- દેવદિવાળી પર્વની શહેર સહિત રાજયભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી, દેવી-દેવતાઓના મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ
- થલતેજના શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે શ્રી મહાલક્ષ્મી માતાજીને વિવિધ ફળફળાદિ, ડ્રાયફ્રુટ, ફરસાણ, મીઠાઇ અને મનભાવન વાનગીઓ સાથેનો ભવ્યાતિભવ્ય અન્નકુટ ધરાવાયો
અમદાવાદ, 25 November 2026:
દિવાળી પર્વની હારમાળાના અંતિમ અને અત્યંત પવિત્ર ચરણ સમા દેવદિવાળી (કારતક સુદ પૂણમા) પર્વની આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે દેવી-દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરીને દીપાવલી મનાવે છે. જેને લઇ આજે પવિત્ર તિથિ અને નક્ષત્રના વિશેષ શુભ સંયોગ વચ્ચે અમદાવાદના થલતેજ સ્થિત સુપ્રસિદ્ધ વૈભવ લક્ષ્મી માતાજી મંદિર સહિત શહેર અને રાજ્યભરના મંદિરોમાં ભવ્ય અન્નકૂટ દર્શન, વિશેષ પૂજા, દીપમાળા અને મહાપ્રસાદના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા.

આ અંગે થલેતજના સુપ્રસિધ્ધ વૈભવલક્ષ્મી મંદિરના પૂજારી પૂરવ મહારાજે ખાસ જણાવ્યું હતું કે, આજે દેવદિવાળીના પવિત્ર પર્વ નિમિતે થલતેજ-મેમનગર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ વૈભવ લક્ષ્મી માતાજી મંદિર ખાતે દેવદિવાળી નિમિત્તે માતાજીને વિશેષ આભૂષણો અને પુષ્પોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર સાથે લક્ષ્મી પૂજન અને શ્રીસૂક્તના પાઠ ચાલુ રખાયા હતા. આજે દેવદિવાળીના પર્વને લઇ શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને અનેક ફળફળાદિ, વિવિધ મીઠાઈ, ફરસાણ અને મનભાવન વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સંધ્યા સમયે મંદિર પરિસરમાં સેંકડો દીવડાઓની દીપમાળા પ્રગટાવી મહાઆરતી ઉતારવામાં આવી હતી. આજે મંદિર દ્વારા હજારો દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના દેવદિવાળીના પવિત્ર પર્વને લઇ સમગ્ર મંદિર પરિસરને અનોખા સાજ-શણગાર અને ઝળહળતી રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. દેવદિવાળીના પવિત્ર પર્વની ઉજવણીને લઇ વૈભવ લક્ષ્મી મંદિરમાં જ આવેલા હનુમાનજી મંદિરના મહારાજ દેવાંગભાઇ ઉપાધ્યાય અને શનિદેવ મંદિરના મનીષ મહારાજ સહિતના સ્ટાફની છેલ્લા ત્રણથી ચાર દિવસની ભારે જહેમત અને મહેનતના કારણે બધુ શકય બન્યુ હોવાનું પૂરવ મહારાજે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શ્રી વૈભવલક્ષ્મી મંદિરમાં જ ઉપરની બાજુએ હવેલી સ્થિત શ્રીનાથજી ધામમાં બિરાજતા નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીને મનભાવન મીઠાઈઓ અને વિવિધ પકવાનો સાથે ભવ્ય છપ્પન ભોગનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. હજારો શ્રદ્ધાળુ ભક્તો એ ગોવર્ધનનાથજીના છપ્પન ભોગના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી. શ્રીનાથજી ધામના મુખીયાજીએ ભકતજનોને પ્રભુપ્રસાદ વિતરણ કરી શ્રી ગોવર્ધનનાથજીના આશીર્વાદ આપ્યા હતા.
બોક્સ – સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, ભદ્રકાળી મંદિર, કેમ્પ હનુમાનજી સહિતના મંદિરોમાં અન્નકુટ, મહાઆરતીના કાર્યક્રમો યોજાયા
આ સિવાય શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિર (જમાલપુર), ભદ્રકાળી મંદિર, કેમ્પ હનુમાન મંદિર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર (શાહીબાગ) થલતેજ સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર, રામધામ મંદિર, પંચદેવ મંદિર ખાતે પણ વિશેષ શણગાર, પૂજા-આરતી, અન્નકુટ-મહાપ્રસાદ, દીપદાન અને સંધ્યા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દ્વારકા, ડાકોર, શામળાજી, અંબાજી જેવા તીર્થધામોમાં દેવદિવાળીનો મેળો જામ્યો
અરવલ્લીના શામળાજી મંદિર અને ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિર ખાતે કારતક પૂનમના મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. બંને યાત્રાધામોમાં ભગવાનને રાજભોગ અને અન્નકૂટ ધરાવી મોડી રાત સુધી વિશેષ દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જગતમંદિર દ્વારકામાં દ્વારકાધીશજીને વિશેષ શૃંગાર અને તુલસી-શાલિગ્રામ પૂજન સાથે અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ ખાતે દીપદાન અને મંદિર પરિસરમાં મહાપૂજા તથા મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ જ પ્રકારે અંબાજી અને બહુચરાજીથ શક્તિપીઠ અંબાજી અને બહુચરાજી ખાતે માતાજીની ચાચર ચોકમાં ભવ્ય દીપમાળા પ્રગટાવવામાં આવી હતી અને યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજન-મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેવદિવાળીના પર્વને લઈને રાજ્યના તમામ મોટા મંદિરોમાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને દર્શન વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #DevDiwali #holyfestivalofDevDiwali–GrandcelebrationsincludinggrandAnnakut #MahaAartiandDeepaaninvarioustemples ##DevDiwali #ShriVaibhavLakshmiMandir #ChhappanBhogAnnakut #Thaltej



