બે દિવસ માટે યોજાનાર આ સત્રમાં ચાર સરકારી વિધેયકો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નો સંકલ્પ લવાશે
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણો મુજબ હાલના કાયદામાં સુધારો સુચવતું સુધારા વિધેયક પણ રજુ કરવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.25
સંસદીય રાજય મંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર તા.૨૭ મી સપ્ટેમ્બરથી શરૂ થશે. બે દિવસ યોજાનારા આ સત્રમા શોકદર્શક ઉલ્લેખો,રાજય સરકારે કરેલી જનહિત લક્ષી કામગીરી સહિત ચાર સરકારી વિધેયકો લવાશે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમા રાજ્યપાલશ્રીને તે અનુસાર ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સત્રના પ્રારંભે ગુજરાત વિધાનસભાના ૧૮ જેટલાં દિવંગત પૂર્વ મંત્રીશ્રીઓ અને સભ્યશ્રીઓના શોકદર્શક ઉલ્લેખો મુખ્યમંત્રીશ્રી દ્વારા રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત સત્ર દરમ્યાન સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે ૪ સરકારી વિધેયકો હાથ ધરાશે.
મંત્રીશ્રી જાડેજાએ વિધાનસભા ખાતે હાથ ધરાનારા સરકારી વિધેયકોની વિગતો આપતાં કહ્યુ કે મેડીકલ કોલેજોમાં એન.આર.આઇ. માટે પ્રવેશ બાબતે ગુજરાત પ્રોફેશનલ મેડીકલ એડ્જ્યુકેશન કોલેજીસ એન્ડ ઇન્સ્ટીટ્યુશન્સને લગતા કાયદામાં સુધારો સુચવતું વિધેયક રજુ કરવામાં આવશે તેમજ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણો મુજબ હાલના કાયદામાં સુધારો સુચવતું સુધારા વિધેયક પણ રજુ કરવામાં આવશે.
આ ઉપરાંત, ગ્રાન્ટ ઇન એડ કોલેજોને પ્રાઇવેટ યુનીવર્સિટીઓના એફીલીએશનમાંથી દુર કરવા માટે પ્રાઇવેટ યુનીવર્સિટી એમેન્ડમેન્ટ બીલ પણ હાથ ધરવામાં આવશે. તેમજ પાર્ટનરશીપ એક્ટમાં સુધારા કરતુ રજિસ્ટ્રેશન બાબતે ઓનલાઇન અરજીની જોગવાઇ કરતું વિધેયક પણ વિચારણામાં લેવામાં આવશે અને સત્રના કામકાજના છેલ્લા દિવસે છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
રાજયના નાગરિકો માટે જનહિતની નિતી અને નિર્ણયોને વળેલી રાજય સરકારે સતત પ્રજાનો વિશ્વાસ જીતીને છેલ્લા ૩ દાયકાથી ગુજરાતના વિકાસની આગેકુચ જારી રાખેલ છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજયના પ્રજાજનોની સુખાકારી તથા આશા આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી કામ કરતી રાજય સરકાર રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે તે માટે પ્રતિબધ્ધ છે . મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, દેશની મહામૂલી આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના ભાગરૂપે દેશભરમા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે સંદર્ભે પણ આ સત્રમા સરકારી સંકલ્પ રજૂ કરાશે.
#bharatmirror #bharatmirror21 #news