- અમદાવાદથી મુંબઇ, નવી મુંબઇ અને થાણે માટે માત્ર 24 કલાકમાં જ કોઇપણ આર્ટિકલની ડિલીવરી મળી જશે –
- આર્ટિકલ સમયસર ડિલીવર નહી થવાના કિસ્સામાં ગ્રાહકને સંપૂર્ણ પોસ્ટલ ચાર્જ પરત કરાશે, અમદાવાદમાં ત્રણ બુકીંગ કેન્દ્રો શરૂ
અમદાવાદ: 16 ઓક્ટોબર 2026:
ઝડપથી બદલાઇ રહેલા સમયના પરિપ્રેક્ષ્યમાં મેલ અને પાર્સલ સેવાઓનું ક્ષેત્ર પણ તે પ્રમાણે વિકસી રહ્યું છે ત્યારે ગ્રાહકોની વધતી જતી અપેક્ષાઓને પૂર્ણ કરવા તેમ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોના ઝડપી અને સમયબદ્ધ ડિલિવરીની વધતી જતી જરૃરિયાતને ધ્યાનમાં રાખીને, ઈન્ડિયા પોસ્ટે પોતાની પ્રીમિયમ પોસ્ટ સેવાઓેમાં એક નવી પહેલ તરીકે ૨૪ સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સેવા શરૃ કરી છે. આ સેવા અંતર્ગત હાલ પ્રાથમિક તબક્કામાં અમદાવાદથી મુંબઇ, નવી મુંબઇ અને થાણે માટે માત્ર ૨૪ જ કલાકમાં કોઇપણ આર્ટિકલ(દસ્તાવેજો-કાગળો)ની ડિલીવરી થઇ જશે.

૨૪ સ્પીડ પોસ્ટ ડોકયુમેન્ટ સેવા અંતર્ગત હાલમાં અમદાવાદથી મુંબઈ, નવી મુંબઈ અને થાણે વિસ્તારમાં વિભાગ દ્વારા નિર્ધારિત ગંતવ્ય પિનકોડ પર યોગ્ય દસ્તાવેજોની ૨૪ કલાકની અંદર ડિલિવરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં આ સેવા માટે અમદાવાદ જીપીઓ, નવરંગપુરા બીડી સેલ તથા શાહીબાગ સ્થિત બિઝનેસ પોસ્ટ સેન્ટરને બુકિંગ કેન્દ્રો તરીકે નિર્ધારિત કરવામાં આવ્યાં છે. આ સેવાનો વિસ્તાર કરતાં નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, એલિસબ્રિજ, માણેકબાગ અને પાલડી પોસ્ટ આફિસમાં પણ ટૂંક સમયમાં બુકિંગની સુવિધા શરૃ કરવામાં આવશે.
રાષ્ટ્રીય ડાક સપ્તાહના સમાપન પ્રસંગે અમદાવાદ જીપીઓ ખાતે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે અમદાવાદ જીપીઓનાં સિનિયર પોસ્ટમાસ્ટર મંજુલાબેન પટેલ, અમદાવાદના પ્રવર ડાક અધિક્ષક શિશિર કુમાર, પ્રવર અધિક્ષક રેલ ડાક સેવા પીયૂષ રાજક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્ડિયા પોસ્ટની આ ૨૪ સ્પીડ પોસ્ટ ડોકયુમેન્ટ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સેવાના પ્રથમ ગ્રાહક તરીકે અમદાવાદના ભાવિકામાંગુકીયાએ અમદાવાદ જીપીઓથી મહારાષ્ટ્ર થાણે માટે સ્પીડ પોસ્ટ બુકીંગ કરાવ્યું હતુ

નોંધનીય છે કે, આ સેવા બલ્ક અને રિટેલ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ સેવાના દર સામાન્ય સ્પીડ પોસ્ટના દરથી અલગ રહેશે. આ સેવાની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે, ૨૪ કલાકમાં એટલે કે, આગામી દિવસે ડિલિવરીની ગેરંટી નહિતર ડિલિવરીમાં વિલંબ અથવા આટકલ ગુમ થવાની સ્થિતિમાં ગ્રાહકને સંપૂર્ણ પોસ્ટલ શુલ્કની પરત ચુકવણી કરવામાં આવશે. આ સિવાય રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ પોસ્ટ વિભાગ દ્વારા આ આટકલ્સનું વિતરણ ચાલુ રાખવામાં આવશે.
