- ગ્લોબલ મેડિસીન્સ લિ.ના નાદારીના કેસમાં એનસીએલટીની કડક કાર્યવાહીથી ફફડાટ
- સીઓસી સભ્યોને ધમકી અને આરપી વિરૂધ્ધ એફઆઇઆરની ચીમકી અંગેની રજૂઆત અંગે એનસીએલટીએ ગંભીર નોંધ લઇ બહુ મહત્ત્વનો હુકમ જારી કર્યો
અમદાવાદ: 13 જૂન 2026:
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)ની અમદાવાદ બેંચે ગ્લોબલ મેડિસીન્સ લિમિટેડના કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ દરમ્યાન મહત્ત્વપૂર્ણ આદેશ આપતાં કંપનીના સસ્પેન્ડેડ મેનેજમેન્ટ સામે એક લાખ રૃપિયાના શ્યોરીટી બોન્ડ સાથે બેલેબલ(જામીનપાત્ર) વોરંટ જારી કરવાનો હુકમ કર્યો છે. એનસીએલટીના જયુડીશીયલ મેમ્બર શ્રીમતી ચિત્રા હાનકરે અને ટેકનીકલ મેમ્બર ડો.વી.જી.વેંકટ ચેલાપથીની ખંડપીઠ સમક્ષ કેસની થયેલી સુનાવણી દરમ્યાન ખંડપીઠે જણાવ્યું હતું કે, સસ્પેન્ડેડ મેનેજમેન્ટને યોગ્ય નોટિસ આપવામાં આવી હોવાછતાં તેઓ અથવા તેમના વકીલ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનસીએલટીએ આગામી સુનાવણીમાં તેમની વ્યકિતગત હાજરી સુનિશ્ચિત કરવા માટે બેલેબલ વોરંટ જારી કરવાનો હુકમ કર્યો હતો.

કોટયાર્ક ઇન્ડસ્ટ્રીઝ લિ.(અગાઉ યમુના બાયો એનર્જી પ્રા.લિ) અને ગ્લોબલ મેડિસીન્સ લિમિટેડ વચ્ચે ચાલી રહેલી ઇન્સોલ્વન્સી કાર્યવાહીના વિવાદમાં એનસીએલટીની ખંડપીઠ દ્વારા આ અગત્યનો આદેશ કરાયો હતો. એનસીએલટી સમક્ષ અરજદારપક્ષ તરફથી રજૂઆત કરાઇ હતી કે, સસ્પેન્ડેડ મેનેજમેન્ટને યોગ્ય રીતે નોટિસો પાઠવવામાં આવી હતી પરંતુ તેમછતાં તેઓ કે તેમના વકીલ ટ્રિબ્યુનલ સમક્ષ હાજર રહ્યા નથી તો, બીજીતરફ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરફથી રજૂઆત કરાઇ હતી કે, સસ્પેન્ડેડ મેનેજમેન્ટ દ્વારા રિઝોલ્યુશન પ્રોફેશનલ(આરપી) અને કમીટી ઓફ ક્રેડિટર્સ(સીઓસી)ના સભ્યોને ધમકીઓ આપવામાં આવી રહી છે. વધુમાં, આરપીએ કાર્યવાહી આગળ વધારશે તો તેની સામે પણ એફઆઇઆર નોંધાવવાની ધમકીઓ અપાઇ રહી હોવાનો આક્ષેપ કરાયો હતો.
પક્ષકારોને સાંભળ્યા બાદ એનસીએલટીએ જણાવ્યું કે, રિઝોલ્યુશન પ્રોફેશનલ(આરપી) ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ,૨૦૧૬ હેઠળ નિયુકત અધિકારી છે અને તેમને તેમની ફરજો નિર્ભયતાથી બજાવવા દેવી જરૃરી છે. ટ્રિબ્યુનલે અરજદારને કાયદો અમલ કરતી એજન્સીઓ સમક્ષ જરૃરી કાનૂની પગલાં લેવા માટે પણ છૂટ આપી હતી. તેથી એનસીએલટી દ્વારા રિઝોલ્યુશન પ્રોફેશનલ(આરપી) દ્વારા દાખલ કરાયેલી અરજીને ધ્યાનમાં લઇ ગ્લોબલ મેડિસીન્સ પ્રા.લિના સસ્પેન્ડેડ મેનેજમેન્ટ સામે એક લાખ રૃપિયાના જામીન બોન્ડ સાથે જામીનપાત્ર વોરંટ જારી કરવાનો હુકમ કર્યો હતો. એનસીએલટીએ નજીકના પોલીસમથક મારફતે વોરંટની બજવણી અને અમલવારી કરવા પણ જણાવ્યું હતું. સાથે સાથે તપાસનીશ અધિકારીને આ અંગે બે સપ્તાહમાં જરૃરી રિપોર્ટ પણ ફાઇલ કરવા હુકમ કરાયો હતો.
બીજીબાજુ , સસ્પેન્ડેડ મેનેજમેન્ટ દ્વારા સીઓસી દ્વારા નિયુકત કરાયેલા ફોરેન્સીક ઓડિટરમાં ફેરફાર કરવાની માંગણી પણ કરાઇ હતી જો કે, અરજદારપક્ષના વકીલની ગેરહાજરીને પગલે ટ્રિબ્યુનલે તેમને સાત દિવસમાં લેખિત રજૂઆત દાખલ કરવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સંબંધિત અરજીઓમાં પ્રતિવાદીઓને નોટિસ પાઠવવાનો પણ હુકમ કર્યો હતો. એનસીએલટી દ્વારા કેસની વધુ સુનાવણી તા.૧ લી જૂલાઇએ મુકરર કરાઇ છે.
હાઇપ્રોફાઇલ એવા આ કેસમાં રૃ.૭.૫૦ કરોડથી વધુના કૌભાંડનો આરોપ..
ચકચારભર્યા અને હાઇપ્રોફાઇલ એવા આ કેસમાં ગ્લોબલ મેડિસીન્સ લિ. દ્વારા ઇન્સોલ્વન્સીમાં જતા પહેલાં(નાદારીનો સામનો કરતાં પહેલાં) જ તેમની બીજી સબસીડરી કંપનીઓ અને સંબંધિત પક્ષોને બંધ થતા સ્ટોક્સ, ભંડોળ અને મિલ્કતો ઓછા મૂલ્યના ભાવે ટ્રાન્સફર કરીને આશરે રૃ.૭.૫૦ કરોડથી પણ વધુનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. એનસીએલટી, અમદાવાદ સમક્ષ ચાલી રહેલીકાર્યવાહીમાં મૂલ્યાંકન કરાયેલ આ કાવતરું કેવી રીતે રચાયું તેની વિગતોમાં ઘણી ઇરાદાપૂર્વકની યોજનાઓ હોવાની વાત પણ સામે આવી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba#NationalCompanyLawTribunal #NCLT #BailableWarrant #KotaYarkIndustriesLtd. #YamunaBioEnergyPvt.Ltd. #GlobalMedicinesLtd.



