ટ્રાફિક અને આરટીઓ સત્તાવાળાઓની ભ્રષ્ટાચારની મિલીભગતને લઇ જસ્ટિસ સંદીપ એન.ભટ્ટની માર્મિક ટકોર, ખુદ રાજયના ગૃહવિભાગ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, આરટીઓ, ટ્રાફિક પોલીસ સહિતના જવાબદાર અધિકારીઓને તા.14મી ઓગસ્ટે હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા ફરમાન
મેમનગરમાંં પટેલ કન્યા છાત્રાલય-દિવ્યપથ હાઇસ્કૂલ રોડ પર જાહેર માર્ગ પર લકઝરી બસોના આડેધડ ગેરકાયદે પાર્કિંગને લઇ તાજેતરમાં ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીને થયેલી ફરિયાદમાં પીઆઇ મોરીએ હાઇકોર્ટના ચુકાદાને અવગણી કરેલી અદાલતી અવમાનનાને લઇ મીડિયામાં તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલોની પણ હાઇકોર્ટે ગંભીર નોંધ લઇ માર્મિક ટકોર કરી કે, તમારા અધિકારીને જવાબદારીનું ભાન ના હોય તો તેમને ભાન કરાવો.
જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે શહેરમાં પરમીટ વિના ચાલતા ગેરકાયદે વાહનો, સ્કૂલ વાન-રીક્ષામાં જોખમી રીતે બેસાડવામાં આવતા બાળકો, ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગત અને ભ્રષ્ટાચારને લઇ આકરા પ્રહારો કર્યા
હાઇકોર્ટે રાજયના ગૃહ વિભાગના જવાબદાર અધિકારી, ટ્રાન્સપોર્ટ કમિશનર, રાજયના ડીજીપી, આરટીઓ, ટ્રાફિક પોલીસ અને જવાબદાર અધિકારીઓને ખુલાસા સાથેનું સોંગદનામું રજૂ કરવા ફરમાન કર્યુ
અમદાવાદ,તા.22
અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફિક પોલીસ, પોલીસ ઓથોરીટી, આરટીઓ સત્તાવાળાઓને બહુ જોરદાર રીતે આડા હાથે લીધા હતા. જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે એક તબક્કે એટલી હદે માર્મિક ટકોર કરી હતી કે, થોડા આર્થિક લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ટ્રાકિકની સમસ્યાઓમાં હેરાન થઇ રહ્યા છે. હાઇકોર્ટે ટ્રાફિકની ખાડે ગયેલી સમસ્યાઓને સુધારવા અને જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના નિર્દેશો સાથે રાજયના ગૃહ વિભાગ, ટ્રાફિક પોલીસ, આરટીઓના જવાબદાર અધિકારીને તા.૧૪મી ઓગસ્ટે રૃબરૃ હાજર રહેવા ફરમાન કર્યું છે. હાઇકોર્ટે સમગ્ર સીસ્ટમને લઇ કેસની સુનાવણી દરમ્યાન બહુ આકરા પ્રહારો કર્યા હતા.
હાઇકોર્ટે ટ્રાફિકની ઉપરોકત સમસ્યાઓ પરત્વે જરૃરી ખુલાસા અને ટ્રાફિક સીસ્ટમને સુધારવા શું પગલા લેવા માંગો છો તે મુદ્દે વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજયના ગૃહ વિભાગના સચિવ, રાજયના ડીજીપી(પોલીસ મહાનિર્દેશક) આરટીઓ, ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીને હુકમ કર્યો હતો. તાજેતરમાં જ મેમનગર વિસ્તારમાં પટેલ કન્યા છાત્રાલય અને દિવ્યપથ હાઇસ્કૂલ રોડ પર જાહેર માર્ગો પર લક્ઝરી બસોના લાઇનસર આડેધડ પાર્કિંગને લઇ ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીને ફરિયાદ થઇ હતી અને ખુદ લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ મુદ્દે ખુદ ચીફ જસ્ટિસના હુકમો અને અવલોકનો હોવા અંગે પીઆઇ વી.ડી.મોરીએ બહુ ઉડાઉ અને વાહિયાત જવાબ આપ્યો હતો કે, હાઇકોર્ટે એવું કયાં કહ્યંુ છે કે, અહીં લકઝરી ઉભી ના રાખવી. તમારાથી થાય એ કરી લો. મીડિયામાં આ અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલોની ગંભીર નોંધ લઈને જસ્ટિપ સંદીપ એન. ભટ્ટે નામ લીધા વિના સરકારી વકીલને બહુ સાફ શબ્દોમાં સુણાવતાં અને ટ્રાફિક પોલીસ તેમ જ પોલીસ ઓથોરીટીની બહુ ગંભીર આલોચના કરતાં જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસનો હુકમ છે અને તમારા પોલીસ કમિશનરનું જાહેરનામું જ છતાં પાલન નથી થતું…?? કાયદાનું પાલન કરાવવુું એ પોલીસની વૈધાનિક ફરજ અને જવાબદારી છે. જો તેમને જવાબદારીનું ભાન ના હોય તો તમારે તે ભાન તેમને કરાવવું જોઇએ. લકઝરી બસો રોડ પર પડી રહી છે અને કોઇ ફરિયાદ કરે છે તો લોક્લ પોલીસ સ્ટેશન એવું કહે છે જયાં જવું હોય તો જાઓ તો માણસ જાય કયાં…તમે કેમ હટાવતા નથી..તમે પણ કોર્ટ ઓફિસર છો અને તમે પણ એક નાગરિક છો તમને ખબર હોવી જોઇએ.