આ સુવિધાઓથી ગ્રાહકોને તેમની પોસ્ટલ વસ્તુઓની સુરક્ષિત અને વિશ્વસનીય ડિલિવરીનો વધારાનો વિશ્વાસ મળશે. ૨૪ સ્પીડ પોસ્ટ ડોકયુમેન્ટ સેવા ખાસ કરીને વ્યાપારી સંસ્થાઓ, બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ, સરકારી કચેરીઓ તથા અન્ય સંગઠનો માટે બહુ ઉપયોગી સાબિત થશે, જેમને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની ઝડપી અને સમયબદ્ધ ડિલિવરી કરવી જરૃરી હોય છે.
આવનારા સમયમાં પોસ્ટ સેવા વધુ હાઇટેક બનાવવાની દિશામાં કવાયત
ઈન્ડિયા પોસ્ટે ગત તા.૧ ઓગસ્ટ, ૧૯૮૬ના રોજ પત્રો અને પાર્સલની સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત ડિલિવરી માટે સ્પીડ પોસ્ટ સેવાની શરૃઆત કરી હતી. ચાર દાયકાની આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેકનોલોજી આધારિત અને ઝડપી ડિલિવરી આપતી સેવા બની ગઈ છે. આવનારા સમયમાં પોસ્ટ સેવાને વધુ હાઇટેક અને સમયની સાથે વધુ ઝડપી બનાવવાની દિશામાં પણ કવાયત હાથ ધરાઇ રહી છે.
૨૪ સ્પીડ પોસ્ટ ડોકયુમેન્ટ સેવામાં અનેક સુવિધાઓનો સમાવેશ
૨૪ સ્પીડ પોસ્ટ ડોકયુમેન્ટ સેવામાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બી.એન.પી.એલ. સુવિધા, બલ્ક બુકિંગ માટે નિઃશુલ્ક પિકઅપ, એ.પી.આઈ. ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીયકૃત બિલિંગ જેવી અનેક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકોને સરળતા સાથે બહુ મોટો લાભ થશે.
આ સેવામાં મહત્તમ ૫૦૦ ગ્રામ સુધીના યોગ્ય દસ્તાવેજો સ્વીકારાશે
૨૪ સ્પીડ પોસ્ટ ડોકયુમેન્ટની આ સેવા અંતર્ગત મહત્તમ ૫૦૦ ગ્રામ સુધીના યોગ્ય દસ્તાવેજો સ્વીકારવામાં આવશે. તેમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ બેંકિંગ સંબંધિત દસ્તાવેજો વગેરેનો સમાવેશ થાય છે. આ સેવાના સુચારુ સંચાલન માટે વિશેષ પોસ્ટ બેગ, પેકેજિંગ સામગ્રી, પ્રાથમિકતા સ્ટિકર, બારકોડ લેબલ તથા અન્ય નિર્ધારિત સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોએ દરેક ટપાલ પર મોકલનાર અને પ્રાપ્તકર્તાનું સંપૂર્ણ અને સાચું સરનામું લખવાનું રહેશે. આ ઉપરાંત, નિર્ધારિત નિયમો અનુસાર મોકલનાર અને પ્રાપ્તકર્તાના મોબાઇલ નંબર નોંધાવવા પણ જરૃરી રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #IndiaPostlaunchesuniqueserviceof24-speedpostdocument #ArticleDelivery #IndiaPost



