- પાવર ઓફ એટર્ની મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો બહુ મહત્ત્વનો સીમાચિહ્નરૂપ ચુકાદો
- પાવર ઓફ એટર્ની આપીને લંડન ગયેલા દંપતિનો ફલેટ મિત્રએ જ પાવર ઓફ એટર્નીનો ફ્રોડ કરી પોતાના સગાને ગીફ્ટ ડીડમાં આપી દીધો
- હાઇકોર્ટે અરજદાર વતી એડવોકેટ શાર્વિલ પી.મજમુદારની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી ટ્રાયલ કોર્ટનો હુકમ અને ગીફટ ડીડ રદબાતલ ઠરાવ્યા
- જેને પાવર ઓફ એટર્ની અપાઇ છે તે એજન્ટ કે પાવરદાર મુખ્ય વ્યકિતના અવસાનથી અજાણ હોય તો પણ તેને કોઇ સત્તા રહેતી નથી
અમદાવાદ: 17 જુલાઈ 2026:
ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, જે વ્યકિતએ પાવર ઓફ અટર્ની આપી હોય તે મુખ્ય વ્યકિતના નિધન સાથે જ એજન્ટ(પાવરદાર-જેને પાવર ઓફ એટર્ની અપાઇ છે)ની સત્તા અને અધિકાર કાયદાકીય જોગવાઇ હેઠળ આપમેળે સમાપ્ત થઇ જાય છે. કારણ કે, મુખ્ય વ્યકિતના અવસાન બાદ પાવર ઓફ એટર્ની આપમેળે સમાપ્ત થઇ જાય છે. જસ્ટિસ ઇલેશ જે.વોરા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે પોતાના ચુકાદામાં એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય કરાર અધિનિયમની કલમ-૨૦૮નો આશરો લઇને મુખ્ય વ્યકિતના અવસાન પછી પાવર ઓફ એટર્નીના આધારે થયેલા આવા વ્યવહારોને કાનૂની માન્યતા આપી શકાય નહી.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, એજન્ટ કે પાવર ઓફ એટર્ની ધારકનો સંબંધ મુખ્ય વ્યકિત કે જેણે પાવર ઓફ એટર્ની આપ્યો છે, તેના અવસાન સાથે જ સમાપ્ત થઇ જાય અને ત્યારબાદ એજન્ટને મૃત વ્યકિત વતી પાવર ઓફ એટર્નીના આધારે કોઇ કાર્યવાહી કરવાનો અધિકાર જ નથી. મૃત વ્યક્તિ કોઈ કરારનો પક્ષકાર બની શકતી નથી અને તેના નામે કરવામાં આવતો વ્યવહાર કાનૂની રીતે ટકી શકતો નથી. આ ચુકાદો પાવર ઓફ એટર્ની દ્વારા મિલકતના વ્યવહારો સંબંધિત કાયદાકીય સ્થિતિને વધુ સ્પષ્ટ કરતો મહત્વપૂર્ણ નિર્ણય મનાઇ રહ્યો છે.
અરજદાર પરસોત્તમભાઇ રણછોડભાઇ પંખણીયા તથા અન્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ફર્સ્ટ અપીલ નં-૨૫૯/૨૦૨૦માં એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર દ્વારા એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર અને તેમના પત્ની લંડન ગયા ત્યારે તેમના એક મિત્ર પર વિશ્વાસ રાખી તેને ફલેટનો પાવર ઓફ એટર્ની આપ્યો હતો. અરજદારે તેમનો અને તેમની પત્નીનો સંયુકત પાવર ઓફ એટર્ની આ મિત્રને આપ્યો હતો. લંડન ગયા બાદ અરજદારના પત્નીનું દુઃખદ નિધન થઇ ગયુ હતુ, બીજીબાજુ, મિત્રએ અરજદાર સાથે ગંભીર છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી પોતાના જ એક સગાને ઉપરોકત ફલેટ ગીફ્ટ ડીડમાં આપી દીધો હતો. જેથી અરજદારે ટ્રાયલ કોર્ટમાં દાવો કર્યો હતો અને ગીફ્ટ ડીડને પડકારી તેને રદ કરવા માંગણી કરી હતી. જો કે, ટ્રાયલ કોર્ટે ગીફ્ટ ડીડ રદ નહી કરતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવી સમગ્ર હકીકતો પરત્વે ધ્યાન દોર્યું હતું.
અરજદારપક્ષ તરફથી વધુમાં જણાવાયું કે, કાયદાકીય જોગવાઇ મુજબ, પાવર ઓફ એટર્ની ધારક ગુજરી જાય પછી એજન્ટ કે પાવરદાર તેનો ઉપયોગ કરી શકે નહી. વળી, પાવર ઓફ એટર્નીમાં ગીફ્ટ ડીડ અંગેની કોઇ સત્તા આપવામાં આવી નહોતી.વળી કાયદાકીય જોગવાઇ મુજબ પણ જયારે પાવર ઓફ એટર્નીનું મૃત્યુ થઇ જાય તે પછી તેના પાવર ઓફ એટર્નીના આધારે થયેલા તમામ વ્યવહારો ગેરકાયદે અને રદબાતલ ઠરે છે., તેથી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી હાઇકોર્ટે વિવાદીત ગીફ્ડ ડીડ રદબાતલ ઠરાવવું જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ અને ગીફ્ટ ડીડ રદબાતલ ઠરાવ્યા હતા.
બોક્સ ઃ મુખ્ય વ્યકિતના નિધન બાદ પાવર ઓફ એટર્નીધારક કોઇ માલિકી હક ઉભો કરી શકે નહી
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બહુ મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, પાવર ઓફ એટર્ની અધિનિયમની કલમ ૩ સદ્ભાવનાપૂર્વક કરવામાં આવેલા કેટલાક કાર્યોને મર્યાદિત સંજોગોમાં રક્ષણ આપે છે, પરંતુ મુખ્ય વ્યકિતના અવસાન બાદ પાવર ઓફ એટર્ની ધારક મિલકતના હસ્તાંતરણ જેવા વ્યવહાર કરીને માલિકી હક ઊભો કરી શકે નહીં. ખાસ કરીને નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરવાની સત્તા પણ મુખ્યના અવસાન સાથે જ સમાપ્ત થઈ જાય છે. હાઇકોર્ટે બહુ સ્પષ્ટ કરી દીધુ હતું કે, મુખ્ય વ્યકિતના અવસાન બાદ પાવર ઓફ એટર્નીના આધારે થયેલા આવા વ્યવહારો કાયદેસર માન્ય રહી શકતા નથી અને કલમ ૨૦૮નો આશરો લઈને તેમને બચાવી શકાય નહીં.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratHighCourtVerdict #GujaratHighCourt #ahmedaba#PowerofAttorneyautomaticallyterminateswiththedeathoftheprincipal #PowerofAttorney



