નીતા લીંબાચિયા, અમદાવાદ.
05 ફેબ્રુઆરી 2024:
તા. 4 ફેબ્રુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે યોજાયેલી કેડી મેરેથોન-2024 ની બીજી એડિશનમાં પાંચ હજારથી વધુ લોકો માત્ર દોડ માટે જ નહી પણ અંગદાન (organ donation) ના ઉમદા ઉદ્દેશને પ્રોત્સાહિત કરવા ઉષ્માભેર સામેલ થયા હતા.
ડો. અદિત દેસાઈ, ડો. અનુજા દેસાઈ, ડો. પાર્થ દેસાઈ સહિત કે.ડી હૉસ્પિટલ મેનેજમેન્ટ ટીમના અન્ય અગ્રણીઓએ આ પ્રસંગે હાજર રહીને મેરેથોનને લીલી ઝંડી આપી હતી.
આ કાર્યક્રમ મારફતે ખેલભાવના દર્શાવવા ઉપરાંત કેડી મેરેથોન-2024 નો ઉદ્દેશ અંગદાન માટે (organ donation) અનુરોધ કરીને આ મુદ્દે જાગૃતી પ્રસરાવવાનો છે. દેશમાં બે લાખ (2,00,000) થી વધુ વ્યક્તિઓ અંગદાનની પ્રતીક્ષા કરી રહયા છે. ત્યારે આ મેરેથોન અંગદાનની પ્રેરણા માટે એક મહત્વનો મુદ્દો બની રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩ માં ભારત ભરમાં પ્રથમવાર ૧૦૦૦ થી વધુ વ્યકિતઓનું અંગદાન થયું. અને તેમાં ગુજરાત ૧૪૬ અંગદાતા સાથે પાંચમા ક્રમે રહ્યું. જોકે આ પછી પણ ભારત દેશમાં દસ લાખની વસ્તીએ 0.8 વ્યક્તિ જ અંગદાન કરે છે, જ્યારે કે બીજા દેશોમાં આ આંકડો 35 થી 40 વ્યક્તિનો છે. કેડી મેરેથોન-2024નો ઉદ્દેશ લોકોને રજીસ્ટર્ડ ઓર્ગન ડોનર બનવાની પ્રેરણા આપીને અંગદાનની માંગ અને પુરવઠા વચ્ચેનુ અંતર ઘટાડવાનો અને અનેક લોકોનો જીવ બચાવવામાં નિમિત્ત બનવાની પ્રેરણા આપવાનો છે.
આ પ્રસંગે કેડી હૉસ્પિટલે અંગદાનનો હકારાત્મક સંદેશ પ્રસરાવવામાં સહયોગ બદલ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)નો આભાર માન્યો હતો.
આ પ્રસંગે કેડી હૉસ્પિટલના મેનેજીંગ ડિરેકટર શ્રી ડો. અદિત દેસાઈ તંદુરસ્તી જાળવવા અંગે મહત્વપૂર્ણ સંદેશો આપતાં તેમના પ્રેરક પ્રવચનમાં જણાવ્યુ હતું કે “ આપણે તંદુરસ્ત હોઈએ તો અન્યના જીવન માટે મદદરૂપ થઈ શકીએ છીએ. કેડી મેરેથોન એ તમામ લોકોને આરોગ્ય માટે અગ્રતા આપવાની યાદ આપીને પોતાના જીવ ઉપરાંત અન્ય વ્યક્તિ માટે પણ અંગ દાન (organ donation) થકી ઉપયોગી બનવાની યાદ અપાવે છે”.
કેડી હૉસ્પિટલ તેના ઘનિષ્ઠ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવર, કીડની, હૃદય, ફેફસાં અને કોર્નીયાને આવરી લઈને તબીબી ઉત્કૃષ્ટતાના મશાલચી તરીકે કામ કરી રહી છે. હૉસ્પિટલનો સ્ટાફ પણ અંગદાનનુ મહત્વ સમજાવીને વિવિધ જાગૃતી ઝુંબેશોમાં સક્રિય છે. આ પ્રયાસોની સાથે સાથે કરૂણાની ભાવનાથી કેડી હૉસ્પિટલે 100થી વધુ જાગૃતી ઝુંબેશ વડે 3 લાખ થી વધુ લોકો સુધી પહોંચીને આરોગ્ય અને સમાજ જાગૃતીની કટીબધ્ધતા વ્યક્ત કરી છે. કેડી મેરેથોન અગત્યના મિશન માટે આ મહત્વપૂર્ણ પ્રયાસ વડે આ મહત્વના ઉદ્દેશ માટેની સફળતામાં કાર્યરત બની આગળ વધી રહી છે.