નીતા લીંબાચિયા, અમદાવાદ.
09 જાન્યુઆરી 2024:
ભારત ખાતેના રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના એમ્બેસડર H.E. સુશ્રી ઇના એચ. કૃષ્ણમૂર્તિ અને ઇન્ડોનેશિયન પ્રતિનિધિમંડળે GCCI ની મુલાકાત લીધી હતી અને સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે જી.સી.સી.આઈ ના સીનીઅર ઉપપ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે H.E સુશ્રી ઇના એચ. કૃષ્ણમૂર્તિ તેમજ અન્ય ડેલિગેટ્સ નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓએ ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગના વિકાસ માટેની જી.સી.સી.આઈ ની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આગામી 10 માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિષે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારશ્રી દ્વારા જી.સી.સી.આઈ ની નિયુક્તિ દસમા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના “સ્ટેટ પાર્ટનર” તરીકે કરવામાં આવેલ છે.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ASEAN રીજીયનમાં ઇન્ડોનેશિયા હંમેશા ભારતનું પ્રમુખ આર્થિક ભાગીદાર રહ્યું છે અને ASEAN રીજીયનમાં ઇન્ડોનેશિયા ભારત માટે બીજા નંબરનું સૌથી મોટું વેપારી રાષ્ટ્ર પણ છે. તેમણે ગુજરાત અને ઈન્ડોનેશિયા વચ્ચે વધતી જતી વેપારની તકો વિશે વાત કરી હતી.
આ પ્રસંગે જીસીસીઆઈ ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી અનિલ જૈને ગુજરાતના વેપાર અને ઉદ્યોગ વિશે અને ગુજરાત અને ઈન્ડોનેશિયા વચ્ચે ઘનિષ્ઠ વ્યાપારી સંબંધો દ્વારા કેવી રીતે ફાયદો થઈ શકે તે વિશે જણાવ્યું હતું.
H.E એમ્બેસડર સુશ્રી ઇના એચ. કૃષ્ણમૂર્તિએ બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત વ્યાપારી સંબંધો વિષે ઉલ્લેખ કર્યો હતો અને બંને દેશોના વેપાર અને ઉદ્યોગો વચ્ચે સંબંધો વધારવા GCCIને તેઓના સંપૂર્ણ સમર્થન ની ખાતરી આપી હતી. તેઓએ ગુજરાતે કરેલા નોંધપાત્ર આર્થિક પ્રગતિ ની પ્રશંસા કરી હતી અને 10માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.