સ્થળાંતરિત થઇને રાજયમાં આવેલા પાકીસ્તાની હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમીક્ષા બેઠક યોજતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજા
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ૧૯૪૭ થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સહીતના લઘુમતીઓના અસ્તિત્વ માટે CAAનો કાયદો સંજીવની સમાન
સ્થળાંતરિતોના બાળકોને પ્રવેશની શિક્ષણની સુવિધા સહિત મફત શિક્ષા, મફત રાશન, આધારકાર્ડ, વર્ક પરમિટ, લોગ ટર્મ વીઝાની સુવિધાઓ સત્વરે પુરી પડાશે
૨૦૧૪ પહેલા પાકીસ્તાનથી સ્થળાંતરીત થઇને આવેલા નાગરિકોને તેમના પાસપોર્ટ રીન્યુઅલ માટે યોગ્ય નિર્ણય લેવા કેન્દ્ર સરકારને રજૂઆત
લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે
પાકિસ્તાની હિન્દુ નાગરિકોને તબીબી સુવિધાઓ પુરી પાડવા અને વેક્સીનેશન માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.24
ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે એ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આવા સ્થળાંતરિત થઇને આવેલ હિન્દુ નાગરિકોને ગુજરાતમા રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પુરી પાડવામા આવી રહી છે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. સ્થળાંતરિત થઇને આવેલ હિન્દુ નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરતાં મંત્રી શ્રીજાડેજાએ ઉમેર્યુ કે, વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો જે સંસદના બંને ગૃહોમાં પસાર કરાયો હતો. આ નાગરિકતા સુધારા કાયદો–CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ૧૯૪૭ થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સ્થળાંતરિત થઇને આવેલ હિન્દુ નાગરિકોના અસ્તિત્વ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે. આ કાયદાએ તેમને નવું જીવન આપ્યુ છે. આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારતમાં આવેલા આ ૬ લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વર્ષોથી યાતનાનો ભોગ બનેલા લઘુમતીઓને નવું જીવન આપીને તેમને દેશ અને રાજયોમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામા આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, ૨૦૧૪ પહેલા પાકીસ્તાનથી સ્થળાંતરીત થઇને આવેલા નાગરિકોને તેમના પાસપોર્ટ રીન્યુઅલ માટે પાકિસ્તાની દૂતાવાસ દિલ્લી ખાતે જવાનું આર્થિક રીતે પરવડે તેમ ન હોઇ, યોગ્ય નિર્ણય લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે.
ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકીસ્તાની હિન્દુ નાગરિકોને આધાર કાર્ડ મેળવવા પડતી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારે પાકીસ્તાન/અફઘાનિસ્તાન/બાંગ્લાદેશી લઘુમતી સમુદાયના નાગરિકોના LTV / રેસીડન્સીયલ પરમીટના દસ્તાવેજોમાં દર્શાવેલ સરનામાની વિગતોને આધાર કાર્ડ મેળવવા રજુ કરવાના દસ્તાવેજો પૈકીની સૂચિમાં સરનામાના પુરાવા તરીકે માન્ય પુરાવો ગણવા કેન્દ્ર સરકારના સબંધિત મંત્રાલય અને Unique Identification Authority of Indiaને જણાવ્યુ છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, પાકીસ્તાની નાગરિકોના બાળકોને અભ્યાસના પ્રવેશ મેળવવા સંદર્ભે અલગ અલગ જિલ્લાઓમાં વિસંગતતાઓને કારણે જે મુશ્કેલી પડે છે. પાકિસ્તાનથી આવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ અને શિક્ષણ માટે આનુષંગિક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ દ્વારા મોનીટરીંગ કરવા માટે સૂચના આપી દેવાય છે. તેમજ ઉચ્ચ શિક્ષણ-વિદેશ અભ્યાસમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે DGP દ્વારા સંકલન કરી વહેલી તકે નિવારણ કરવામાં આવશે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકીસ્તાની હિન્દુ નાગરિકોને ભારત સરકારની સૂચનાઓ મુજબ નિયમાનુસાર તબીબી સુવિધાઓ પુરી પાડવા અને વેક્સીનેશન અંગે આનુષંગિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ ઉમેર્યું કે, લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકીસ્તાની હિન્દુ નાગરિકોને નોકરી માટે ખાનગી કંપનીઓ દ્વારા તેઓની પાસે Work Permit માંગવામાં આવતું હોવાનું ધ્યાને આવતા તેઓને Work Permit આપવા સંબંધિત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે અને આ માટે ખાનગી સંસ્થાઓમાં રોજગારી મળી રહે તે માટે વર્ક પરમીટ સરળતાથી મળે તે સારૂ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા, શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ, આરોગ્ય સચિવ અને કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સામાન્ય વહીવટ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, પોલીસ મહાનિરિક્ષક શ્રી વાબાંગ ઝમીર, ગૃહ વિભાગના સચિવ સુશ્રી નિપુણા તોરવણે, સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પૂરી પાડી હતી.
#bharatmirror #bharatmirror21 #news