અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 23-11-21
આ સમાજ દ્વારા સિક્કાની બે બાજુઓની જેમ સ્ત્રીઓને ક્યાંક અવરોધવામાં આવી છે, તો ક્યાંક તેમની સફળતાઓને ઉજવવામાં આવી છે. તે છતાં ભારત દેશની અર્થવ્યવસ્થામાં સ્ત્રીઓ એક અંગ છે. ઘર હોય કે દેશ આર્થિક વ્યવસ્થામાં સ્ત્રીઓનો સહકાર અનિવાર્ય છે. આજની સહકારી મંડળીઓની કલ્પના પણ નહોતી થઈ તે પહેલાથી સ્ત્રીઓ સહકારી મંડળીઓ ખોલીને પોતાનું તથા પોતાની સખી મંડળની સ્ત્રીઓનું ધ્યાન રાખી રહી છે. પરંતુ આજના સમયમાં ગુજરાતમાં સ્ત્રીઓ પોતાની કારકિર્દીને લઈને કઈ દિશામાં આગળ વધી રહી છે. તે વિચારવા યોગ્ય બાબત છે. સહકારી ક્ષેત્રમાં મહિલાઓની પરિસ્થિતિ શું છે તે અંગે સંશોધન અનિવાર્ય છે.
આ સમયે સ્ત્રીઓની ખરી સ્થિતિ અંગે સંશોધન કરીને દ્રષ્ટિ સ્ત્રી અધ્યયન પ્રબોધન કેન્દ્ર દ્વારા status of women In cooperative sector of India with special reference to Gujarat નામના વિષય પર એક સંશોધન ગ્રંથ તૈયાર કરી તેનું વિમોચન કરવામાં આવ્યું છે. તારીખ 22 નવેમ્બર, 2021 ના રોજ આ સંશોધન ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ગુજરાત રાજ્યના સહકારી સંઘના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય ડૉ. જ્યોતીન્દ્રભાઈ મહેતા ( અધ્યક્ષ સહકાર ભારતી ) માનનીય ડૉ. મનિષાબેન કોઠેકર ( અધ્યયન પ્રકલ્પ પ્રમુખ ) ની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ શોભાવતી હતી. બધા આ કાર્યક્રમમાં અભ્યાસ પ્રવર્તક તરીકે ભાગ્યશ્રી સાથે પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર હેડગેવાર ભવન મણિનગર ખાતે આયોજિત આ કાર્યક્રમના આયોજન ગુજરાત પ્રાંત મહિલા સમન્વય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંશોધન ગ્રંથના નિર્માણમાં દ્રષ્ટિ સ્ત્રી અધ્યયન પ્રબોધન કેન્દ્રના પ્રોજેક્ટર ડૉ. મનીષા કોઠેકર , સેક્રેટરી ડૉ.અંજલી દેશપાંડે તથા સ્ટડી કોઓર્ડિનેટર ડૉ. સારિકા ઉપાધ્યાયનું વિશેષ યોગદાન રહ્યું છે. આ સંશોધન ગ્રંથનું ભાષાંતર વિદ્યા પસારી દ્વારા કરવામાં આવ્યું છે. મૂળે આ સંશોધન ગ્રંથ નો આશય અલગ અલગ સહકારી સંસ્થાઓ તથા મંડળીઓમાં જોડાયેલી સ્ત્રીઓની સ્થિતિ શું છે, તે જાણવાનો રહ્યો હતો. આ સંશોધનને અંતે તેઓ એવા તારણ પર પહોંચ્યા છે કે સહકારી મંડળીઓમાં જોડાવાથી સ્ત્રીઓના આત્મવિશ્વાસ તથા તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. આ સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે , જેને કારણે તેમના આરોગ્યમાં, સુખાકારીમાં તથા બાળકોના શિક્ષણમાં પણ વધારો થયો છે. એકંદરે સહકારી મંડળીઓમાં જોડાવાથી સ્ત્રીઓના જીવનધોરણમાં ખૂબ જ સુધારો જોવા મળે છે, જેને પરિણામે તેમના સમગ્ર પરિવારના જીવન ધોરણમાં તથા સામાજિક ધોરણ માં સુધારો જોવા મળે છે. આ પુસ્તકના વિમોચનથી લોકોને સ્ત્રીઓની ખરી પરિસ્થિતિ સમજાશે તથા લોકો સ્ત્રીઓની કારકિર્દીની પ્રગતિમાં સહાયરૂપ બની શકે તેવી આશા સેવાઈ આી છે.