દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભગવાનના મનમોહક, આકર્ષક અને અદ્ભુત સાજ-શણગારના દર્શન કરી ભકતો હર્ષાશ્રુ સાથે ધન્ય બન્યા અને ભગવાનના સાક્ષાત્કારનો જાણે અનુભવ કર્યો
અમદાવાદના સોલા ભાગવત, ઇસ્કોન અને ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણમંદિરોમાં પણ શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામી
ડાકોર રણછોડરાયજી ધામમાં તમામ આરતીઓ દરમ્યાન ભકતોને કોવીડ ગાઇડલાઇન્સના પાલનના ભાગરૂપે પ્રવેશ નહી, પરંતુ આરતી બાદ શ્રધ્ધાળુઓ દર્શન ઠાકોરજીના દર્શન ખુલ્લા મૂકાયા
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો જન્માષ્ટમીનો તહેવારને લઇ પ્રજાજનો જાણે કૃષ્ણભકિતમાં રસ તરબોળ બન્યા – દ્વારકા, ડાકોર અને શામળાજીમાં શ્રદ્ધાળુઓમાં કૃષ્ણભકિતની પરાકાષ્ઠા જોવા મળી, ભગવાનના દર્શન કરી હર્ષાશ્રુ સાથે કૃષ્ણભકિતની ધન્યતા સાર્થક કરી
કૃષ્ણભકતોએ પોતાના ઘરોમાં પણ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરી – અમદાવાદ શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, સોલા ભાગવત ખાતેના રસરાજ પ્રભુજીની મંદિર, ઇસ્કોન ખાતે રાધા કૃષ્ણ મંદિર, ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમ રોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇ ભકિતમય માહોલ છવાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.૩૦
ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવના પવિત્ર અને પાવન પર્વ એવા જન્માષ્ટમીના તહેવારની આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જાણે કે, કૃષ્ણમય માહોલ છવાયો હતો. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા, ડાકોર અને શામળાજી તીર્થધામોમાં તો જાણે જન્માષ્ટમીના પર્વને લઇ ધૂમ મચી છે. કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો જન્માષ્ટમીનો તહેવાર એટલી ધામધૂમ સાથે ઉજવી શકાયો ન હતો પરંતુ હવે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા અને રાજય સરકાર દ્વારા પણ આ વર્ષે જન્માષ્ટમીના તહેવારની કોવીડ ગાઇડલાઇન્સના પાલન વચ્ચે ઉજવવાની મંજૂરી આપતાં અમદાવાદ શહેર સહિત રાજયભરના લાખો શ્રધ્ધાળુ ભકતોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પવિત્ર એવો જન્માષ્ટમીનો તહેવાર હોઇ શ્રદ્ધાળુ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે આવતીકાલે પવિત્ર યાત્રાધામ ડાકોર, દ્વારકા અને શામળાજીમાં તો ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી કે જ્યાં આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તોનું ઘોડાપુર ઉમટયુ છે. તો બીજી બાજુ, અમદાવાદ શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, સોલા ભાગવત ખાતેના રસરાજ પ્રભુજીની મંદિર, ઇસ્કોન ખાતે રાધા કૃષ્ણ મંદિર, ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમ રોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇ ભકિતમય માહોલ બની રહ્યો છે.
ભગવાન કૃષ્ણના ભક્તો આ વર્ષે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવા માટે તૈયાર છે. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે દ્વારકા, ડાકોર, શામળાજી તીર્થધામના મંદિરો બંધ રહેતા ભક્તો આવી શક્યા નહતા. પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇન સાથે મંદિર ચાલુ છે. ભગવાન શ્રીકૃષ્ણના અતિ પવિત્ર દ્વારકા, ડાકોર અને શામળાજી તીર્થધામોમાં તો જન્માષ્ટમીના પર્વની જાણે ધૂમ મચી છે. જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અને ભગવાનના દર્શન કરવા આ તીર્થધામોમાં ઉમટેલા હજારો શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ, ડાકોરના રણછોડરાયજી અને શામળાજીના શામળિયાના દર્શન કરી ભકતો આંખોમાં આંસુ અને ધન્યતાના અ્નુભવ સાથે ભકિતમાં તરબોળ થવા જોવા મળ્યા હતા. અનેક ભક્તો એક દિવસ પહેલા દ્વારકા પહોંચ્યા હતા અને આજે મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. તો, ડાકોરમાં આજે કોવીડ ગાઇડલાઇન્સના પાલનના ભાગરૂપે તમામ આરતી દરમ્યાન ભકતોને મંદિરમાં પ્રવેશ અપાયો ન હતો, આરતી બાદ ભકતોને મંદિરમાં પ્રવેશ અપાયો હતો અને ભકતો ઠાકોરજીના દર્શન કરી ધન્ય બન્યા હતા.
