નીતા લીંબાચિયા, અમદાવાદ.
22 ઓગસ્ટ 2024:
‘अहं शक्ति – અ મુવમેન્ટ ફોર વુમન’- મહિલા સશક્તિકરણની ઉજવણી કરતો પરિવર્તનશીલ સેમિનાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે યોજાવામાં આવ્યો હતો. સેમિનારમાં 20 યુવા મહિલા ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે સાત પ્રેરણાદાયી મહિલાઓ, જેમણે તેમના સંબંધિત ક્ષેત્રો માટે અસાધારણ મહેનત અને સમર્પણ દર્શાવ્યું છે, તેમના પ્રયત્નોને આગળ વધારવા માટે નાણાકીય સહાય આપવામાં આવી.
આ સેમિનારમાં અતિથિ વક્તા કેશોદના અને UAEમાં સ્થાઈ થયેલા રચના સલૂનના સ્થાપક રચના ઠક્કરે પોતાની પ્રેરણાદાયી સફર અંગે વાત કરી. તેમણે કહ્યું કે વર્ષ 1980માં UAEમાં મેં મારા ઘરમાંથી જ મહેંદી મૂકવાનું શરૂ કરીને કારકિર્દીની શરૂ કરી હતી. મારી બ્રાંડ ‘અરેબિક હિના’ જગ વિખ્યાત છે. UAEમાં દરેક રોયલ ફેમિલિના લગ્ન પ્રસંગોમાં મહેંદી મુકવાથી લઇને સમગ્ર UAEમાં 14 સલૂન વિકસાવીને 2000થી વધુ મહિલાઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવી છે. મહિલાઓ શસક્ત અને આત્મનિર્ભર બને તેવો મારો સતત પ્રયાસ રહે છે.
ગુજરાતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની મુવમેન્ટ અંગે વાત કરતા લેખક અને મોટિવેશનલ સ્પિકર કુલદિપસિંહ કલેર કરે છે કે, “મહિલાઓને આત્મનિર્ભર બનાવવી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અમારો પ્રયાસ છે. સહાયતા, પ્રેરણાદાયી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા મહિલાઓને તેમની સંપત્તિ અને ક્ષમતાઓના પૂર્ણ ઉપયોગ કરવા સક્ષમ બનાવવા અને સમાજમાં સમાન તકો આપી આર્થિક સ્વાવલંબન પ્રદાન કરવાની આ ચળવળ છે.”
સાત પ્રેરણાદાયી મહિલાઓને તેમની અસાધારણ મહેનત અને સમર્પણ બદલ 10,000ની નાણાકીય સહાય અને સન્માન
1- અંજલી સોરઠીયા.
ભણવામાં ખુબ જ તેજસ્વિ અંજલીએ વગર ટ્યુશને સારા ટકા મેળવ્યા. બીકોમના પ્રથમ વર્ષ સાથે સીએની તૈયારી કરી રહી છે. કોરોનામાં પિતાનો ફુટવેરનો ધંધો ઠપ થતા અંજલીએ પરિવારને આર્થિક સપોર્ટ આપવા માટે લો ગાર્ડનમાં ચપ્પલની રેકડી ચલાવે છે. અહં શક્તિના માધ્યમથી અંજલીને સીએના અભ્યાસ
માટે રૂ 10,000ની સ્કોલરશિપ આપવામાં આવી છે અને સીએ કોચિંગની બીજી વ્યવસ્થાઓ મળી રહે તેના માટે પણ પ્રયત્નશિલ છે.
2- લક્ષ્મી રાઠવા.
છોટા ઉદયપુરના આદીવાસી વિસ્તારમાંથી આવતી લક્ષ્મી રાઠવાએ બીસીએનો અભ્યાસ પૂર્ણ કરી બે વર્ષ ખાનગી કંપનીમાં નોકરી કરી, અને આત્મનિર્ભર થવાનો સંકલ્પ કર્યો. અમદાવાદના ન્યુ સીજી રોડ વિસ્તારમાં લક્ષ્મીએ ‘બીસીએ ચાયવાલી’ના નામે ચાની રેકડી કરી. ધંધો સેટ થઇ જતા લક્ષ્મીએ પોતાના નાના ભાઇને તે ધંધો સોંપી અમદાવાદના મોટેરામાં બીજી શાખા શરૂ કરી. લક્ષ્મીએ પોતાના ધંધામાં કરેલો પરિશ્રમ અને સંઘર્ષ અન્ય યુવક યુવતીઓ માટે દાખલા રૂપ હોવાથી અહં શક્તિ પુરસ્કારની દાવેદાર બને છે.
3- આરતી પટેલ.
