- ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ કાગળ પર, ટ્રાફિક વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો
- સરકાર અને સત્તાવાળાઓ હાઇકોર્ટમાં ફુલગુલાબી ચિત્ર રજૂ કરી પોકળ દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટી બહુ જ ખરાબ અને સીધી અદાલતી તિરસ્કાર સમાન
અમદાવાદ:18 ઓક્ટોબર 2026:
અમદાવાદ શહેરમાં સવારે આઠ વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી લકઝરી બસો અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશરના જાહેરનામાને ખુદ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે પણ બહાલ રાખી લકઝરી બસો અને ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવેલો હોવાછતાં શહેરના માર્ગો પર ખાસ કરીને ફુટપાથ પર લક્ઝરી બસો, સ્કૂલ બસો અને ભારે વાહનોનું આડેધડ પાર્કિંગ જોવા મળી રહ્યું છે. ટ્રાફિક વિભાગમાં છેક ઉચ્ચ સત્તાધીશો સુધી ધ્યાન દોરવા છતાં કોઇ પગલાં લેવાતાં નથી, જેને લઇને ટ્રાફિક વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઉઠયા છે. એકબાજુ, રાજય સરકાર હાઇકોર્ટમાં જયારે કેસની સુનાવણી આવે ત્યારે ફુલગુલાબી ચિત્ર રજૂ કરી કામગીરી કરી રહ્યાના પોકળ દાવા કરે છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ જ ખરાબ અને સીધી કન્ટેમ્પ્ટ એટલે કે, અદાલતી તિરસ્કાર સમાન છે.

ટ્રાકિક વિભાગ, સ્થાનિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ગેરકાયદે પાર્કિંગ અને જાહેરમાં રોડ-રસ્તા કે ફુટપાથ પર મોટા વાહનોના આડેધડ પાર્કિંગ વિરૃધ્ધ નક્કર કાર્યવાહી નહી થતાં હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના આ અંગેના ચુકાદાઓ જાણે કાગળ પર રહી ગયા છે અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સાચુ ચિત્ર રજૂ નથી થતુ અને અદાલતને પણ જાણે અંધારામાં રાખવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે.

થોડા મહિના પહેલાં જ શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર એઇસી બ્રિજ સુધીના પટ્ટામાં પોલીસ દ્વારા વારંવારની ચેતવણી છતાં ગેરકાયદે પાર્ક થતી લક્ઝરી બસો વિરૃધ્ધ તવાઇ બોલાવવામાં આવી હતી પરંતુ સોલા એ ડિવીઝન ટ્રાફિક પોલીસના પીઆઇ નીલેશ દેસાઇની બદલી પછી નવા અધિકારીઓને કાયદાના પાલનમાં કોઇ રસ નથી. લકઝરી બસો તો ઠીક સ્કૂલ બસોવાળા પણ રોડ રસ્તા અને ફુટપાથ પર આડેધડ પાર્કિંગ કરીને જતા રહે છે. તાજેતરમાં જ સોલા રોડની નેશનલ સ્કૂલના બસના ડ્રાઇવરની લુખ્ખી દાદાગીરી સામે આવી હતી,
જયારે ઘાટલોડિયા પોલીસ પોઇન્ટના કર્મચારીઓને તેને હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, રસ્તા કે ફુટપાથ પર પાર્કિંગ પ્રતિબંધિત હોવાની વાત કરી ત્યારે નેશનલ સ્કૂલની બસના ડ્રાઇવરે થાય એ કરી લો..પોલીસ અને કોર્ટને જે કરવું હોય એ કરી લે એવો ઉધ્ધત જવાબ આપી પોલીસ કર્મચારીઓનું અપમાન કર્યું હતું. જેને પગલે સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ તેમછતાં હજુ સુધી નેશનલ સ્કૂલની બસ કે તેના ડ્રાઇવર વિરૃધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઇ સ્થાનિક રહીશોએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા કે શું હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાનો આટલી હદે અનાદર કેવી રીતે ચાલી શકે…? ટ્રાફિક વિભાગ આવા તત્વો વિરૃધ્ધ કાર્યવાહી કરતા કેમ અચકાય છે…? અને તેની પાછળનું કારણ શું…? આવી તો કંઇક કેટલીયે ઘટનાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં બનતી હોય છે અને નિર્દોષ નાગરિકો અને વાહનચાલકો આવી મોટી લકઝરી બસો, સ્કૂલ બસો અને ભારે વાહનોના આડેધડ પાર્કિંગ અને કાયદાના સરેઆમ ઉલ્લંઘનના કારણે ટ્રાફિક ચક્કાજામ સહિતની હેરાનગતિનો ભોગ બનતા હ ોય છે. ટૂંકમાં, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ કાગળ પર રહી જાય છે છતાં સત્તાવાળાઓના આંખ આડા કાન કરવા એ બાબત ઘણુ બધુ કહી જાય છે.
હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે વારંવાર સ્પષ્ટ કર્યું છે, ફુટપાથ રાહદારીઓના ચાલવા માટે છે
હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે તેના વારંવારના ચુકાદોમાં સ્પષ્ટ કર્યું છે કે, ફુટપાથ એ રાહદારીઓના ચાલવા માટે છે, લારી-ગલ્લા અને પાથરણાવાળાં કે આવા ગેરકાયદે પાર્કિંગ નહી પરંતુ કરૃણ વાસ્તવિકતા એ છે કે, ફુટપાથનો મોટાભાગે ઉપયોગ આ બધા હેતુ માટે જ થતો આવ્યો છે. સુપ્રીમકોર્ટે તો તાજેતરમાં બહુ મહત્ત્વના ચુકાદામાં ફુટપાથ પર ચાલતા રાહદારીઓની સલામતી માટે પણ કેન્દ્ર સરકાર અને રાજય સરકારોને નિર્દેશ આપેલા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #IndiscriminateIllegalParkingOfLuxuryBusesAndSchoolBusesInAhmedabadCity



