- પાલનપુરના ચકચારભર્યા મર્ડર કેસમાં આરોપીને શરતી જામીન આપતાં ગુજરાત હાઇકોર્ટનું અવલોકન
- અરજદારપક્ષ તરફથી એડવોકેટ એચ.બી.ચંપાવત અને એડવોકેટ હસમુખ નાયકની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે આરોપી દિપક પરમારને શરતી જામીન આપ્યા
પથિક લીંબાચીયા, અમદાવાદ:
20 જૂન 2026:
પૈસાની લેતીદેતીની અદાવતમાં પાલનપુર રામદેવ હોટલ પાસે યુવકોને સમાધાન માટે બોલાવી તલવાર, લોખંડની પાઇપો, ચપ્પા સહિતના ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી યુવકની કમકમાટીભરી હત્યા નીપજાવવાના અને તેના મિત્રને ગંભીર ઇજાઓ પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલા આરોપી દિપક જીતેન્દ્રભાઇ પરમાર(નાઇ)ને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી.સુથારે શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.

હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોને ટાંકતાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં, ટ્રાયલના નિષ્કર્ષમાં સમય લાગે તેમ છે અને આરોપીને જેલના સળિયા પાછળ રાખવો એ ટ્રાયલ પહેલાની સજા સિવાય બીજું કંઈ નહીં અને તેથી, જામીન ન્યાયશાના પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાનમાં લેતા કે જામીન એક નિયમ છે અને જેલ અપવાદ છે તેમજ ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ ગેરંટી આપવામાં આવેલી વ્યક્તિગત સ્વતંત્રતાની વિભાવનાને ધ્યાનમાં લેતા, વર્તમાન અરજી પર વિચારણા કરવા યોગ્ય છે અને તેથી આરોપીને શરતી જામીન પર મુકત કરવામાં આવે છે.

આ કેસમાં આરોપી દિપક જીતેન્દ્રભાઇ પરમાર(નાઇ) તરફથી કરાયેલી જામીન અરજીમાં એડવોકેટ એચ.બી.ચંપાવત અને એડવોકેટ હસમુખ નાયક દ્વારા એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, આ કેસમાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી(રહે.પાલનપુરવાળા) સાથે નીતીનભાઇ કેશરભાઇ જુડાળ(ચૌધરી)ને પૈસાની લેતીદેતીનો વિવાદ થયો હતો. જે અંગે વાતચીત અને સમાધાન માટે નીતીનભાઇ અને તેમના મિત્ર ભરતભાઇ ગણેશભાઇ રાતડા(ચૌધરી) અને મયુર ધીરજભાઇ પરેચા પાલનપુર રામદેવ હોટલ આગળ પહોંચ્યા ત્યારે પહેલેથી જ આયોજન મુજબ, ઘાતક હથિયારો સાથે તૈયારી કરીને બેઠેલા આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સહિત ૨૪ આરોપીઓના ટોળાએ ખુલ્લી તલવારો, લોખંડની પાઇપો, ચપ્પા, ધોકાઓ વડે નીતીનભાઇ અને ગણેશભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે ભરતભાઇ રાતડાનું કરૃણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સહિત ૨૪ આરોપીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ એચ.બી.ચંપાવત અને એડવોકેટ હસમુખ નાયક દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારની આ ગુનામાં ખોટી રીતે સંડોવણી કરી દેવાઇ છે. અરજદાર હત્યાના કે ખૂનની કોશિષ જેવા હાલના ગુનામાં સંડોવાયેલો જ નથી. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. વળી, કેસમાં ચાર્જશીટ થઇ ગયુ છે અને હજુ ટ્રાયલ ચાલવામાં ઘણો સમય નીકળી જાય તેમ છે, તેથી ત્યાં સુધી અરજદારને જેલમાં રાખી શકાય નહી. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે આરોપી દિપક પરમારને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #MurderCaseaccused #Conditionalbail #ahmedaba #Casetrialtakestime,thentheaccusediskeptinjail,thereisnothingexceptpriortrial #Palanpur #GujaratHighCourt



