કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ એમ્પાવરમેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર સેકટર્સ વિષયની રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યુ
હેલ્થ કેર અને ફાર્મા સેક્ટરમાં કોઇપણ જેન્ડર બાયસ વિના મહિલાઓને યોગ્ય સ્થાન, એક સમાન ઉજળી તકો અને પૂરતા યોગ્ય વ્યવસાયિક વેતન સહિત સન્માન આપવા કેન્દ્રીય મંત્રીએ ખાસ ભાર મૂકયો
સ્મૃતિ ઇરાનીએ ફયુચર ઇમ્પેકટ ઓન ફાર્મા એન્ડ હેલ્થકેર વીથ ડાયવર્ઝિટી એન્ડ ઇન્કલુઝિવીટી વિઝન-2030નો નોલેજ રિપોર્ટ પણ લોન્ચ કર્યો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.1
ફાર્મા એન્ડ હેલ્થકેર સેકટરમાં મહિલાઓને યોગ્ય સ્થાન અને સમાન તકો ઉપલબ્ધ બનાવવા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ વિશેષ અનુરોધ કર્યો હતો. આજે અમદાવાદમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ એમ્પાવરમેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર સેકટર્સ વિષયની રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યુ હતુ, આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સમાજમાં, જાહેર જીવનમાં અને વ્યવસાયિક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તક અને સમાન ન્યાયની ભારે હિમાયત કરી હતી. સ્મૃતિ ઇરાનીએ ફયુચર ઇમ્પેકટ ઓન ફાર્મા એન્ડ હેલ્થકેર વીથ ડાયવર્ઝિટી એન્ડ ઇન્કલુઝિવીટી વિઝન-2030નો નોલેજ રિપોર્ટ પણ લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે હેલ્થ કેર અને ફાર્મા સેક્ટરમાં કોઇપણ જેન્ડર બાયસ વિના મહિલાઓને યોગ્ય સ્થાન, એક સમાન ઉજળી તકો અને પૂરતા યોગ્ય વ્યવસાયિક વેતન સહિત સન્માન આપવા કેન્દ્રીય મંત્રીએ ખાસ ભાર મૂકયો હતો.
એમ્પાવરમેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર સેકટર્સ વિષયની રાષ્ટ્રીય કોન્ફરન્સ દરમ્યાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે આ ક્ષેત્રમાં મહત્વની સિધ્ધિ અને નોંધનીય યોગદાન આપનાર મહાનુભાવોને પ્રશસ્તિપત્ર અને એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ફાર્મા એન્ડ હેલ્થ કેર સેકટર્સમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાની અપીલ કરતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વધુમાં જણાવ્યું કે, હજુ પણ દેશમાં ફાર્મા એન્ડ હેલ્થ કેર સેકટરમાં મહિલાઓની સહભાગીતા અને તેમની સમાવેશતા ઘણી ઓછી છે, જે ખરેખર વધારવાની જરૂર છે. અન્ય ક્ષેત્રોની માફક ફાર્મા એન્ડ હેલ્થ કેર સેકટરમાં પણ મહિલાઓને મહત્તમ પ્રવેશ, યોગ્ય સ્થાન, પૂરતુ વેતન અને એકસમાન ઉજળી તકો ઉપલબ્ધ બનાવવામાં આવે તે ખૂબ જરૂરી છે અને સમયની માંગ પણ છે તો જ સાચા અર્થમાં મેક ઇન ઇન્ડિયા અને વિકાસની ખરી પરિભાષા પરિપૂર્ણ થઇ ગણાશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી આયુષમાન યોજનાની સફળતા અને તેની આંકડાકીય માહિતી સાથેની વિગતો પણ રજૂ કરી હતી, આ યોજના અંતર્ગત દેશમાં મહત્તમ મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધી તમામ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની તેમણે ભારોભાર સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું કે, આજે આયુષમાન યોજના દેશના નાગરિકો માટે બહુ આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે, જે માટે આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આભારી છીએ.
રાષ્ટ્રીય કોન્ફરન્સીંગના લોન્ચ પ્રસંગે કોન્ફરન્સના કન્વીનર દીપા શર્માએ જણાવ્યું હતું કે, હેલ્થ કેર અને ફાર્મા સેકટરમાં મહિલાઓની સહભાગીતા તથા મહિલા ઉદ્યોગ સાહસિકોને સશકત બનાવવા જરૂરી સંવાદ અને એકશનને વેગ આપવાનો કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીજીની સહભાગીતાથી અમે આ દિશામાં મોટુ પગલું ભર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના રાષ્ટ્રીય એજન્ડામાં યોગદાન આપવાના લક્ષ્ય સાથે સાથે અમે કોન્ફરન્સ દ્વારા ઉદ્યોગ સાહસિકતાના જુસ્સાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની આશા રાખીએ છીએ.
આ પ્રસંગે પ્રાઇમ ફાઉન્ડેશનના સ્થાપક વિનોદ શર્માએ જણાવ્યું કે, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીજીએ વ્યકત કરેલી ઉમદા ભાવના ગુજરાતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને મહિલા ઉદ્યોગ સાહસિકતાની ભાગીદારી સાથે આગળ વધવામાં મદદ કરશે. માનનીય મંત્રીશ્રીના પ્રોત્સાહનથી આ ઇન્ડસ્ટ્રીમાં વિવિધતા અને સમાવેશતાના સિધ્ધાંનો બળ મળશે. અનુકૂળ ઇકોસીસ્ટ્મ જ સમાવેશક પ્રગતિનો એકમાત્ર માર્ગ છે.
કોન્ફરન્સને સંબોધિત કરતાં ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસીએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડો.વિરાંચી શાહે જણાવ્યું હતું કે, દરેક ગુજરાતીના ડીએનએમાં બિઝનેસ છે અને કેન્દ્રીય મંત્રીશ્રીએ મહિલાઓની મજબૂત હિસ્સેદારી પર ભારત મૂકતાં મને વિશ્વાસ છે કે, મહિલા ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સની સહભાગીતામાં વધારો થશે. આ કોન્ફરન્સમાં સંવાદ અને તેના પરિણામો તમામ હિતધારકોને આ ઉદ્યોગમાં વિવિધતા અને સમાવેશકતાને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય તેના પર ધ્યાન આપવામાં ઉપયોગી બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ કોન્ફરન્સનું આયોજન એક્ટીવબ્રેઇન્ઝ અને આઇડિયાઝટુએકઝીકયુશન દ્વારા કરાયુ હતું. આજની કોન્ફરન્સમાં રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશન ડો.એચ.જી.કોશીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ફાર્મા ઇન્ડસ્ટ્રી, હેલ્થ કેર સેકટર, રાજય સરકાર, શિક્ષણ ક્ષેત્ર સહિતના 150થી વધુ મહાનુભાવો અને નિષ્ણાતો હાજર રહ્યા હતા. એમ્પાવરમેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર સેકટર્સ વિષયની રાષ્ટ્રીય કોન્ફરન્સ દરમ્યાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે આ ક્ષેત્રમાં મહત્વની સિધ્ધિ અને નોંધનીય યોગદાન આપનાર મહાનુભાવોને પ્રશસ્તિપત્ર અને એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news