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દર્શન માટે આવતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરવાનું છે. આ સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરવા આવતા લોકોની સુરક્ષા માટે 1300 પોલીસ જવાનો ખડેપગે છે. જેમાં 100 જેટલા પોલીસ અધિકારી અને 1200 પોલીસ જવાનો છે. તો હોમગાર્ડ અને જીઆરડી જવાનો પણ ખડેપગે છે.
ડાકોર મંદિર કમીટી અને સેવક આગેવાનોના આયોજન મુજબ, આજે જન્માષ્ટમીના તહેવારને લઇ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં સવારે 6-30 વાગ્યે નિજમંદિર ખુલી 6-45 વાગ્યે મંગળા આરતીના દર્શન થઇ, નિત્યક્રમ અનુસાર સેવા થઇ રાજભોગ દર્શન થઇ બપોરના 12-30 વાગ્યા પછી અનુકૂળતાએ ઠાકોરજી પોઢી ગયા હતા. સાંજે 4-45 વાગ્યે નિજમંદિર ખુલી પાંચ વાગ્યે ઉત્થાપન આરતી થઇ નિત્યક્રમ અનુસાર શયન ભોગ અને સખડીભોગ થઇને દર્શન ખુલ્લા રહ્યા હતા.
ભગવાન રણછોડરાયજીને પંચામૃત સ્નાન કરાવી ત્યારબાદ તેમને ભવ્યાતિભવ્ય આભૂષણો દર-દાગીના પહેરાવી અદભુત શણગાર કરવામાં આવ્યા હતા. બરોબર રાત્રે 12-00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારબાદ સેવા થઇ રણછોડરાયજીને ખાસ રત્નજડિત મુગટ પહેરાવવામાં આવશે. એ પછી લાલાને સોનાના પારણે ઝૂલાવવામાં આવશે. એ પછી મંગળવારે વહેલી પરોઢે ચારથી સાડા પાંચ વાગ્યા સુધીમાં મહાભોગની આરતી થશે અને નોમ પવિત્ર દિવસ હોઇ લાલાને પારણામાં ઝુલાવવાની સાથે સાથે નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. નોમના દિવસે મંગળવારે સવારના 8-45 વાગ્યે નિજમંદિર ખુલી 9-00 વાગ્યાના અરસામાં મંગળાઆરતી થશે. જો કે, ડાકોર રણછોડરાયજી ધામમાં આવતીકાલે તમામ આરતીઓ દરમ્યાન ભકતોને કોવીડ ગાઇડલાઇન્સના પાલનના ભાગરૂપે પ્રવેશ અપાયો ન હતો પરંતુ આરતી બાદ શ્રધ્ધાળુઓ દર્શન ઠાકોરજીના દર્શન માટે પ્રવેશ અપાયો હતો.
