- આ માટે સુપ્રીમકોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનામાં તા.21,22 અને 23 એમ ત્રણ દિવસની સ્પેશ્યલ લોક અદાલત યોજવામાં આવશે
- દેશના જે તે રાજયો, જિલ્લા-શહેરો કે પંથકોમાં પક્ષકારોનો સંપર્ક કરી કેસોના સમાધાનકારી નિકાલના પ્રયાસો શરૂ
- સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, ગુજરાત હાઇકોર્ટ, કાનૂની સેવા સત્તામંડળ, કાનૂની સેવા સમિતિના સંકલનમાં સમાધાન સમારોહને સફળ બનાવવા અસરકારક કામગીરીનો પ્રારઁભ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
12 મે 2026:
ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજયો અને શહેરો તેમ જ જિલ્લા-તાલુકા મથકોએથી સુપ્રીમકોર્ટમાં દાખલ થયેલા અને વર્ષોથી પડતર હજારો કેસોના નિકાલના એક અનોખા કન્સેપ્ટ સાથે સુપ્રીમકોર્ટ દ્વારા જે તે રાજયોના કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા કાનૂની સેવા સમિતિના સહયોગથી સૌપ્રથમવાર સમાધાન સમારોહ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે સુપ્રીમકોર્ટ દ્વારા તા.૨૧,૨૨ અને ૨૩ ઓગસ્ટ દરમ્યાન ત્રણ દિવસની વિશેષ લોક અદાલત યોજાવાની છે પરંતુ તેમાં મહત્તમ કેસોનો નિકાલ થઇ શકે તે માટે અત્યારથી જ એટલે કે, ત્રણ મહિના પહેલાથી દેશના વિવિધ રાજયો, શહેરો અને જિલ્લા-તાલુકા મથકોએથી કેસોનું એકત્રીકરણ, તેમાં સંબંધિત પક્ષકારોનો સંપર્ક કરી સમાધાન શકય બનતુ હોય તો હાઇકોર્ટના લેવલે કન્સીલીએશન(સલાહ-મસલત), તેમાં સમાધાનકારી દરખાસ્ત તૈયાર કરવી અને તે અંતિમ સ્વરૃપમાં સુપ્રીમકોર્ટમાં ઓગસ્ટની લોક અદાલતમાં મૂકી ફાઇનલ કેસનો નિકાલ કરી દેવાનું આયોજન હાથ ધરાયું છે.

સુપ્રીમકોર્ટ દ્વારા આ સમગ્ર અનોખા કન્સેપ્ટને લઇ દેશની તમામ હાઇકોર્ટો, તમામ રાજયોના કાનૂની સેવા સત્તામંડળ, જે તે જિલ્લા કાનૂની સેવા સમિતિ સહિતના સત્તાવાળાઓને જરૃરી સૂચનાઓ પણ અપાઇ છે. જેના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર સહિતના મોટા શહેરો અને સ્થાનિક જિલ્લા-તાલુકા કક્ષાની કાનૂની સેવા સમિતિઓ દ્વારા કામગીરી પણ આરંભી દેવામાં આવી છે.
સુપ્રીમકોર્ટના સમાધાન સમારોહના અનોખા કન્સેપ્ટનો ખ્યાલ જોઇએ તો, સુપ્રીમકોર્ટમાં દેશના તમામ રાજયો, શહેરો કે જિલ્લા-તાલુકા કે પંથકોમાંથી વર્ષોથી પડતર કેસો છે, તેમાં પક્ષકારો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવી કેસોનો નિકાલ કરવાનું શકય હોય તો કેસોનો તાત્કાલિક સમાધાનકારી નિકાલ કરવાનો છે. આ માટે કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જે તે જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા તેમના શહેર કે જિલ્લા કે પંથકોના સુપ્રીમકોર્ટમાં પડતર કેસોની યાદી તૈેયાર કરાશે. આ યાદી મુજબ કેસોમાં જે કોઇ પક્ષકારો હોય તેનો જિલ્લા કાનૂની સેવા સમિતિના અધિકારીઓ, કોર્ટ બેલીફ, પેરા લીગલ વોલેન્ટીયર્સ અથવા તો પોલીસ સંપર્ક કરશે અને તેઓ તેમના સુપ્રીમકોર્ટમાં પડતર કેસોમાં સમાધાનકારી નિકાલ ઇચ્છે છે કે કેમ..? તે જાણશે અને સમાધાન સમારોહમાં ભાગ લેવાથી થનારા ફાયદા સહિતની બાબતો સમજાવશે.
