નિવૃત્ત જજને ફોન પર બિભત્સ ગાળો આપનાર બીજો કોઇ નહી પરંતુ તેમના ઘરની નોકરાણીનો પતિ જ નીકળ્યો
આ આરોપીએ 24 કલાકમાં જુદા જુદા નંબર પરથી એક,બે, પાંચ-દસ નહી પરંતુ 43 વખત નિવૃત્ત જજ ડો.જયોત્સનાબહેન યાજ્ઞિકને ધમકી આપી હતી
પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી નવરંગપુરા પોલીસે તેની વિરૂધ્ધ પ્રોહીબીશનનો પણ બીજો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ,તા.20
અમદાવાદ શહેરની ભદ્ર સેશન્સ કોર્ટના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ શ્રીમતી ડો.જયોત્સનાબહેન યાજ્ઞિકને ફોન પર બિભત્સ ગાળો આપનાર બીજો કોઇ નહી પરંતુ તેમના ઘરની નોકરાણીનો પતિ જ નીકળ્યો હતો. પોલીસે આરોપી ચંદ્રપ્રકાશ વંશકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પત્ની પ્રવેશબેન વંશકારે તેની વિરૂધ્ધ માનસિક શારીરિક ત્રાસની નોંધાવેલી ફરિયાદનો બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું આરોપીએ પોલીસ તપાસમાં કબૂલ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી નવરંગપુરા પોલીસે તેની વિરૂધ્ધ પ્રોહીબીશનનો પણ બીજો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ આરોપીએ 24 કલાકમાં જુદા જુદા નંબર પરથી એક,બે, પાંચ-દસ નહી પરંતુ 43 વખત નિવૃત્ત જજ ડો.જયોત્સનાબહેન યાજ્ઞિકને ધમકી આપી હતી. જે અંગે ડો.યાજ્ઞિકના પતિ તરફથી નવરંગપુરા પોલીસને જાણ કરતાં નવરંગપુરા પોલીસે આજે આરોપી ચંદ્રપ્રકાશ વંશકારની ધરપકડ કરી લીધી હતી.
ચકચારભર્યા આ કેસ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પોલીસ પૂછપરછમાં આરોપી ચંદ્રપ્રકાશે કબૂલ્યું હતું કે, તેની પત્ની પ્રવેશબેન વંશકારએ આરોપી પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેની સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદનું વેર વાળવા તેણે આ કૃત્ય કર્યું હતું. એટલુ જ નહીં પણ આરોપી વિરૂદ્ધ ફરિયાદ થતા પોલીસ તરીકે ઓળખ આપીને ફોન કરી ધમકી પણ આપી હતી. જેને પગલે ડો.જ્યોત્સનાબેનના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફોન કરનાર તેમની મહિલા ઘરઘાટીના આરોપી પતિ ચંદ્રપ્રકાશ વંશકારની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ ડો. ડો.જ્યોત્સનાબહેન યાજ્ઞિકની તબિયત ખરાબ હોવાથી ઘરઘાટી તરીકે પ્રવેશબેન વંશકારને કામકાજ માટે રાખી હતી. આ પ્રવેશબેને તેના પતિ ચંદ્રપ્રકાશ વંશકાર વિરુદ્ધ તાજેતરમાં જ સોલા પોલીસમાં શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવેલી હતી. જે બાબતે પોલીસ સ્ટેશનથી ફોન આવતા ડો.જ્યોત્સનાબેનને આપ્યો. અને તેમણે વચ્ચે પડી મધ્યસ્થી કરાવવા ફોન લઈ તેમણે હોદ્દો અને બક્કલ નંબર પૂછતા ફોન કરનારે ડો.જ્યોત્સનાબેનને બીભત્સ ગાળો બોલી હતી. ત્યારબાદ તા.17થી 18 ઓગસ્ટ સુધીમાં ડો.જ્યોત્સનાબેનના ફોન પર બે જુદા-જુદા નંબર પરથી સંખ્યાબંધ વખત ફોન કરીને આરોપી ચંદ્રપ્રકાશે ગાળો બોલી ધમકી આપી હતી.
જેથી ડો.યાજ્ઞિકના પતિ દ્વારા નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી ચંદ્રપ્રકાશની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે તે દારૂ પીધેલો હોવાથી તેની સામે પ્રોહિબિશનનો બીજો ગુનો નોંધ્યો હતો હાલ નવરંગપુરા પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
#bharatmirror #bharatmirror21 #news