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સરકારી વકીલને રોકડુ પરખાવ્યું હતુ ંક,ે તમારા ડીસીપી અગાઉ એવું કહેતા હતા કે, ૧૫૦૦માણસોના સ્ટાફમાં ૮૦ લાખની વસ્તીને કંટ્રોલ ના કરી શકીએ જો પ્વો તમારો જવાબ હાય તો બહુ શરમજનક વાત કહેવાય. આ તો તમારી ડયુટી છે, તેમાં કોઇ બાંધછોડ ના ચાલે. તમે તમારી જવાબદારીમાથી છટકી શકો નહી. સરકારી વકીલે કહ્યુ કે, હુ માફી ચાહુ છું ડીસીપીના આવા જવાબ બદલ. ેજેથી હાઇકોર્ટે બહુ ગંભીર ટકોર કરી હતી કે, તમારા માટે શું માણસોના દિમાગની કોઇ જ કિંમત નથી. થોડો લાભ મેળવવા માટે ટ્રાફિક, આરટીઓના મેળાપીપણામાં લોકો હેરાન થાય છે, તમને કંઇ પડી જ નથી. ભ્રષ્ટાચાર અથવા પર્સનલ ભાગીદારી હોય તો જ આ બધુ કરવાની દેવાની છૂટ અપાતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. શહેરમાં લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ સામે કેમ પગલાં લેતા નથી…? બસ સ્ટોપ પર પાર્ક ના કરી શકાય તેવા ટ્રાફિકના નિયમો છે..ખબર છે ને તમને…? તો પણ કેમ પાર્ક થાય છે. સરકારી વકીલ પાસે હાઇકોર્ટના વેધક પ્રશ્નોનો કોઇપણ જવાબ નહતો. હાઇકોર્ટે ઉપરોકત તમામ મુદ્દે ખુદ રાજયના ગૃહ વિભાગના સચિવ, રાજયના ડીજીપી, ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારી અને આરટીઓના જવાબદાર અધિકારીઓનો ખુલાસો માંગ્યો છે અને તેઓને તા.૧૪મી ઓગસ્ટે અદાલત સમક્ષ રૃબરૃ હાજર રહેવા ફરમાન કર્યું હતું.
બોક્સ ઃ અમને તમારી ડ્રાઇવમાં રસ નથી, અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ ના કરો
સરકારી વકીલે બચાવ કર્યો હતો કે, ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવાય છે, જેથી જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે તરત જ તેમના બચાવનું ખંડન કરતાં જણાવ્યું કે, અદાલતને તમારી ડ્રાઇવમાં રસ નથી, કાયદાની જોગવાઇઓનું પાલન થાય તેમાં રસ છે. તમે અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ ના કરો. હાઇકોર્ટને બતાવવા માટે પંદર દિવસ કરવા ખાતર ડ્રાઇવ ચલાવો છો અને પછી બધુ એનું એ..તમારા પશ્ચિમ ઝોનના ડીસીપી તમારા પોલીસવાળાને એવું કહેતા હતા કે, હાઇકોર્ટે કહ્યું એટલે હમણાં ધ્યાન રાખજો..તો શુ તમે હાઇકોર્ટને બતાવવા આ બધુ કરો છે અને પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું છે એમ..? હાઇકોર્ટના હુકમોને તમે ટેકન ફોર ગ્રાંટેડની જેમ લેવા માંગો છો અને નાગરિકોને તમે આ રીતે સેવા આપવા માંગો છો. પ્રજાના જનમાનસ પર તમારી કેવી છાપ જાય છે એ તો જરા વિચારો.
બોક્સ ઃ ટુ વ્હીલર ઉપાડી જાઓ છો.. તો લકઝરી બસો કેમ ઉપાડી જતા નથી..?
