- લંપી રોગચાળામાં ગાયોને બચાવ્યા બાદ દુષ્કાળની આફતમાં પૂજ્ય લાલબાપુ બન્યા અબોલ જીવોના તારણહાર; સૌને સહાય માટે આગળ આવવા અપીલ
- સૌરાષ્ટ્રના અબોલ બળદોની વ્હારે આવવું એ સૌની ફરજ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
27 નવેમ્બર 2026:
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી દુષ્કાળની પરિસ્થિતિમાં સૌથી વિકટ હાલત અબોલ બળદોની થઈ છે. ઘાસચારાના તીવ્ર અભાવે ખેડૂતો અને પશુપાલકો કમને પણ પોતાના બળદોને રાહત કેમ્પમાં મૂકવા મજબૂર બન્યા છે. આવા કપરા સમયે રાજકોટના સદભાવના બળદ આશ્રમ દ્વારા ૮,૦૦૦થી વધુ નિરાધાર બળદોની સારસંભાળ રાખવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. જીવદયાના આ ઉમદા સેવાયજ્ઞની સરાહના કરતા ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્ય સંત શ્રી લાલબાપુએ સદભાવના આશ્રમને રૂપિયા ૨૫ લાખનું માતબર આર્થિક યોગદાન આશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા ને અર્પણ કરી સમાજને સેવાની નવી પ્રેરણા પૂરી પાડી છે.

અબોલ પશુઓ પ્રત્યે અપાર કરુણા ધરાવતા પૂજ્ય લાલબાપુ હંમેશા જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. અગાઉ જ્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગાયોમાં લંપી વાયરસનો જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે પણ પૂજ્ય બાપુએ પોતાના તપોબળ અને દેશી ઔષધિના પ્રયોગો થકી લાખો ગાયોને નવજીવન બક્ષ્યું હતું. હાલમાં બળદો પર આવી પડેલી આફતના સમયે સદભાવના આશ્રમના સેવાકાર્યથી પ્રભાવિત થઈને બાપુએ આર્થિક સહયોગ આપ્યો છે, જેથી અન્ય દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ પણ આ પુણ્યકાર્યમાં સહભાગી બને અને અબોલ પશુઓનો સારી રીતે નિભાવ થઈ શકે.
આ પ્રસંગે પૂજ્ય લાલબાપુએ સદભાવના બળદ આશ્રમ, રાજકોટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, ઉપપ્રમુખ રાજેશભાઈ રૂપાપરા તેમજ તમામ ટ્રસ્ટીઓની સેવાભાવનાને બિરદાવતા ભાવવાહી આશીર્વચન પાઠવ્યા હતા. બાપુએ જણાવ્યું હતું કે, આજના સ્વાર્થી સમયમાં મૂંગા અને અબોલ પશુઓના આંસુ લૂછનારા બહુ ઓછા લોકો હોય છે. જેમને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ આધાર નથી તથા માત્ર પેટ ભરવા સિવાય કોઈ સ્વાર્થ નથી, તેવા હજારો બળદોને સાચવવા એ કોઈ સામાન્ય માણસનું કામ નથી, પરંતુ પૂર્વજન્મના પુણ્યશાળી આત્માઓ જ આ મહાયજ્ઞ કરી શકે છે. આપત્તિના આ સમયમાં ગૌવંશનું રક્ષણ કરવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે તેમ જણાવી બાપુએ સંસ્થાના સેવાભાવીઓને ખૂબ રાજીપો અને આશીર્વાદ આપ્યા હતા.
પૂજ્ય લાલબાપુનો જીવદયા સંદેશ
“આ અબોલ બળદોને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ સહારો નથી. આપત્તિના સમયે ખેડૂતો ભારે હૈયે બળદોને કેમ્પમાં મૂકવા મજબૂર બન્યા છે, ત્યારે તેમનું જતન કરવું એ મહાપુણ્યનું કાર્ય છે. સદભાવના આશ્રમની ટીમ જે રીતે હજારો અબોલ જીવોની સેવા કરી રહી છે તે સાચા અર્થમાં ઈશ્વરીય કાર્ય છે. સમાજના વધુને વધુ લોકો આ સેવાયજ્ઞમાં જોડાય તેવી મારી અભ્યર્થના છે.” — પૂજ્ય સંત શ્રી લાલબાપુ (ગધેથડ ગાયત્રી આશ્રમ)
જીવદયા માટે ૧૦૦ વીઘા જમીન નિઃશુલ્ક અર્પણ કરનારા દાતાઓનું સન્માન
બળદોના નિભાવ માટે પોતાની આશરે ૧૦૦ વીઘા જેટલી કિંમતી જમીન નિઃશુલ્ક આપીને ઉમદા સત્કાર્ય કરનારા સેવાભાવી દાતાઓ— હરદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા (નાના મવા), જયદીપસિંહ પ્રવીણસિંહ જાડેજા (નાના મવા), નરેન્દ્રસિંહ જાડેજા (અકિલા), દિલીપસિંહ પ્રવીણસિંહ જાડેજા (PCC), ચેતનસિંહ પ્રવીણસિંહ જાડેજા (PCC) અને તુષારભાઈ ગોવિંદભાઈ ઊંધાડ (મવડી)નો પૂજ્ય લાલબાપુએ હૃદયપૂર્વક આભાર માની ધન્યવાદ પાઠવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AStreamOfCompassionForLivingBeingsByPujyaLalBapu #TheCalamityOfDroughtFollowingTheRescueOfCowsDuringTheLumpySkinDiseaseOutbreak #TheVoicelessOxenOfSaurashtra



