ખેડા SOGની ટીમ દ્વારા નડિયાદમાંથી ચાર મહિલાઓની નવજાત બાળક સાથે ધરપકડ કરાતાં ભારે ચકચાર
ગરીબ મહિલાઓને મોટી રોકડ આપવાની લાલચ આપી તેમનું જન્મેલું બાળક ખરીદવામાં આવતું – ગુજરાત બહાર પણ બાળકોના વેચી મારવાના આ કૌભાંડના તાર જોડાયેલા હોઇ આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની શકયતા
ખેડા એસઓજીએ ડમી ગ્રાહકો મોકલી રેકેટનો કર્યો પર્દાફાશ – બાળકો વેચવાના કૌભાંડના પર્દાફાશ બાદ ખેડા જિલ્લામાં ખળભળાટ
અમદાવાદ,તા.20
તાજેતરમાં જ મઘ્ય ગુજરાતમાં ગર્ભપાતની અત્યંત ઘૃણાસ્પદ ઘટના બાદ હવે નડિયાદમાં માસૂમ બાળકોને વેચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ થતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. માત્ર ગુજરાત જ નહિ, પરંતુ રાજ્યની બહાર પણ આ પાપલીલાના તાર જોડાયેલા હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવતાં પોલીસ પણ ચોંકી ગઇ છે. ખેડા એસઓજી દ્વારા પર્દાફાશ કરાયેલા આ કૌભાંડમાં ગરીબ અને સગર્ભા મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો અને ત્યાર બાદ તેમને રૂપિયાની લાલચમાં ફસાવી નજીવા રૂપિયાના બદલામાં તેના નવજાત માસૂમને જ ખરીદી લઇ બારોબાર વેચી મારવામાં આવતા હતા. ખેડા એસઓજી દ્વારા હાલ તો મોનિકાબેન મહેશભાઇ પ્રવિણભાઇ શાહ, પુષ્પાબેન સંદિપભાઇ બહેચરભાઇ પટેલીયા, માયાબેન લાલજીભાઇ રણછોડભાઇ ડાંભલા અને રાધિકાબેન રાહુલભાઇ મશરામભાઇ ગેડામ એ ચાર મહિલાઓની ધરપકડ કરી નડિયાદ ટાઉન પોલીસમથકમાં આ અંગેનો જરૂરી ગુનો દાખલ કરાવી સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત બહાર પણ તાર જોડાયેલા હોવાથી આગામી દિવસોમાં ચોંકાવનારી વિગતો ખુલવાની શકયતા છે.
ખેડા એસઓજીની પ્રાથમિક તપાસમાં, મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા છે જે આ સમગ્ર કૌભાંડની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. માત્ર સગર્ભાઓ જ નહિ, પરંતુ માયા નામની આ રાક્ષસી કૂખ ભાડે આપે તે સરોગેટ મહિલાઓને પણ ફસાવતી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ખેડા એસઓજીએ નકલી ગ્રાહકો મોકલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર કૌભાંડ અંગે ખેડાના ઈન્ચાર્જ ડીએસપી અર્પિતા પટેલે જણાવ્યું કે, નાના બાળકોનું ખરીદ-વેચાણ કરી મોટા નાણાંકીય લાભ મેળવવાનું રેકેટ આચરનાર ટોળકીને ઝડપી પાડવામાં છે, જેમાં મુખ્ય આરોપીઓની ભૂમિકા મહિલાઓ જ ભજવતી હોવાનું સામે આવ્યું છે. હેડ કોન્સ્ટેબલ દાદુસીંહ તખતસીંહ અને પોલીસ કોન્સ્ટેબલ ફતેસિંહ જેરાભાઇને બાતમી મળી હતી કે, માયા નામની મહિલા બહારના રાજ્યની ગરીબ પ્રેગ્નેટ મહિલાઓને નડિયામાં લાવીને તેમની ડિલીવરી કરાવે છે અને બાદમાં તેમનું બાળક બીજાને વેચી દે છે. આ માટે તે મોટી રકમ આપીને મહિલાઓને લાલચ આપી હતી. મહિલાઓને લલચાવીને તેમના બાળકને અન્ય બીજી મહિલા એજન્ટ મારફતે વેચી દેતી હતી. બાતમીના આધારે નડિયાદમાં સંતરામ મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં બાળક વેચવાનું મોટું કૌભાંડ પકડાઇ જતાં ચાર આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર કૌભાંડના પર્દાફાશ માટે પોલીસની ટીમ દ્વારા ડમી ગ્રાહક મોકલવામાં આવ્યુ હતું. જેમાં માયાએ બાળક થોડી વારમાં લાવી આપવાનું કહ્યું હતું. થોડા સમય બાદ એક બહેન નાનુ બાળક લઇ સંતરામ મંદિરની બાજુમાં આવેલ શાકમાર્કેટમાં લઈને આવી હતી. આ મહિલાએ બાળક ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાને આપ્યું હતું. જેના બાદ ત્રણેયે મળીને અંદરો અંદર વાતચીત કરી હતી. તેના બાદ ડમી મહિલા ગ્રાહકને ઇશારામાં બોલાવી હતી. આ બાદ બાળકના બદલામાં છ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. આ બાદ પોલીસની ટીમે ચારેબાજુથી મહિલાઓને કોર્ડન કરીને પકડી લીધી હતી. જેમાં મોનિકાબેન મહેશભાઇ પ્રવિણભાઇ શાહ, પુષ્પાબેન સંદિપભાઇ બહેચરભાઇ પટેલીયા, માયાબેન લાલજીભાઇ રણછોડભાઇ ડાંભલા અને રાધિકાબેન રાહુલભાઇ મશરામભાઇ ગેડામને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવી હતી.
આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ઉપરોક્ત ચારેય મહિલાઓ સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત બહાર પણ તાર જોડાયેલા હોવાથી આગામી દિવસોમાં ચોંકાવનારી વિગતો સામે આવવાની શકયતા છે.
#bharatmirror #bharatmirror21 #news