત્વના કારણો રજૂ કર્યા હતા, જેને ધ્યાનમાં લઇ કરજણ કોર્ટે અજય એ. દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને 11 દિવસના રિમાન્ડ પર સોંપવાનો મહત્વનો હુકમ કર્યો હતો.
હવે ક્રાઇમબ્રાંચના અધિકારીઓ આરોપી અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને સાથે રાખી સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રકશન કરશે અને સમગ્ર કેસમાં હજુ કેટલીક ખૂટતી કડીઓને જોડવાનો અને તાગ મેળવવાનો પ્રયાસ કરશે. બીજીબાજુ, સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી અજય દેસાઇને પીઆઇ પદેથી વડોદરા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે, જેને લઇ પોલીસ તંત્રમાં પણ ભારે ચર્ચા જાગી છે.
ઉલ્લેખનીય છે કે, સ્વીટી પટેલ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં પીઆઇ અજય દેસાઇના પાપમાં ભાગીદાર એવા કિરીટસિંહ જાડેજાએ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને જણાવ્યું હતું કે, પીઆઇ અજય દેસાઇ દ્વારા સ્વીટીની હત્યા કરાઇ છે, તેની માહિતી તેને પણ ન હતી. અજય દેસાઇએ તો તેને એવું જણાવ્યું હતું કે, મારી બહેન લગ્ન વગર કુંવારી ગર્ભવતી બની છે અને તેથી તેનો કાંટો કાઢવો પડશે. જેથી કિરીટસિંહે પોતાની અવાવરૂ હોટલ નજીક લાશ સગેવગે થઇ શકે તેવુ કહ્યું હતુ. જો કે, પીઆઇ અજય દેસાઇ સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ તેની લાશ ગોદડામાં લપેટીને લાવ્યો હતો અને ગોદડામાં લપેટેલી સ્થિતિમાં જ તેની લાશ સળગાવી દીધી હતી. એક તબક્કે લાશને સળગાવવા ખાંડ અને ઘી પણ વધુ મંગાવવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની તપાસમાં પીઆઇ અજય દેસાઇના પાપનો ભાંડો ફુટી ગયો હતો અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે કે, સ્વીટી પટેલ ગર્ભવતી બની તે વાતની જાણ છ મહિના બાદ અજય દેસાઇને થતાં એ પછી બંને વચ્ચેની બબાલો વધી હતી. તા.4 જૂનની રાત્રે કરજણના પોતાના બંગ્લોમાં જ સ્વીટી પટેલ અને પીઆઇ પતિ અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે માથાકુટ થઇ હતી. ત્યારબાદ રાત્રે 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુઇ રહ્યા હતા ત્યારે જ પતિ અજય દેસાઇએ સ્વીટીનું ઉંઘમાં જ ગળુ દબાવીને તેણીની ઠંડા કેલેજે હત્યા કરી નાખી હતી. સ્વીટીની હત્યા બાદ બીજા દિવસે સવારે એટલે કે, તા.5મી જૂને સવારે 10-45 વાગ્યે સ્વીટીની લાશને અજય દેસાઇએ કમ્પાસ જીપની ડીકીમાં મુકી દીધી હતી. ત્યારબાદ તેના ઘરે આવેલા ભાઇને સ્વીટીને શોધવા જતો હોવાનું કહીને તે નીકળી ગયો હતો. સાંજે પાંચ વાગ્યે અજય દેસાઇ સ્વીટીની લાશ લઇને દહેજ પાસે 49 કિલોમીટર દુર આવેલી કોંગ્રેસના સ્થાનિક નેતા કિરીટસિંહ જાડેજાની બંધ સ્થિતીમાં રહેલી હોટલમાં લઇને પહોંચ્યો હતો. જયાં કિરીટસિંહ જાડેજાની મદદથી પીઆઇ દેસાઇએ દ્વારા લાકડા, ઘાસ, પુઠાનો ઢગલો કરીને સ્વીટીનો મૃતદેહ સળગાવી દીધો હતો. એક પોલીસ અધિકારી હોવાછતાં પીઆઇ અજય દેસાઇએ આટલો ગંભીર ગુનો આચર્યા બાદ પણ કેસના પુરાવાનો નાશ કરવાનો પણ હીન પ્રયાસ કર્યો હતો. જો કે, ક્રાઇમ બ્રાંચે તેના પાપનો પર્દાફાશ કરી નાંખ્યો છે. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ પોલીસની ભાષામાં પણ આ કેસમાં આકરી પૂછપરછ કરતાં કોંગ્રેસના સ્થાનિક આગેવાન અને પીઆઇ અજય દેસાઇને આ ગુનાહિત કૃત્યમાં મદદગારી કરનાર કિરીટસિંહ જાડેજા પોપટની માફક બોલી જતા ગુનાનો ભેદ ઉકેલવામાં અને ખૂટતી કડીઓમાં જોડવામાં પોલીસને સારી સફળતા મળી હતી. જેથી ક્રોસ ઇન્ટ્રોગેશનમાં પીઆઇ અજય દેસાઈ ભાંગી પડતા ગુનાની કબૂલાત કરી લીધી હતી.
પીઆઇ અજય દેસાઇની પૂછપરછમાં સામે આવ્યું કે, અજય દેસાઈની પત્ની સ્વીટી આશરે પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થતા બંને વચ્ચે તકરારો વધી હતી. જેથી આખરે અજય દેસાઈએ પત્નીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી અજય દેસાઈની સ્વીટી પટેલ સાથે પ્રથમ મુલાકાત 2015 માં એક મિત્ર સાથે પાર્ટીમાં થઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા જવા માટે સ્વીટીએ વાત કરતા અજય દેસાઈને હાશકારો થયો હતો. પણ આખરે સ્વીટી ન જતા બંન્ને વચ્ચે તકરારો વધી હતી. હત્યા કરવા પણ અજય દેસાઈએ એ જ કાર વાપરી હતી, જે સ્વીટીના જન્મદિવસે કાર ખરીદાઈ હતી. હત્યા સમયે વાપરેલી કાર (જીપ કંપાસ) બીજાના નામે લઈને અજય દેસાઈ વાપરતો હતો.