- દિવાળી ને તહેવારો દર વર્ષે આવે છે પરંતુ દિકરો આવતો નથી..સંતાનોની એક ઝલક જોવા તરસી રહેલા જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના વડીલોની હૃદયદ્રાવક વ્યથા
- પ્રતિક્ષાની આખરી ક્ષણો, વૃદ્ધાશ્રમના દરવાજે અટકેલી આંખો, મરતા પહેલાં સંતાનોને એક વખત મન ભરીને જોઇ લેવાની આશા, છોરુ કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એ ઉકિતને મા-બાપ જ સનાતન સત્ય સાર્થક કરી શકે
- નારણપુરા સ્થિત જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના ચેરમેન સુકેતુભાઇ નાગરવાડિયા સાથે ખાસ વાતચીત અને ઇન્ટરવ્યું
અમદાવાદ: 04 નવેમ્બર 2026:
દિવાળી ને તહેવારો તો દર વર્ષે આવે છે પરંતુ અમારા દિકરા-સંતાનો આવતા નથી…મા-બાપ માટે પોતાના સંતાનો જ સર્વસ્વ હોય છે..અમે તો સમાજને ખાસ કરીને આજના છોકરા-વહુઓને એટલું જ કહેવા માંગીએ છીએ કે, ગમે તે કરજો પણ પેટે પાટા બાંધી અગણિત દુઃખ વેઠીને તમને ઉછેરનાર માતા-પિતાને ઘરડા ઘરમાં ના મોકલશો…આ શબ્દો છે નારણપુરા સ્થિત જીવન સંધ્યા વૃધ્ધાશ્રમમમાં પોતાની પાછલી જીંદગીના અંતિમ દિવસો ગાળી રહેલા અને પોતાના સંતાનોની એક ઝલકની આશા રાખીને વૃધ્ધાશ્રમના દરવાજે નજર ટકાવી રાખીને બેઠેલા માવતરના.

દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃધ્ધાશ્રમમાં આશરો લઇ રહેલા ૧૫૦ વયોવૃધ્ધ માતા-પિતા અશકત અને બિમાર શારીરિક સ્થિતિ વચ્ચે ઉંડી ઉતરી ગયેલી આંખોમાં પોતાના સંતાનોની એક ઝલક મેળવવા તરસતા બેસી રહ્યા છે અને પોતાની આ અંતર વ્યથા ઠલાવી રહ્યા છે. નારણપુરાના જીવન સંધ્યા આશ્રમમાં ૯૭ વર્ષના સૌથી વયોવૃધ્ધ સંયુકતાબા રતિલાલ પટેલે માતા-પિતાનું મન અને હૃદય કેટલા વિશાળ હોય છે તેની પ્રતીતિ કરાવતાં એક વાતચીતમાં જણાવ્યું કે, તેઓ ભાવનગરમાં કોર્પોરેશનમાં વર્ષો પહેલાં નોકરી કરતાં હતા, તેમને એકનો એક જ પુત્ર છે પરંતુ લગ્ન બાદ તેની વહુને હું નહી ગમતા અને મારી સાથે મેળ નહી ખાતાં હું આ જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના સ્થાપક સ્વ.વીરબાળાબેન નાગરવાડિયાના સંપર્કમાં આવતાં તેમણે મને અહીં કાયમી ધોરણે આશરો આપ્યો. હું છેલ્લા ૨૪-૨૫ વર્ષોથી અહીં જ રહું છું. મારા દિકરા અને વહુએ મારી માલિકીનો ફલેટ-દાગીના બધુ વેચી માર્યુ અને તેઓ નવા મકાનમાં રહેવા જતા રહ્યા, તેને પણ એક દિકરો છે. પરંતુ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું, ભગવાન એ બંનેને સુખી રાખે.

