વાવાઝોડાથી સર્જાયેલી દુર્ઘટના અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાને રૂ.પ0 હજાર અને મૃતકોના પરિવારજનોને રૂ.બે લાખની સહાય ચૂકવવામાં આવશે
કેન્દ્રની એક ટીમ પણ જરૂરી સર્વે અને આકલન માટે ગુજરાત આવશે અને તે વાવાઝોડાની તારાજીમાં ધ્વસ્ત મકાનો અને મિલ્કતોનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે. ત્યારબાદ આ અંગે પણ જરૂરી સહાય ચૂકવવાની તજવીજ હાથ ધરવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.19
તૌકતે વાવાઝોડાથી તબાહ અને તારાજ થયેલા ગુજરાતની આજે મુલાકાત અને હવાઇ નીરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને આ આપત્તિકાળમાં મદદના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રૂપિયા એક હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાવાઝોડાથી સર્જાયેલી દુર્ઘટના અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાને રૂ.પ0 હજાર અને મૃતકોના પરિવારજનોને રૂ.બે લાખની સહાય ચૂકવવામાં આવશે. બીજીબાજુ, કેન્દ્રની એક ટીમ પણ જરૂરી સર્વે અને આકલન માટે ગુજરાત આવશે અને તે વાવાઝોડાની તારાજીમાં ધ્વસ્ત મકાનો અને મિલ્કતોનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે. ત્યારબાદ આ અંગે પણ જરૂરી સહાય ચૂકવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર પરિસ્થિતિની સર્વગ્રાહી અને ઉંડાણપૂર્વકની સમીક્ષા એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત રાજયના ઉચ્ચ વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા. બીજીબાજુ, બેઠક પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો કે, વાવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા કેન્દ્ર દ્વારા તાત્કાલિક ધોણે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ગણતરીની મિનિટોમાં જ વાવાઝોડાગ્રસ્ત ગુજરાતને તાત્કાલિક ધોરણે રૂપિયા 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
ગુજરાતના લોકલાડીલા નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ લગભગ બે કલાક સુધી એરફોર્સના હેલિકોપ્ટર મારફતે પૂરગ્રસ્ત અને અસરગ્રસ્ત વિસ્તારોનું બારીકાઇથી હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, વડાપ્રધાન સૌપ્રથમ સૌથી વધુ પ્રભાવિત અને અસરગ્રસ્ત એવા ભાવનગરની મુલાકાત હેતુ ત્યાંના એરપોર્ટ પહોંચ્યા હતા. પૂરગ્રસ્ત જિલ્લાની મુલાકાત બાદ પીએમ મોદી ભાવનગરથી અમદાવાદ અમદાવાદ આવવા રવાના થયા હતા. જ્યાં બપોરે 3-45 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યુ હતું. બેઠકમાં ગુજરાતને તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનો અંદાજનો પણ કયાસ કાઢવામાં આવ્યો હતો અને રાહત પેકેજને લઇને પણ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.
વડાપ્રધાન દિલ્હીથી ભાવનગર પહોચીને તેમણે ગુજરાતનાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યું હતું. આશરે બે કલાક જેટલો સમય તેમણે આ માટે ફાળવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન અમદાવાદ ખાતે પહોચીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વરિષ્ઠ સચિવો સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી ઉપરાંત, ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ , સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે.કૈલાશનાથન ,રેવન્યુ ACS પંકજ કુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિ સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. આઅધિકારીઓ પીએમ ને પ્રેઝન્ટેશન રજૂ કરી સમગ્ર તારાજી, નુકસાની અને તબાહીનું વિગતવાર ચિત્ર રજૂ કર્યું હતું. જેમાં ડીઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વે નો ડેટા રજૂ કરવામાં આવ્યા હતા. એક અંદાજ પ્રમાણે તૌકતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે ૩૦૦૦ કરોડનું નુકશાન સેવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા વાવાઝોડાગ્રસ્ત ગુજરાતને આ આપત્તિકાળમાં રૂ.એક હજાર કરોડની મદદ કરી તાત્કાલિક રાહત પેકેજની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં મૃતકોના પરિવારજનોને રૂ.બે-બે લાખની સહાય અને ઇજાગ્રસ્તોને રૂ.50-50 હજારની સહાય કરવાની પણ જાહેરાત કરાઇ હતી.
ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તૌકતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે. તો, ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 45થી વધુ લોકોના અકસ્માત કે દુર્ઘટનામાં કરૂણ મોત નીપજયા છે, જેને લઇ તૌકતે વાવાઝોડાની કારમી થપાટ ગુજરાતના લોકો ભૂલી શકશે નહી.