દરમિયાન દ્વારકા મંદિરના શાંતિભાઇ પૂજારી અને નંદનભાઇ દવેએ જણાવ્યું હતું કે, જગપ્રસિધ્ધ દ્વારકા ખાતે પણ આજે સવારે આઠ વાગ્યે દ્વારકાધીશજીને ખુલ્લા પડદે પંચામૃત સ્નાન કરાવવામાં આવી હતી, જે આખા વર્ષમાં જન્માષ્ટમીના એક જ દિવસે ખુલ્લા પડદાની સ્નાનવિધિ હોય છે, જેના અદ્ભત દર્શનનો લ્હાવો ભકતોએ માણી ધન્યતા અનુભવી હતી. સવારે સવા છ વાગ્યે મંગળાઆરતી, 6-00 થી 8-00 મંગળાના દર્શન મંગળાના, 8-00 વાગ્યે ખુલ્લા પડદે અભિષેક, જે પોણા નવ સુધી ચાલી હતી. 9-30 પડદો ખુલ્યો અને ફરી દર્શનનો લ્હાવો બન્યો હતો. એ પછી 11-00 વાગ્યે આરતી, બપોરે 12-00 વાગ્યે રાજભોગ, એક વાગ્યે મંદિર બંધ થયુ હતું. સાજે પાંચ સુધી મંદિર બંધ ત્યારબાદ સાંજે 5-00 થી દર્શન સંધ્યા આરતી સહિત નવ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. એ પહેલા એક 7-45 વાગ્યે અને બીજી 8-30 વાગ્યે આરતી થશે. જ્યારે આજે રાત્રે બાર વાગ્યે શ્રી દ્વારકાધીશની આરતી ઉતારી સામે દેવકી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે. દ્વારકા મંદિરમાં દ્વારકાધીશ(ઠાકોરજી)ને જન્માષ્ટમીના તહેવારને લઇ વિશેષ સાજ શણગાર કરવામાં આવશે. રાત્રે 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે, બીજા દિવસે આવતીકાલે નોમના સવારે સાત વાગ્યે મંગળા આરતી,.સવારે 10-30 મંદિર બંધ થઇ જાય અને પાંચ વાગે ખુલશે. સુંદર પારણાંમાં લાલાને ઝૂલાવવામાં આવશે.
આ જ પ્રકારે શામળાજી મંદિરમાં પણ જન્માષ્ટમીના તહેવાર અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આજે શામળીયા ઠાકરને ભવ્ય સાજ-શણગારથી સજાવવામાં આવ્યા હતા. શામળાજી મંદિરમાં પણ આજે હજારો શ્રધ્ધાળુઓ શામળિયા ઠાકરને હેપ્પી બર્થ ડે કહેવા લાંબી લાઇનો લગાવી ઉભેલા નજરે પડતા હતા. મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા માસ્ક, એકસાથે ૨૦૦ ભકતોને પ્રવેશ સહિતની કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું હતું. ડાકોર, દ્વારકા અને શામળાજી ત્રણેય મંદિરોને ઝળહળતી રોશનીઓ, ફુલહાર, આસોપાલવના તોરણો અને અનેક આકર્ષણથી સજાવવામાં આવ્યા હતા. ત્રણેય તીર્થધામોમાં ડાકોરના રણછોડરાયજી, દ્વારકાના દ્વારકાધીશ અને શામળાજીના શામળિયા ઠાકરને આજે બહુ જ મનમોહક અ્ને આકર્ષક અને અદ્ભુત સાજ-શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી શ્રધ્ધાળુ ભકતોએ આજે જાણે સાક્ષાત ભગવાનના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરી હતી. કેટલાક શ્રધ્ધાળુ ભકતોની આઁખોમાંથી તો ભગવાનના દર્શન કરીને આંખમાં અશ્રુ વહેવા લાગ્યા હતા, ત્યારે ભકિતની ચરમસીમાના લાગણીસભર દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
બીજીબાજુ, જન્માષ્ટમીના તહેવારને લઇ અમદાવાદ શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, સોલા ભાગવત ખાતેના રસરાજપ્રભુજીના મંદિર, ઇસ્કોન ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિર, આશ્રમ રોડ ખાતેના વલ્લભ સદન સહિતના કૃષ્ણ મંદિરોમાં પંચામૃત સ્નાન, આરતી, ભવ્ય શૃંગાર અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તદુપરાંત, બાળગોપાલના પારણાં અને બીજા દિવસે નંદ મહોત્સવ સહિતના ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરના તમામ મંદિરો સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન અને મોડી રાત સુધી કૃષ્ણ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ભારે પડાપડી કરશે. કૃષ્ણ મંદિરો આજે જય રણછોડ માખણચોર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે…ના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા. જો કે, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઇ મંદિર પરિસરમાં સરકાર દ્વારા એક સાથે 200 માણસોને જ પ્રવેશની છૂટ આપી છે અને તે સિવાય માસ્ક, સોશ્યલ ડિસન્ટન્સીંગ સહિતની કોવીડ ગાઇડલાઇન્સનું પાલન કરાવવા જે સૂચના અપાઇ હતી, તેના અ્નુસંધાનમાં મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત અમલીકરણ માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી.
#bharatmirror #bharatmirror21 #news