ભલે સંયુકતાબા આટલા વર્ષોથી ઘરડાઘરમાં રહી રહ્યા છે પરંતુ તે વાતનું તેમણને લેશમાત્ર દુઃખ કે રંજ કે અફસોસ નથી, તેમની વૃધ્ધ આંખોમાં એક અનોખી ચમક, શરીરમાં જુસ્સો અને હકારાત્મક વિચારોની માનસિકતા તેમની આ ભયંકર પીડાને પણ જાણે હરાવી દે છે. છોકરા અને વહુ દ્વારા તેમના ત્યાગને પણ પોઝીટીવલી લેતાં ૯૭ વર્ષીય સંયુકતાબા કહે છે કે, આપણે માવતર(મા-બાપ) કહેવાઇએ, આપણે મન મોટુ રાખવાનું., સમય સમયનું માન છે. આપણે દુઃખ નહી લગાડવાનું અને વાસ્તવિકતા સ્વીકારી લેવાની. તમારો પુત્ર તમને મળવા આવે છે અથવા ફોન કરે છે એવા પ્રશ્નના જવાબમાં સંયુકતાબાએ જણાવ્યું કે, ના એ મળવા નથી આવતો નહી તો પાછો વહુ સાથે એને ઝઘડો થાય..અલબત્ત, કયારેક ઓફિસના સ્થળેથી મને ફોન કરી દે છે. એ મને ઘેરથી ફોન નથી કરતો કારણ કે, એની પત્નીને ગમે નહીને પાછું…
બોક્સ ઃ સ્વ.વીરબાળાબેને વર્ષ ૧૯૭૪માં એક રૃમમાં ચાર-પાંચ વૃધ્ધોને આશરો આપતી સેવા શરૃ કરી હતી
જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના ચેરમેન સુકેતુભાઇ નાગરવાડિયાએ જણાવ્યું હતું કે, તેમની માતા સ્વ.વીરબાળાબેન નાગરવાડિયાએ અંગ્રેજો સામેની લડતમાં સક્રિય ભાગ લીધા બાદ બિમાર-લાચાર વૃધ્ધજનો માટે કંઇ કરવાની સ્ફુરણા થતાં ૭૪ વર્ષ પહેલાં મણિનગર વિસ્તારમાં એક મંદિરની ઓરડીમાં ચારથી પાંચ વૃધ્ધજનોને રાખી આ સેવાયજ્ઞા શરૃ કરવામાં આવ્યો હતો. એ પછી સમય જતાં ખાનપુર જીપીઓ પાસે એક પારસી દાતાએ તેમનું મકાન આ સેવાકાર્ય માટે આપતાં વાનપ્રસ્થાશ્રમ સેવા સમાજ નામથી જીવન સંધ્યા ઘરડા ઘરનો પાયો નંખાયો…અને આજે નારણપુરામાં ૧૩૨ ફુટ રીંગ રોડ નજીક આશરે ૬૦૦૦ ચો.વાર જમીનમાં જીવનસંધ્યા વૃધ્ધાશ્રમ ઘરડા માતા-પિતાઓ માટે તમામ સાધન-સુવિધાથી સજ્જ અને સેવામાં પ્રવૃત્ત છે.
બિઝનેસની લાખો કમાણી છોડી માતાની પ્રેરણાથી સેવામાં પ્રવૃત્ત થયા
સુકેતુભાઇ નાગરવાડિયાએ જણાવ્યું કે, તેમને ઇલેકટ્રોનીક એપ્લાયન્સીસનો મોટો બિઝનેસ હતો અને એ જમાનામાં લાખોની કમાણી હતી પરંતુ વર્ષ ૨૦૦૫માં મારી માતા વીરબાળાબેન ગુજરી ગયા બાદ તેમની પ્રેરણાથી હું જીવન સંધ્યા વૃધ્ધાશ્રમમાં સેવાકાર્ય તરફ વળ્યો. મારી માતાના આશીર્વાદથી આજે સંપૂર્ણપણે આ વૃધ્ધ વડીલો અને માતા-પિતાના સેવાકાર્યથી ભરપૂર સંતોષ અને આનંદ માણી રહ્યો છું.

બે વખત કેન્સર ને છેવટે કિડની કાઢી નંખાઇ, પત્ની-પુત્ર ગુમાવ્યા છતાં સેવાકાર્ય ચાલુ
વાતવાતમાં જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના ચેરમેન સુકેતુભાઇ નાગરવાડિયાએ ખુલાસો કર્યો કે, તેમને બે વખત કેન્સર થયુ અને છેવટે ડોકટરોએ મારી એક કિડની કાઢીને મારો જીવ બચાવ્યો પરંતુ હું મારા માતાના આશીર્વાદ અને આ વડીલ વૃધ્ધજનોની સેવા માટે જ જીવી રહ્યો હોવાની પ્રતીતિ મને થઇ રહી છે. મારા પત્ની પણ પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા , ૩૪ વર્ષનો મારો પુત્ર અમેરિકામાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને હાલ હું મારી ૯૧ વર્ષીય સગી બહેનને મારી સાથે રાખી તેની પણ સેવા કરી રહ્યો છું. મારી ઉંમંર ૮૧ વર્ષની થઇ છે પરંતુ હવે બાકીનું જીવન આ સેવાકાર્ય કરતાં કરતાં જ ખપી જવું છે.