હાઇકોર્ટે ટ્રાફિક પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, હાઇકોર્ટના હુકમો અને પોલીસ કમિશનરનું જાહેરનામું હોવાછતાં તેનું કેમ પાલન થતુ નથી અને લક્ઝરી બસો કેવી રીતે શહેરમાં પ્રવેશ કરે છે અને ગેરકાયદે પાર્કિંગ થઇ જાય છે..? ખુદ ચીફ જસ્ટિસનો હુકમ છે છતાં કેમ પાલન તમે કરી શકતા નથી..?? લકઝરી બસો શહેરના માર્ગો પર બ્રિજની નીચે કે ગમે ત્યાં આડેધડ પાર્ક કરી દેવાય છે. જો કોઇ ટુ વ્હીલર લાઇનની સહેજ બહાર નીકળી જાય કે ગમે ત્યાં પાર્ક થઇ જાય તો ઉપાડી જાઓ છો અને દંડો છો તો લક્ઝરી બસો તેમ ઉપાડી જતા નથી અને તેને કેમ દંડ ફટકારતા નથી..? અદાલતને સમજાવો..આની પાછળનું કારણ શું…? આવી ભેદભાવભરી નીતિ કેમ ચાલી રહી છે..? જો કે, સરકારી વકીલને પાસે આનો પણ કંઇ જવાબ ન હતો.
બોક્સ – શું માણસના જીવની કોઇ કિંમત નથી..?
શહેરના દરેક ચાર રસ્તા, સર્કલ પર ઓટોરીક્ષા, ફોર વ્હીલર(ઓલા-ઉબેર) ના આડેધડ પાર્કિંગ, સીએનજી વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવા સહિતની અનેક ટ્રાફિક સમસ્યાઓને લઇ ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફિક પોલીસથી માંડી આરટીઓ સત્તાવાળાઓનો પીરીયડ લઇ નાંખ્યો હતો. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે જણાવ્યું કે, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકો બેઠા હોય તો તમે પરમીટ કરો છો..? શું બાળકોના જીવના જોખમને લઇ તમને ગંભીરતા નથી. સ્કૂલ રીક્ષામાં બાળકોની બેગ લટકણીયામાં બહાર લટકતી હોય તેવી પણ કયાં મંજૂરી છે..? શુ માણસના જીવની તમારે મન કોઇ કિંમત નથી..?
બોક્સ – ટ્રાફિક પોલીસ શેના માટે રાખી છે તે કંઇ સમજાતું નથી…??
હાઇકોર્ટે બહુ જોરદાર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જો કોઇ ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળે તો તમારી ટ્રાફિક પોલીસના દસ માણસો તેને ઘેરીને ઉભા હોય છે અને બીજાને છૂટ આપી દેવાય છે, તમારી પોલિસીમાં શું આવું કંઇ છે. આની પાછળનો હેતુ શું…? આવું કેમ..? ખરેખર તો ટ્રાફિક પોલીસ શેના માટે રાખી છે તે કંઇ સમજાતું નથી..? એ ટ્રાફિક નિયમન માટે છે કે, કાયદાનું પાલન કરાવવા છે કે શેના માટે છે એ જણાવો ને…અમને જરા..સરકારી વકીલે જણાવ્યું કે, અમે વાહનો ડિટેઇન કરીએ છીએ, જેથી હાઇકોર્ટે સુણાવ્યું કે, શું ડિટેઇન કરો છો..૫૦૦માંથી પાંચ વાહનો ડિટેઇન કરો એ શું ડિટેઇન કહેવાય…?? ૪૯૫ વાહનો તો ચાલે જ છે ને ગેરકાયદે પાર્ક થાય જ છે ને… સરકારના તમામ બચાવને હાઇકોર્ટે ફગાવ્યા હતા.
બોક્સ – હાઇકોર્ટે કયા કયા મુદ્દે બધી ઓથોરીટી પાસે જવાબ માંગ્યો…?
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે ટ્રાફિકની સમસ્યા નિવારવા અત્યારસુધીમાં શું પગલાં લીધા અને સમગ્ર સીસ્ટમ સુધારવા ભવિષ્યમાં શું પગલાં લેશો..? તેમ જ ટ્રાફિક સીસ્ટમની ખામીઓ અને ઉણપ સહિતના મુદ્દે ગૃહ વિભાગના સચિવ, ટ્રાન્સપોર્ટ કમિશનર, ડીજીપી, આરટીઓ અને ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીનો ખુલાસો અને વિગતવાર જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, જો આ સંજોગોમાં કોઇ અકસ્માત થાય તો જે તે વિસ્તારના જવાબદાર અધિકારીની જવાબદારી ઠરાવવા અને કોઇ ચૂક દાખવાય તો જવાબદાર અધિકારી જવાબદારી નક્કી કરવાની રહેશે. ટ્રાફિક પોલીસમાં જરૃરી ભરતી કરવા અંગે પણ સરકારપક્ષને હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news