- સુરેન્દ્રનગર બાર એસોસીએશન તરફથી જનરલ બોર્ડની બેઠક બોલાવ્યા વિના જ સ્થાનિક ઉમેવાદરના સ્ટાર પ્રચારક અને ટેકેદારોના નામો પોલીંગ ઓફિસરો તરીકે ચૂંટણી અધિકારીને મોકલી દેવાતાં જોરદાર વિવાદ
- મુખ્ય ચૂંટણી અધિકારી એચ.એમ.પરીખના વડપણ હેઠળની બેંચે સમગ્ર કેસની અરજન્ટ સુનાવણી કરી, સુરેન્દ્રનગર બાર એસો. તરફથી મોકલાયેલા નામો રદબાતલ ઠરાવ્યા, નવેસરથી નામો મોકલવા હુકમ
- બાર કાઉન્સીલની ચૂંટણીમાં સીસીટીવી કેમેરા, લાઇવ રેકોર્ડીંગ, મતપેટીઓની સુરક્ષા અને ગોપનીયતા સહિતની ચુસ્ત વ્યવસ્થાની અમે માંગ કરી છે – ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા
અમદાવાદ: 23 ફેબ્રુઆરી 2026:
ગુજરાત બાર કાઉન્સીલની બહુ પ્રતિષ્ઠાભરી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર બાર એસોસીએશનના પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની બેઠક બોલાવ્યા વિના જ સ્થાનિક ઉમેદવારના સમર્થક-પ્રચારકોના નામ પોલીંગ ઓફિસર, આસીસ્ટન્ટ પોલીંગ ઓફિસર અને પટાવાળાના નામો બાર કાઉન્સીલના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી દેવાતાં ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદીત નામોને લઇ સુરેન્દ્રનગરના સ્થાનિક એડવોકેટ દ્વારા જ સખ્ત વાંધો ઉઠાવતાં અને આ અંગે ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવામાં આવતાં આજે આ કેસની અરજન્ટ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ સુરેન્દ્રનગર બાર એસોસીએશન તરફથી મોકલાયેલા પોલીંગ ઓફિસરોના નામો રદબાતલ ઠરાવ્યા હતા.

વધુમાં, મુખ્ય ચૂંટણી અધિકારીએ સુરેન્દ્રનગર બાર એસોસીએશનને નવા નામો નક્કી કરવા તા.૧૭-૨-૨૦૨૬એ નોટિસ બોર્ડ પર એજન્ડા જાહેર કરી તા.૨૧-૨-૨૦૨૬ના રોજ એસોસીએશનની જનરલ બોર્ડની બેઠક બોલાવી નવેસરથી પોલીંગ ઓફિસર, આસીસ્ટન્ટ પોલીંગ ઓફિસર અને પટાવાળાના નામો મોકલી આપવા હુકમ કર્યો હતો.
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીનો જંગ બહુ પ્રતિષ્ઠાભર્યો અને ઇજ્જતના સવાલ સમાન હોઇ ઉમેદવારો અને તેના સ્ટાર પ્રચારકો, સમર્તખો-ટેકેદારો દ્વારા નીતનવા હથકંડા અપનાવતા હોય છે. આવા જ એક વિવાદીત કિસ્સામાં સુરેન્દ્રનગર બાર એસોસીએશનના પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની બેઠક બોલાવ્યા વિના જ આ ચૂંટણીમાં ઉભા રહેલા ત્યાંના સ્થાનિક ઉમેદવારના સમર્થક અને પ્રચારક એવા ટેકેદારોના નામો પોલીંગ ઓફિસર, આસીસ્ટન્ટ પોલીંગ ઓફિસર અને પટાવાળા તરીકે ગુજરાત બાર કાઉન્સીલના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી આપ્યા હતા. જો કે, સ્થાનિક એડવોકેટના ધ્યાનમાં આ હકીકત આવતાં તેણે આ સમગ્ર મામલે વાંધા લઇ મુખ્ય રિટર્નીંગ ઓફિસરનું ધ્યાન દોરી આ નામો રદ કરવા માંગણી કરી હતી.
આ કેસની આજે અરજન્ટ સુનાવણી હાથ ધરાઇ હતી. જેની સુનાવણીના અંતે મુખ્ય રિટર્નીંગ ઓફિસરે ઉપરોકત હુકમ કર્યો હતો. દરમ્યાન આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, કોઇપણ બાર એસોસીએશન જનરલ બોર્ડની બેઠક બોલાવ્યા સિવાય આ પ્રકારે ખાસ કરીને જે તે ઉમેદવારોના પ્રચારકો કે સમર્થકો-ટેકેદારોના નામો પોલીંગ ઓફિસરો તરીકે મોકલી શકે નહી, જે આજના ચુકાદા પરથી સ્પષ્ટ થયુ છે. વધુમાં, ચૂંટણીની પારદર્શિતા અને તટસ્થતા જળવાઇ રહે તે હેતુથી તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા, લાઇવ રેકોર્ડીંગ ઉપરાંત મતપેટીઓ લઇને આવનાર અને જનાર વાહનોની સુરક્ષા અને ગોપનીયતા સહિતની ચુસ્ત વ્યવસ્થા અંગે પણ મુખ્ય રિટર્નીંગ ઓફિસર સમક્ષ માંગણી કરવામાં આવી છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી બહુ મહત્ત્વની, પ્રતિષ્ઠાભરી અને ઇજ્જતના સવાલ સમાન બની રહેતી હોય છે ત્યારે તેમાં બિલકુલ પારદર્શકતા, નિષ્પક્ષતા અને ન્યાયી ચૂંટણી યોજાય તે બહુ જરૂરી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #PollingStation #GujaratBarCouncilElections #GujaratUniversity #FinanceCommitteeChairmanAnilKella #LawyersAnger #ahmedaba #SurendranagarBarAssociation #GeneralBoardMeeting



