બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના પગલે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ સરકાર, વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો તૈનાત
અમદાવાદ શહેરમાં પણ ગઇકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.25
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના પગલે સમગ્ર ગુજરાતરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે રવિવારની વહેલી સવારથી જ કોરાધાકોર રહેલા અમદાવાદ શહેરમાં પણ મેઘમહેર શરૂ થતાં લોકોએ રાહત અનુભવી છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારો અને સૌરાષ્ટ્ર પંથકમાં પણ આજે મેઘરાજાએ જોરદાર જમાવટ કરતાં રાજયનું વાતાવરણ જાણે ઠંડકમય બન્યુ છે. મેઘરાજાની પધરામણીથી પ્રજાજનો ખુશ થયા છે તો, ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઇ છે. રાજયમાં આજે 148થી વધુ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના કવાંટ ખાતે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું જાણે નિર્માણ થયુ છે. આ સિવાય અન્ય કેટલાક જિલ્લા-તાલુકામાં ત્રણ ઇંચની આસપાસ તો, કયાંક બે-અઢી ઇઁચ વરસાદ વરસ્યો છે.
બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા હજુ પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે. આમ, હજુ પણ ત્રણ દિવસ સુધી રાજયભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
અમદાવાદ શહેરમાં ગઇકાલ સાંજથી શરૂ થયેલા ધોધમાર વરસાદે આજે પણ તેની મહેર ચાલુ રાખી હતી. જો કે, આજે સમગ્ર દિવસ દરમ્યાન ઝરમર-ઝરમર અને હળવા વરસાદના ઝાપટા ચાલુ રહ્યા હતા. જેને લઇ અમદાવાદીઓએ છેલ્લા કેટલાક દિવસના ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી મોહાલ અને ઠંડકનો અનુભવ કર્યો છે. તો, ગઇકાલ રાતથી સતત જારી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ફરી જોવા મળી હતી. જેના કારણે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા, તો સ્થાનિકોએ પાણી ભરાવાની સમસ્યાને લઇને પણ થોડી ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે.
દરમ્યાન, રાજ્યભરમાં આજે મેઘરાજાની જમાવટ જોવા મળી છે. જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે તે મુજબ રાજ્યના કુલ 147 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે તો વલસાડના કપરાડામાં 3 ઈંચથી વધારે વરસાદ પડી ગયો છે. જૂનાગઢના માણાવદર અને છોટાઉદેપુરના બોડેલીમાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે. વેરાવળ, વંથલી અને કુતિયાણામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 26 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મહેસાણા જિલ્લાના ઉંઝામાં પણ એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. ઉંઝા સિવાય કડી, સતલાસણ સહિતના અન્ય પંથકોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. આ સિવાય સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા જોરદાર જમાવટ કરી જાણે કે, મન મુકીને વરસ્યા છે.
તો, રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથકમાં મેઘરાજાએ ધમાકેદારે બેટિંગ કરી છે અને આ તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે કેટલાક શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે તો ગ્રામ્ય પંથકમાં વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ તરફ બોટાદ જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળી છે તો અમરેલીના લાઠી અને વડીયા પંથકમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. આ તરફ જામનગરના કાલાવડમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. નોંધનીય છે કે આ પંથકમાં નોંધપાત્ર વરસાદને પગલે મગફળી સહિતના પાકોને જીવનદાન મળ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.