જો પક્ષકારો સુપ્રીમકોર્ટમાં પડતર કેસોમાં સમાધાનકારી નિકાલ માટે તૈયાર થાય અથવા સહમતિ દર્શાવે તો સંબંધિત પક્ષકારોનું હાઇકોર્ટ લેવલે નિવૃત્ત હાઇકોર્ટ જજ અથવા અન્ય નિયુકત ન્યાયિક અધિકારી સમક્ષ કન્સીલીએશન (સમાધાનકારી સલાહ મસલત) કરાવવામાં આવશે. જો હાઇકોર્ટ લેવલે સમાધાન થઇ જાય અથવા પક્ષકારો માની જાય તો તેવા કેસોમાં નિકાલની રૃપરેખા તૈેયાર કરી તેને આખરે સુપ્રીમકોર્ટમાં ઓગસ્ટ મહિનામાં યોજાનારી ત્રિ દિવસીય લોક અદાલતમાં મૂકાશે અને સુપ્રીમકોર્ટના ફાઇનલ હુકમના આધારે કેસોનો કાયમી ધોરણે નિકાલ કરાશે.
બોક્સ ઃ સમાધાન સમારોહથી કયા કયા લાભો પક્ષકારોને મળશે…??
- ઝડપી અને અસરકાર રીતે કેસનો નિકાલ અને ન્યાયની પ્રાપ્તિ
- પક્ષકારોને કોર્ટ ફી પણ પરત મળે છે
- વર્ષો જૂના પડતર અને વિવાદીત કેસોમાં બંને પક્ષો વચ્ચે શાંત અને સૌહાર્દપૂર્ણ ઉકેલ
- ખર્ચ અને સમય બંનેની બચત અને માનસિક શાંતિ
- અદાલતો પણ ન્યાયિક પ્રક્રિયાનો ભાર ઘટે છે
બોક્સ ઃ કેવી રીતે સમાધાન સમારોહમાં ભાગ લઇ શકાશે..?? - પક્ષકારોએ નજીકની લોક અદાલત અને જે તે સ્થાનિક કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવો
- પક્ષકારોએ તેમનો કેસ લોક અદાલતમાં મૂકવા માટે જરૃરી અરજી કરવી અથવા જાણ કરવી
- પક્ષકારોની સંમંતિ બાદ કેસનો સમાધાનકારી નિકાલ માટે લોક અદાલતમાં સમાવેશ કરાશે
વર્ષોથી હેરાન થતાં પક્ષકારો માટે કેસોની ઝંઝટમાંથી મુકિત મેળવવાની ઉમદા તક
ગુજરાત કે અમદાવાદ સહિત દેશભરમાંથી જે કોઇ પક્ષકારો તેમના વર્ષોથી સુપ્રીમકોર્ટમાં પડતર કેસોને લઇ ભારે હેરાન થઇ રહ્યા છે અને વકીલોની મસમોટી ફી, સુપ્રીમકાર્ટ સુધી આવવા-જવાના મોટા ખર્ચા, માનસિક-શારીરિક ત્રાસ વેઠી રહ્યા છે તેઓને કેસોની ઝંઝટમાં કાયમી મુકિત મેળવવા સુપ્રીમકોર્ટનો આ સમાધાન સમારોહ-૨૦૨૬ કન્સેપ્ટ આશીર્વાદ સમાન સાબિત થઇ શકે છે. પક્ષકારો માટે તેમના વર્ષો જૂના અને પડતર કેસોમાં સમાધાનકારી નિકાલ કરવાની ઉમદા તક છે. જેનો મહત્તમ લાભ લેવા ખુદ સુપ્રીમકોર્ટ, હાઇકોર્ટ અને કાનૂની સેવા સત્તામંડળે પણ પક્ષકારોને અનુરોધ કર્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #SupremeCourthasauniqueconceptforthedisposalofcasespendingforyears–mediation #SupremeCourt #Effortstoresolvecasesthroughmediationbycontactingpartiesinstates,districts,citiesandpanchayats #ahmedaba