ગાંધીનગર નજીક રાંધેજા ગામના આરતી પટેલે ડિપ્લોમા નર્સિગ કર્યુ છે. લગ્ન બાદ એક અકસ્માતને પગલે આરતી બહેનના પતિને થોડા મહિના માટે ડોક્ટરે બેડ રેસ્ટ કરવાની સુચના આપી. પરિવારની આર્થિક જરૂરીયાતો પૂરી કરવા આરતી બહેન ઘરેથી થઇ શકે તેવુ કામ શોધવા અમદાવાદના માર્કેટમાં ફર્યા. જ્યાં તેમને રાખડી બનાવવાનું કામ મળ્યું. ઘરઆંગણે આરતી બહેનને રાખડી બનાવતા જોઇ પાડોસની ગૃહિણીઓએ પણ આ કામમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી. આરતી બહેન ગુજરાતની 1000થી વધુ બહેનોને ઘરે બેઠા રાખડી બનાવવાનું કામ આપે છે. અહં શક્તિ આરતી બહેનના આ યોગદાનને સલામ કરે છે.
4- માનસી સદીરા
જન્મથી જ માનસી બહેનનું એક ફેંફસુ નાનું હોવાથી તેમનો શારિરીક વિકાસ પ્રમાણસર થઇ શક્યો નહિં. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાને કારણે માનસી બહેને બ્રિધિંગ માટે મશીનનો સહારો લેવો પડે છે. ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યા પછી પોતાની શારિરીક મર્યાદાને કારણે તેઓ તે દિશામાં કારકિર્દી બનાવી ન શક્યા પણ હિમ્મત હાર્યા વગર માનસી બહેને ઘરે આર્ટ, ક્રાફ્ટ અને ડ્રોઇંગના ક્લાસ શરૂ કર્યા. અનેક બાળકો અને યુવાનોને તેઓ તાલીમ આપી ચુક્યા છે. માનસી બહેનનો ઉત્સાહ અને જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમને અહં શક્તિ સલામ કરે છે.
5- રંજન બહેન પંચાલ.
આર્થિક સંકળામણને કારણે પારકા ઘરે રસોઇ કરવા જતી બહેનની પ્રગતિ અનેક લોકોને પ્રેરણા આપનારી બની છે, વાત છે રંજનબહેન પંચાલની. ઘરે ઘરે રસોઇ કરવાની સાથે રંજન બહેને 100-500 લોકોના જમણવાના ઓર્ડર લેવાના શરૂ કર્યા. સાથે વિદ્યાર્થીઓ માટે ટિફિન સર્વિસ શરૂ કરી. આજે કેસર ફુડ નામે રંજન બહેનની બ્રાન્ડ ગોતા વિસ્તારમાં ખુબ લોકપ્રિય છે. છે. પેરેલિસિસને કારણે પથારિવશ પતિની સેવા સાથે 62 વર્ષના રંજન બહેન પોતાનું સ્ટાર્ટઅપ પણ ચલાવી રહ્યા છે. અહં શક્તિ રંજન બહેનના પરિશ્રમ અને ખુમારીને વંદન કરે છે.
6- મધુ બહેન દાવડા
નવ ભાઇ બહેનોના મોટા પરિવારમા જન્મેલા મધુ બહેને ધર્મના પ્રચાર અને લોકોની સેવા કાજે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. આજીવન કુવારા રહી મધુ બહેન 6 દાયકાથી કેસોદમાં પ્રણામી ધર્મના મંદિરમાં સેવા આપી રહ્યા છે. ધાર્મિક અને સેવા કાર્યો માટે જાણીતા મધુ બહેનનું નામ સમગ્ર કેસોદમાં ખુબજ માન સાથે ઉચ્ચારવામાં આવે છે. અહં શક્તિ ધર્મ પ્રત્યે મધુ બહેનના સમર્પણને નમન કરે છે.
7- અનિતા બહેન મૃગ
રાજકોટથી અમદાવાદ આવેલા અનિતા બહેન આડોસ પાડોસમાં ઘરકામ કરવા જતા. રસોઇ બનાવવાની એમની આવડત સારી હોવાને કારણે લોકો એમને રસોઇ કામ માટે બોલાવવા લાગ્યા. આમ અનિતા બહેન આજે ઘર કામ અને પાક કલાની પોતાની આવડતના જોરે આત્મનિર્ભર છે અને પોતાના પરિવારને પણ આર્થિક સપોર્ટ પુરો પાડી રહ્યા છે. અહં શક્તિ એમની મહેનતને બિરદાવે છે.
અહં શક્તિ વ્યાખ્યાન શૃંખલાનો બીજો સેમિનાર તા 27 August ના દિવસે સુરતમાં આયોજિત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં બરોડા અને રાજકોટમાં પણ અહં શક્તિ કાર્યક્રમ યોજાશે.
#bharatmirror #bharatmirror21 #news #seveninspirationalwomen #rachnathakkar #tête-a-tête #ahmshakti #uae #ahmedabad