ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિકાસકામોની સમીક્ષા કરતાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી શ્રી અમિતભાઇ શાહ
શહેરના તળાવોને વધુ આકર્ષક બનાવવા તથા તેમાં ગટરના પાણી ન ભળે તે માટે તજજ્ઞના માર્ગદર્શન સાથે અસરકારક નાણાંકીય આયોજનની હિમાયત કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ
વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે ત્યારે, વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તે પણ એટલું જ જરૂરી છે – શ્રી અમિતભાઇ શાહ
હાઉસીંગ પોલીસીમાં ગરીબોને પ્રાથમિકતા આપવા તથા વધુ સુવિધાપુર્ણ વિકાસકામો કરી જનસુખાકારીમાં વધારો કરતા કામો કરવા મંત્રીશ્રીનો અનુરોધ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.29
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહે આજે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યો સાથે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાની તાકીદ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શહેરના તળાવો વધુ આકર્ષક બને તે માટે કામો કરવા અનિવાર્ય છે.સાથે સાથે તેમણે શહેરના તળાવોમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન માટે તાકીદ કરી હતી. શહેરના ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી આ માટે તજજ્ઞનું માર્ગદર્શન મેળવી કામ ટુંક સમયમાં પુર્ણ કરવા પણ મંત્રીશ્રીએ સુચન કર્યું હતું.
મંત્રીશ્રીએ વૃક્ષારોપણ અને તેની જાળવણીની હિમાયત કરતાં કહ્યું કે વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે ત્યારે, વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તે પણ એટલું જ જરૂરી છે. કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો વાવ્યા, તેની જાળવણી અને તેના સંવર્ધન માટેની શી વ્યવસ્થા કરાઈ છે તે અંગેની ઝીણામાં ઝીણી વિગતો મંત્રીશ્રીએ મેળવી હતી.
શહેરી ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસો એ સમયની માંગ છે ત્યારે હાઉસીંગ પોલીસીમાં ગરીબોને સત્વરે આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા જણાવી મંત્રીશ્રી કહ્યું કે, દરેક માનવીને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે એ સ્વપ્ન સાકાર થવું જોઈએ.
આ બેઠકમાં ધારાસભ્યો- જનપ્રતિનિધીઓએ ઉપસ્થિત કરેલા જન સુખારીના કામો સત્વરે પુર્ણ કરવા મંત્રીશ્રી અમદાવાદ મહાનગરપાલિકાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. સાથે સાથે શહેરમાં હાથ ધરાયેલી રસીકરણ કામગીરીની સમીક્ષા કરી રસીકરણ વધુ વેગવાન બનાવવા પણ સુચના આપી હતી.
ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા કામોની સમીક્ષામાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧માં રૂ. ૭૬૮.૨૦ કરોડના ખર્ચે પાણી, ડ્રેનેજ, હાઉસીંગ, રોડ, બ્રીજ, અંડરપાસ, બગીચા બનાવવા સહિત ૨૩૨ જેટાલા કામો પુર્ણ થયા છે. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં અંદાજે રૂ. ૨૮૭૩.૪૪ કરોડના ૧૮૬ કામો હાલ પ્રગતિમાં છે. અને રૂ. ૧૮૦૧.૬૮ કરોડના ખર્ચે ૧૬૮ વધુ કામો આયોજન હેઠળ છે. આમ, ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ મળીને રૂ. ૫૪૪૩.૨૦ કરોડના ખર્ચે જન સુવિધાના કામો ઉભા કરાનાર છે
આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રસીકરણ અંતર્ગત લગભગ ૮૭ % લોકોને પ્રથમ ડોઝ અપાયો છે, તે અંગેનું પ્રેઝન્ટેશન પણ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વૃક્ષારોપણનો ચિતાર આપતા જણાવવામાં આવ્યું હતું કે, ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ ચાલુ વર્ષે ૩.૪૪ લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે.
શ્રી અમિતભાઈએ અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ રહેલા સ્પેશિયલ પ્રોજેક્ટમાં પણ વિશેષ રૂચિ દાખવી હતી. તેમણે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પલ્લવ-પ્રગતિનગર સ્પ્લીટ ફ્લાય ઓવ્ર બ્રીજ, સીંધુભુવન પાસે નિર્માણાધિન મલ્ટીલેવલ પાર્કીંગ, જાસપૂર ખાતે બનતા ૨૦૦ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીમ્સ હોસ્પિટલ ફોર લેન ઓવરબ્રીજ, છારોડી તળાવ, બોપલ ઈકોલોજી પાર્ક જેવા પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી અને તમામ કામો સમયમર્યાદામાં પુરા થાય તેવી અધિકારીઓને તાકીદ પણ કરી હતી.
આ બેઠકમાં મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, કિશોરભાઈ ચૌહાણ, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, અગ્રણી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી શ્રી મુકેશકુમાર, સહિત અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news