- ખાનગી મિલ્કત કે જમીનને અનિશ્ચિત સમય સુધી અનામતમાં રાખવી એ કાયદાકીય જોગવાઇઓની વિરૂધ્ધ, નવા ડીસાના ડેવલપમેન્ટ પ્લાન રોડનું રિઝર્વેશન રદબાતલ
- અરજદારપક્ષ તરફથી એડવોકેટ શાર્વિલ પી.મજમુદારની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ નિરલ આર.મહેતાએ રિઝર્વેશન મુદ્દે બહુ સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો
અમદાવાદ: 30 જૂન 2026:
ગુજરાત હાઇકોર્ટે એક બહુ મહત્ત્વના અને સીમાચિહ્નરૃપ ચુકાદામાં ઠરાવ્યું છે કે, ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-૧૯૭૬ હેઠળ જો નિર્ધારિત સમયમર્યાદામાં જમીન સંપાદન કે ડેવલપમેન્ટ પ્લાનની પુનઃસંશોધન પ્રક્રિયા શરૃ કરવામાં ના આવે તો, જમીનમાલિકોના હક્કો અને અધિકારોને અનિશ્ચિત સમય સુધી અટકાવી શકાય નહી. જસ્ટિસ નિરલ આર.મહેતાઅ ડીસા તાલુકાના નવા ડીસા ગામની જમીન પર લગભગ પાંચ દાયકાથી વધુ અતિશય લાંબા સમય સુધી ચાલુ રહેલા ડેવલપમેન્ટ પ્લાન રોડના રિઝર્વેશનને રદબાતલ જાહેર કર્યું હતું. જમીન રિઝર્વેશનમાં રાખી દાયકાઓ વીતી જવા છતાં પણ સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદન સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ નહી કરાતાં હાઇકોર્ટે ગંભીર ટીકામત્ક અવલોકનો સાથે અરજદારની અરજી મંજૂર કરી હતી અને ડીસા નગરપાલિકાને બહુ મોટો ઝટકો આપ્યો હતો.

હાઇકોર્ટે સત્તાવાળાઓની ગંભીર ટીકા કરતાં જણાવ્યું કે, અરજદારની જમીન લગભગ ૫૦ વર્ષ સુધી રિઝર્વ રાખવામાં આવી, છતાં તેનું સંપાદન કરવામાં આવ્યું નહીં. સત્તાધિકારીઓએ સમયસર કાયદીય સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળતા દાખવી છે. રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, દરેક તબક્કે ડેવલપમેન્ટ પ્લાનના પુનઃ સંશોધનની પ્રક્રિયા કાયદામાં નિર્ધારિત કરાયેલી ૧૦ વર્ષની સમયમર્યાદા બાદ શરૃ કરવામાં આવી હતી. આ સિવાય પણ સમગ્ર પ્રક્રિયામાં અસાધારણ વિલંબ અને વહીવટી ઉદાસીનતા સામે આવી છે.
અરજદાર અજયકુમાર ગેહલોત દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદાર દ્વારા એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારની નવા ડીસા ગામની કુલ ૨૫૨૯ ચો.મી જમીન પર દાયકાઓ પહેલાં સત્તાવાળાઓ દ્વારા ૨૪ મીટર પહોળા ડેવલપમેન્ટ પ્લાન રોડનું રિઝર્વેશન મૂકવામાં આવ્યું હતું. આ રિઝર્વેશન વર્ષ ૧૯૭૫ના ડેવલપમેન્ટ પ્લાનથી અમલમાં આવ્યું હતુ પરંતુ દાયકાઓ વીતી જવા છતાં સત્તાધિકારીઓ જમીન સંપાદન સહિતની કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા હતા અને સરકારી તંત્રની બહુ ગંભીર અને મોટી બેદરકારી સામે આવી હતી. પ્રસ્તુત કેસમાં, વર્ષો સુધી જમીન રિઝર્વેશનમાં રાખ્યા બાદ પણ તે સંપાદન નહી કરી કાયદાકીય પ્રક્રિયા નહી અનુસરી સત્તાવાળાઓની બેદકારીના કારણે કાયદાની જોગવાઇઓ જોતાં આવું રિઝર્વેશન કાયદેસર રીતે આપોઆપ જ સમાપ્ત થઇ જાય છે. અરજદારપક્ષ તરફથી એડવોકેટ શાર્વિલ પી. મજમુદારની દલીલો ગ્રાહ્ય રાખી ગુજરાત હાઇકોર્ટે ઉપરોકત મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.
નિયત સમયમર્યાદામાં સંપાદનની કાર્યવાહી ના થાય તો રિઝર્વેશન આપોઆપ સમાપ્ત થઇ જાય
ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટની કલમ-૨૦ અને ૨૧ નું વિગતવાર વિશ્લેષણ કરતાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ સ્પષ્ટ કર્યું હતું કે, કલમ ૨૦(૨) જમીનમાલિકોને મહત્વપૂર્ણ કાનૂની સુરક્ષા આપે છે. જો અંતિમ ડેવલપમેન્ટ પ્લાન અમલમાં આવ્યા પછી ૧૦ વર્ષ સુધી જમીન સંપાદિત ન થાય અથવા સંપાદનની કાર્યવાહી શરૃ ન કરવામાં આવે, તો જમીનમાલિક સત્તાધિકારીને નોટિસ આપી શકે છે. નોટિસ બાદ પણ છ મહિનામાં સંપાદનની કાર્યવાહી ન થાય તો રિઝર્વેશન કાયદેસર રીતે આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
સમયમર્યાદા પૂરી થયા બાદ સત્તાધીશો પ્રક્રિયા કરે તો જમીનમાલિકોને મળેલા અધિકારો નાબૂદ ના થઇ શકે
હાઇકોર્ટે નોંધ્યું કે ડેવલપમેન્ટ પ્લાનના પુનઃસંશોધનની સત્તા ધરાવતી કલમ – ૨૧નો ઉપયોગ પણ નિર્ધારિત ૧૦ વર્ષની અંદર જ થવો જોઈએ. કોર્ટે કહ્યું કે જો સત્તાધિકારીઓ સમયમર્યાદા પૂરી થયા બાદ રિવિઝન પ્રક્રિયા શરૃ કરે, તો તે જમીનમાલિકને કલમ ૨૦(૨) હેઠળ મળેલા અધિકારોને નાબૂદ કરી શકતી નથી. પ્રસ્તુત કેસમાં સત્તાધિકારીઓએ સમયસર કાયદાકીય સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળતા દર્શાવી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratHighCourt #ahmedaba #GujaratHighCourt’sbigandhistoricverdictonreservationissue:Iflandisnotacquiredwithinthetimelimit,reservationwillautomaticallyend



