છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં ૧૬ ઈંચ, વાપીમાં ૮ ઇંચ, માંગરોળમાં ૫ ઇંચ, વિસાવદરમાં ૪ ઇંચ વરસાદ
રાજ્યના ૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૪ ટકા નોંધાયો
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ – નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, સતત બીજા દિવસે વરસાદી માહોલ
ગીર-સોમનાથ જિલ્લાના તલાલામાં સાડા છ ઈંચથી વધુ વરસાદ, માળિયામાં પાંચ ઇંચ, ઉનામાં ચાર ઈંચ વરસાદ ખાબકતાં કપિલા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા, કપિલા નદીમાં ઘોડાપૂર
ગીરના જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થતાં ગીરના વોકળા જાણે કે સજીવન થયા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.1
ગુજરાતમાં પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકોમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે મેઘરાજાએ પોતાની મહેર વત્તા ઓછા અંશે વરસાવી હતી. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિતના અનેક પંથકોમાં પણ આજે સતત બીજા દિવસે વરસાદના હળવાથી ભારે ઝાપટાં અને ધોધમાર વરસાદ નોંધાતા ચોમાસાનો માહોલ ફરી જોવા મળ્યો હતો. જેના કારણે સપ્ટેમ્બર માસમાં મેઘરાજાનું આગમન શુભદાયી અને ફળદાયી નીવડે તેવા અણસાર મળી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ આજે પણ હેત વરસાવવાનું ચાલુ રાખ્યું છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં સવારના છ વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન 6.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે છે. તાલાલા ઉપરાંત ઉનામાં 5 ઇંચ, ગીર ગઢડામાં 4 ઇંચ, વેરાવળમાં 3 ઇંચ, કોડીનારમાં 2.5 ઇંચ, સુત્રાપાડા 2 ઇંચ વરસાદ પડ્યો છે. ગીરમાં ધોધમાર વરસાદને પગલે હિરણ નદીમાં સિઝનમાં પ્રથમ વખત નવા નીર વહેતા થયા છે. હિરણ નદીમાં પૂર આવતા વેરાવળ-તાલાળાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં પાણીની આવક થશે. હાલ હિરણ-2 ડેમ તળિયા ઝાટક છે. આ જ પ્રકારે ગીરના જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થતાં ગીરના વોકળા જાણે કે સજીવન થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી કપિલા નદીમાં તો ઘોડાપૂર આવ્યું છે.
તલાલા-ગડુને જોડતા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા, આંબાખોય નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. વેરાવળના ભેરાળા ગામે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા, જેના કારણે આ રૂટ પરનો વાહનવ્યવહાર બંધ થયો હતો. ગીરમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. તાલાલાના જેપુર-ઘણેજ ગામમાંથી પસાર થતી આંબાખોય નદીના પાણી આવ્યા છે. આંબાખોય નદી આગળ જતાં હીરણ નદીમાં ભળી જાય છે. વરસાદને પગલે વેરાવળના ભેરાળા ગામે રસ્તામાં નદીઓ વહેતી થઈ છે. વેરાવળ-તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી કપિલા નદીમાં પણ પૂર આવ્યું છે. ગીર જંગલ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અલર્ટ જાહેર કરાયું છે. તો, છેલ્લા 24 કલાક દરમ્યાન વલસાડના ઉમરગામમાં ૧૬ ઈંચ, વાપીમાં ૮ ઇંચ, માંગરોળમાં ૫ ઇંચ, વિસાવદરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના ૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાતા રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૪ ટકા નોંધાયો છે. આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં તલાલામાં છ ઈંચ, માળિયામાં પાંચ ઇંચ, ઉનામાં ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. પોરબંદરના રાણાવાવમા ચાર કલાકમાં એક ઇઁચ, કુતિયાણામાં ચાર કલાકમાં બે ઇંછ, મોરબીના હળવદમાં ભારે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં ચોસામાના માહોલની ફરી એકવાર જમાવટ જોવા મળી રહી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૩૯૯ મી.મી. એટલે કે ૧૬ ઇંચ જેટલો, વાપીમાં ૨૦૦ મી.મી. એટલે કે આઠ ઈંચ, માંગરોળમાં ૧૨૯ મી.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં વિસાવદર તાલુકામાં ૯૬ મી.મી., વઘઈમાં ૯૦ મી.મી., ડેડિયાપાડામાં ૮૮ મી.મી., ધ્રોલમાં ૮૬ મી.મી., કઠલાલમાં ૮૩ મી.મી., મેંદરડામાં ૮૧ મી.મી., કપરાડામાં ૭૯ મી.મી., વડગામ, નડિયાદમાં ૭૬ મી.મી. અને બગસરામાં ૭૫ મી.મી. મળી કુલ ૧૦ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત નાંદોદ ચોર્યાસી, માણસા, માતર, પારડી, ઘોઘા, કેશોદ, ઉમરેઠ, વાંસદા, વંથલી, ગરુડેશ્વર, માંગરોળ, ખેરગામ, બોટાદ, જુનાગઢ શહેર, સાવરકુંડલા, ખેડા મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જ્યારે અન્ય ૩૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં ૧૪૫ મી.મી. એટલે કે છ ઈંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં ૧૩૨ મી.મી. એટલે કે પાંચ ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં ૧૦૦ મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૨.૯૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૬.૧૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨.૪૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૦.૬૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૫.૪૭ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
#bharatmirror #bharatmirror21 #news