- સૌપ્રથમવાર લાઇવ રેકોર્ડીંગ, સીસીટીવીની નીગરાની હેઠળ મતદાન યોજાશે.
- તા.9મીએ ઉમેદવારી ફોર્મ ચકાસણી અને તા.13મી ફેબ્રુઆરીએ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થશે, 77 હજારથી વધુ મતદારો મતદાન કરશે, 20થી વધુ મહિલાઓ ચૂંટણી જંગમાં
અમદાવાદ: 07 ફેબ્રુઆરી 2026:
ગુજરાત બાર કાઉન્સીલની આગામી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ હતી અને આજે મોડી સાંજ સુધીમાં ચૂંટણી રિટર્નીંગ ઓફિસર સમક્ષ રાજયભરમાંથી ૧૦૫થી વધુ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તો, સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, હવેથી બાર કાઉન્સીલમાં મહિલા વકીલો માટે ૩૦ ટકા અનામત રાખવાની હોવાથી આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર ૨૦ થી વધુ મહિલા વકીલોએ મોટી સંખ્યામાં ચૂંટણી મેદાનમાં ઉતરી છે, જેને લઇને પણ વકીલઆલમમાં જબરદસ્ત ચર્ચા છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો તબક્કો પૂર્ણ થતાં હવે તા.૯મી ફેબુ્રઆરીએ ફોર્મ ચકાસણી કરવામાં આવશે. જયારે તા.૧૦થી ૧૨ દરમ્યાન ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ૧૩મીએ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે.

આ વખતની ગુજરાત બાર કાઉન્સીલની બહુ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ, ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના મોટા માથાઓએ પણ ઝંપલાવ્યું છે, જેઓના જીતવાની પ્રબળ શકયતા છે કારણ કે, તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન વકીલોના હિત અને કલ્યાણ માટે બહુ નોંધનીય અને સરાહનીય કાર્યો કર્યા છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ હાલ રાજયભરમાં વકીલઆલમમાં ઇલેકશનનો જોરદાર માહોલ છવાયો છે.
જો કે, આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીના નિર્દેશ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સંબંધિત રૃલ્સ અનુસંધાનમાં ચૂંટણીમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારો ફોર્મ સાથે સોંગદનામાં-ડેકલેરેશન દાખલ કરવા પડયા હતા.

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં આ વખતથી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્ણય મુજબ, ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોએ સવા લાખ રૃપિયા ફી જમા કરાવવી પડી હતી. જો કે, ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કેટલાક પૈસાદાર ઉમેદવારોએ બે ફોર્મ ભર્યા હતા કે જેથી એક ફોર્મમાં કોઇ ચૂક કે ક્ષતિ રહી હોય તો તે કેન્સલ ના થાય. જો કે, ચૂંટણી લડવા માટેની સવા લાખ રૃપિયાની ફી નોન રિફંડેબલ છે.
દરમ્યાન આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યુ ંહતું કે, બાર કાઉન્સીલની આ વખતની ચૂંટણી સૌપ્રથમવાર મતદાનના લાઇવ રેકોર્ડિંગ, સીસીટીવીની નીગરાની હેઠળ અને બેથી વધુ પોલીંગ ઓફિસરોની દેખરેખ હેઠળ યોજાશે, જેમાં અંતિમ નીગરાની ચૂંટણી રિટર્નીંગ ઓફિસર અને સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીની રહેશે. ઉમેદવારી ફોર્મ ભરવાના આજના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૧૦૫ ઉમેદવારી ફોર્મ આવ્યા છે. જેમાં ૨૦થી વધુ મહિલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. બીજીબાજુ, આ વખતે સૌપ્રથમવાર અમદાવાદની ફોજદારી કોર્ટ, સીટી સિવિલ કોર્ટ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ, લેબર કોર્ટ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ, સ્મોલ કોઝ કોર્ટ સહિતની તમામ કોર્ટોના વકીલ મતદારો માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન મથક ફાળવવામાં આવશે.
આટલો વર્ષો સુધી આ તમામ કોર્ટોના વકીલ મતદારોનું મતદાન ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં બાજુમાં આવેલી ગુજરાત કલબ ખાતે જ થતુ હતુ પરંતુ આ વખતે મતદાન મથકમાં મોટો ફેરફાર કરાયો છે. જયારે હાઇકોર્ટ અને ગ્રાહક કોર્ટના વકીલો માટે હાઇકોર્ટના મતદાન મથક ખાતે મતદાનની વ્યવસ્થા કરાશે. ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યુ ંહતું કે,ચૂંટણી રિટર્નીંગ ઓફિસર દ્વારા મતદાન દરમ્યાન નીગરાની અને દેખરેખ માટે અમદાવાદ સહિત વિવિધ બાર એસોસીએશન પાસેથી ૧૫-૧૫ વકીલોના નામો મંગાવ્યા છે, જેમાંથી પોલીંગ ઓફિસર નક્કી કરી તેમને મતદાન મથકોનું સુપરવીઝન ફાળવાશે.
ચૂંટણી સંબંધી ફરિયાદમાં હાઇપાવર્ડ ઇલેકશન સુપરવાઇઝરી કમીટીનો નિર્ણય આખરી
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યુ ંહતું કે, દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સીલની અત્યંત પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણી આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીના નીરીક્ષણ હેઠળ યોજાવાની છે. જેના કારણે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર ઇલેકશન કમીટી જ સર્વ સત્તાધીન રહેશે. તેના નીરીક્ષણ અને અંતિમ આદેશ મુજબ જ ગુજરાત બાર કાઉન્સીલની પણ ચૂંટણી યોજાવાની છે. જો કોઇ સ્ટેટ બાર કાઉન્સીલ કે, વ્યકિતગત સભ્યોને ચૂંટણી પ્રક્રિયા સંબંધી કોઇપણ ફરિયાદ હોય તો, તેઓ હાઇ પાવર્ડ ઇલેકશન સુપરવાઇઝરી કમીટીમાં જઇ શકે છે. તેનો ચુકાદો અંતિમ અને આખરી રહેશે. તેના હુકમની સામે કોઇ સિવિલ કોર્ટ અથવા હાઇકોર્ટમાં પિટિશન થઇ શકશે નહી.
સૌપ્રથમવાર બાર કાઉન્સીલના ૨૫ના બદલે ૨૩ સભ્યોની જ ચૂંટણી
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યુ ંહતું કે, આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોના બદલે ૨૩ સભ્યોની જ ચૂંટણી યોજાશે. જેમાંથી પાંચ બેઠકો તો મહિલાઓ માટે સુપ્રીમકોર્ટના હુકમ મુજબ અનામત રહેશે. બે બેઠકો મહિલાઓ માટે કો-ઓપ્શનથી ભરાશે. એટલે, પુરૃષ ઉમેદવારો માટે બહુ આંચકાજનક રીતે માત્ર ૧૮ જ બેઠકો લડવા માટે ફાળે આવી છે. તેથી આ વખતની ચૂંટણી સૌકોઇ માટે ખાસ કરીને પુરૃષ ઉમેદવારો માટે તો લોઢાના ચણા ચાવવા સમાન બની રહેવાની છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #105candidateformsfilledforGujaratBarCouncilelections #GujaratBarCouncil #Election #CandidateForm#ahmedaba



