- બદ્ર સેશન્સ કોર્ટનો દાખલારૃપ ચુકાદો, એકસાથે છ આરોપીઓને દાખલારૃપ આકરી સજા ફટકારી
- જૂની અદાવતમાં ટોળાએ એલજી હોસ્પિટલમાં આંતક મચાવી પોલીસ કોન્સ્ટેબલને પકડી રાખી યુવકને પતાવી દીધો, રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો
અમદાવાદ: 13 જુલાઈ 2026:
જૂની અદાવતમાં શહેરની એલજી હોસ્પિટલમાં જ પોલીસની હાજરીમાં જ પોલીસ કોન્સ્ટેબલને પકડી રાખી તેના દેખતાં જ છરી સહિતના ઘાતક હથિયારો વડે હોસ્પિટલમાં જ યુવકને પતાવી દેવાના અને હોસ્પિટલમાં તોડફોડ કરવાના ચકચારભર્યા કેસમાં છ આરોપીઓને અત્રેના એડિશનલ સેશન્સ જજ પી.પી.પટેલે બહુ મહત્ત્વના ચુકાદા મારફતે એકસાથે છ આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે આ કેસમાં ૧૦ જેટલા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. આરોપીઓને જન્મટીપની સજા ફટકારતાં કોર્ટે જણાવ્યું કે, આરોપીઓ વિરૃધ્ધનો અતિ ગંભીર કહી શકાય તેવો ગુનો નિશંકપણે પુરવાર થયો છે અને હોસ્પિટલમાં જ આ પ્રકારે ઘાતકી હત્યા કરવાના ગુનાને સહજેપણ હળવાશથી લઇ શકાય નહી.

સેશન્સ કોર્ટે જે છ આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારી તેમાં આરોપી અનવરઅહેમદ ઉર્ફે રાજુ અલ્તાફ્ભાઇ શેખ, મુબારક અમીરુદ્દીન શેખ, વસીમખાન અમાનુલ્લાહ ખાન અબ્દુલખાન પઠાણ, નાશીરખાન રજ્જબખાન પઠાણ, અરબાઝ ઉર્ફે ગબ્બા મોહમદહુસેન શેખ અને અવેશહુસેન અનવરહુસેન શેખનો સમાવેશ થાય છે.
ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રમીઝખાન પઠાણ અને શમશેરખાન પઠાણ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી જૂની અદાવત ચાલી આવતી હતી. બંને જૂથના લોકો એકબીજા પર હુમલા કરવાની સતત ફિરાકમાં રહેતા હતા. દરમ્યાન ગત તા.૨૧-૫-૨૦૧૯ના રોજ આરોપી શમશેરખાન પઠાણ અને તેના સાગરીત યાસીન, શાહનવાઝ, ઇસરાક સહિતના લોકોએ રમીઝખાન પઠાણ પર છરી, દંડા સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત રમીઝખાનને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે વખતે રમીઝખાનના સગા અને સાગરીતો એલ.જી. હોસ્પિટલ પહોંચી ગયા હતા. જો કે, એલજી હોસ્પિટલ પહોંચતા પહેલાં જ રમીઝખાન મોતને ભેટયો હતો.
આ વાતની જાણ થતાં જ બદલો લેવા લેવા માટે રામોલમાં જ શમશેરખાનના મોટા ભાઇ આમીરખાન પર સરફરાજ પઠાણ અને વસીમ પઠાણે ધારિયા વડે હુમલો કર્યો હતો. જેથી આમીરને ગંભીર ઇજાઓ પહોંચતાં લોહીલુણહાલ હાલતમાં પોલીસ સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડયો હતો. એ વખતે રમીઝખાનના સાગરિતો પણ પહેેલેથી જ હોસ્પિટલમાં હાજર હતા. તેમણે ઇજાગ્રસ્ત આમીરને જોઇ જોરદાર બૂમાબૂમ શરૃ કરી વાતાવરણ તંગ બનાવ્યું હતું. પોલીસ આમીરને બચાવવા કોર્ડન કરી સીટી સ્કેન સેન્ટરની અંદર લાવી હતી અને દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલાટોળાએ ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલને પાડી દઇ આમીર પર લોખંડની ખુરશી, છરી સહિતના હથિયાર વડે ખતરનાક હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલે ફરી ઉભા થઇ આમીરને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ટોળાએ તેને પકડી રાખ્યો હતો અને આમીરને જેમ ફાવે તેમ ફટકારી તેની પર ફરી જીવલેણ હુમલો કર્યો હતો.
સાથે સાથે હોસ્પિટલમાં પણ તોડફેડ કરી આંતક મચાવ્યો હતો. બીજી તરફ પોેલીસને જાણ થતા તુરત મણિનગર પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ એલજી હોસ્પિટલ દોડી ગયા હતા. આ જીવલેણ હુમલામાં આમીરનું કરૃણ મોત નીપજતાં પોલીસે મર્ડર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ૧૬ આરોપીઓ વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરતાં કેસનો ટ્રાયલ ચાલી જતાં સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલે મહત્ત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ એલજી હોસ્પિટલમાં જ પોલીસની નજર સામે જ અને પોલીસને પકડી રાખીને ગુનાને અંજામ આપ્યો છે. આરોપીઓ વિરૃધ્ધ સાક્ષીઓની જુબાની, મેડિકલ એવીડન્સ સહિતના અનેક અગત્યના પુરાવાઓ રેકર્ડ પર આવ્યા છે, જે પરથી આોરપીઓ વિરૃધ્ધ હત્યાનો ગંભીર ગુનો નિશંકપણે પુરવાર થાય છે., ત્યારે સમાજમાં એક દાખળો બેસાડવા કોર્ટે આરોપીઓને સખતમાં સખતસબક સમાન સજા ફટકારવી જોઇએ. અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે દાખલારૃપ ચુકાદા મારફતે એકસાથે છ આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #6accusedsentencedtolifeinprisoninLGHospitalmurdercase #LGHospitalMurderCase #6accusedsentencedtolifeinprison #BadraSessionsCourtVerdict #ahmedaba



