- ટેનિસ ક્ષેત્રના વિવાદોના ન્યાયી અને ઝડપી નિરાકરણ માટે પાંચ સભ્યોની સ્વતંત્ર સમિતિમાં એડવોકેટ સભ્ય તરીકે મહત્ત્વની જવાબદારી સોંપાઈ
અમદાવાદ : 10 ઓક્ટોબર 2026:
ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ પ્રકાશ જાનીની દેશની સર્વોચ્ચ ટેનિસ રમતગમત સંસ્થા ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ની રાષ્ટ્રીય તકરાર નિવારણ સમિતિ (ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી)માં એડવોકેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટેનિસ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઊભા થતા વિવિધ વિવાદોનું ન્યાયી, ઝડપી અને સ્વતંત્ર રીતે નિરાકરણ લાવવાના હેતુથી આ સમિતિની રચના કરવામાં આવી છે.

હાઇકોર્ટના સિનિયર એડવોકેટ પ્રકાશ જાની
નોંધનીય છે કે, કલકત્તા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એસ.પી.તાલુકદાર આ સમિતિના ચેરમેન છે. શ્રી પ્રકાશ જાની ઉપરાંત મુંબઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરજ ગોલાસ તથા ચંદીગઢના ઓલ ઇન્ડિયા ટેનીસ એસોસીએશનના પૂર્વ કારોબારી સભ્ય ડો.સુભાષ મોરીયા સમિતિના સભ્યો છે. જયારે ઉત્કૃષ્ટ ખેલાડી સભ્યની નિમણૂંક હવે પછી કરવામાં આવશે.
આ સમિતિની જવાબદારી માત્ર રાષ્ટ્રીય સ્તરની સંસ્થા પૂરતી મર્યાદિત નથી. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન તેમજ તેની સાથે સંકળાયેલી રાજ્ય અને જિલ્લા કક્ષાની સંસ્થાઓમાં ઊભા થતા વિવિધ વિવાદોનો પણ તેમાં સમાવેશ થાય છે. સંસ્થાઓની ચૂંટણીઓ, વહીવટી બાબતો, ખેલાડીઓ સામેની કાર્યવાહી, ટીમની પસંદગી, ઉંમર અંગેની છેતરપિંડી (એજ ફ્રોડ), ટુર્નામેન્ટ, શિસ્તભંગની કાર્યવાહી અને રમતના મેદાન પર સર્જાતા વિવાદો અંગે સમિતિ નિર્ણય લઈ શકશે.
રાજ્ય કક્ષાની સંસ્થાઓના આંતરિક વિવાદો સૌપ્રથમ સંબંધિત રાજ્યની તકરાર નિવારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. રાજ્ય સમિતિના નિર્ણય સામેની અપીલ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનની રાષ્ટ્રીય તકરાર નિવારણ સમિતિ સમક્ષ કરવામાં આવશે.
આમ, ટેનિસ રમત સાથે સંકળાયેલા વહીવટી, સંગઠનાત્મક અને ખેલાડીઓને લગતા વિવાદોના નિરાકરણ માટે રચાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્વતંત્ર સમિતિમાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ પ્રકાશ જાનીને સ્થાન મળતાં તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
દેશની દરેક રાષ્ટ્રીય રમતગમત સંસ્થા-એસોસીએશને તકરાર નિવારણ સમિતિ રાખવી ફરજિયાત
નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એકટ – 2025ની કલમ-4(1)(ડી) મુજબ, દેશની દરેક રાષ્ટ્રીય રમતગમત સંસ્થા-એસોસીએશ માટે તકરાર નિવારણ સમિતિ રાખવી ફરજિયાત છે. આ કાયદાને અનુરૂપ ઓલ ઇન્ડિયા ટેનીસ એસોસીએશને તા.26-7-2026ના રોજ મળેલી ખાસ સાધારણ સભામાં પોતાના બંધારણમાં સુધારો કરી સ્વતંત્ર તકરાર નિવારણ સમિતિની જોગવાઇ કરી છે. સુધારેલું બંધારણ તા.1 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AllIndiaTennisAssociationNationalDisputeResolutionCommittee #GujaratHighCourt #GujaratHighCourtSeniorAdvocatePrakashJaniappointedtoAllIndiaTennisAssociationNationalDisputeResolutionCommittee