સરકારમાંથી વૃધ્ધજનોને પેન્શન અપાવતો ગુજરાતનો એકમાત્ર વૃધ્ધાશ્રમ જીવન સંધ્યા
જીવન સંધ્યા વૃધ્ધાશ્રમ ગુજરાતનો સંભવતઃ એકમાત્ર એવું ઘરડા ઘર છે જે તેમાં રહેતા વડીલ વૃધ્ધજનોને સરકારની યોજના મુજબ, પેન્શન અપાવતો વૃધ્ધાશ્રમ છે. જે વૃધ્ધો ઘરડાઘરમાં રહેતા હોય તેમને સરકારની એક યોજના પ્રમાણે રૃ.૧૨૫૦ જેટલું પેન્શન અપાતું હોય છે., જે અહીંના વડીલોને પ્રાપ્ય બન્યું છે. આ માટે જીવનસંધ્યા વૃધ્ધાશ્રમના ચેરમેન સુકેતુભાઇ નાગરવાડિયાએ ભારે મહેનત કરી હતી.

આજે પણ માત્ર મહિને રૃ.૨૫૦ના ટોકન દરે વૃધ્ધજનોને રાખવામાં આવે છે
જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના ચેરમેન સુકેતુભાઇ નાગરવાડિયાએ જણાવ્યું કે, વર્ષો પહેલાં પણ વડીલોને માસિક મહિને રૃ.૨૫૦ના ટોકન દરે વૃધ્ધાશ્રમમાં રાખવામાં આવતા હતા અને આજે પણ એ જ ટોકન દરથી વૃધ્ધજનોને અહીં વૃધ્ધાશ્રમમાં રાખવામાં આવે છે. જો કોઇને નાણાંકીય તકલીફ હોય તો તેમના પૈસા ભૂલી જઇને પણ તેમને અહીં આશરો અપાય છે.
વડીલોને મોજ-મસ્તી, સુખ-સગવડ માટેની તમામ વ્યવસ્થા
જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના ચેરમેન સુકેતુભાઇ નાગરવાડિયાએ ઉમેર્યું હતું કે, જીવન સંધ્યા વૃધ્ધાશ્રમમાં વૃધ્ધજનો-વડીલોને ગમે તેવું સાનુકૂળ અને આરામદાયક વાતાવરણ મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાયેલી છે, જેમાં તેઓને બે ટાઇમ ચા- નાસ્તો, બે ટાઇમ જમવાનું, ગરમ દૂધ, દર અઠવાડિયે બે તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન-દવા-સારવાર પૂરી પાડવામાં આવે છે. સવારે ત્રણ કલાક ગરમ પાણી, સંગીત, ભજન, કથા, સંગીત ખુરશીથી લઇ હાઉસી સહિતના કાર્યક્રમો સતત યોજાતા રહે છે. સીરીયલો-ફિલ્મો કે ક્રિકેટ મેચ જોવા અલગ-અલગ રૃમમાં ટીવી, બર્થ ડે ઉજવણી, અઠવાડિયામાં એક દિવસ ચોપાટી પ્રોગ્રામ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવાય છે કે જેથી વડીલોને ઘર જેવું વાતાવરણ મળી રહે અને તેઓ આ ઉમંરમાં પણ મોજ-મસ્તી, સુખનો આહ્લાદ માણી શકે.
મા-બાપના આશીર્વાદ વગરનું ઘર કયારેય સ્વર્ગ બની શકતુ નથી
જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના વૃધ્ધજનોએ એક જ સંદેશ આપ્યો કે, પથ્થર એટલા દેવ પૂજીને જે સંતાનોેને ેજન્મ આપી પોતાના સુખ, ઇચ્છા અને અરમાનોનો ભોગ આપી સંતાનોને તમામ સુખ-સાહ્યબી આપનારા માતા-પિતા આજે આવા ઘરડાઘરમાં જીવવા મજબૂર બન્યા છે. પૈસા પાછળની આંધળી દોડ, ભૌતિક સુખોની લાલસા અને વિભકત કુટુંબની સમાજમાં વકરતી જતી પ્રથાને લઇ આજે સમાજમાં સ્થિતિ એ છે કે, નવી પેઢીના છોકરા-વહુઓ માતા-પિતાને પોતાની સાથે રાખવા તૈયાર સુધ્ધાં નથી અને તેઓને કોઇપણ બહાના હેઠળ ઘરડા ઘરમાં મૂકી આવે છે.આ સામાન્ય વાત નથી પરંતુ આજના આધુનિક સમાજ માટે એક ગંભીર ચેતવણી અને આત્મમંથન કરવાનો વિષય છે. જે માતા-પિતાએ આપણું આખું બાળપણ સાચવ્યું, શું આપણે એમના ઘડપણના થોડા વર્ષો પણ સાચવી શકતા નથી ? પથ્થરના બંગલા બનાવનારા સંતાનો એ ભૂલી ગયા છે કે મા-બાપના આશીર્વાદ વગરનું ઘર ક્યારેય સ્વર્ગ બની શકતું નથી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GharadaGhar #JivanSandhyaVriddhaSharm #ElderlyHeartbreak #NaranPuraSthitJivanSandhyaVriddhaSharm



