હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 21,949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 7,761 ક્યુસેક પાણીની જાવક
જો કે, સત્તાવાળાઓ દ્વારા હાલ ડેમના તમામ દરવાજા બંધ રખાયા છે. ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 22 સેમીની વધારો થયો
ઉપરવાસના વરસાદના કારણે હજુ પણ નર્મદા ડેમમાં પાણીની સપાટી વધવાની પૂરી શકયતા સેવાઇ રહી છે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.26
ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને રાજયના લગભગ તમામ જિલ્લાઓ અને મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક સારો એવો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં 22 સેમીનો વધારો થયો છે.
હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 21,949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 7,761 ક્યુસેક પાણીની જાવક છે. જો કે, સત્તાવાળાઓ દ્વારા હાલ ડેમના તમામ દરવાજા બંધ રખાયા છે. ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 22 સેમીની વધારો થયો છે. ઉપરવાસના વરસાદના કારણે હજુ પણ નર્મદા ડેમમાં પાણીની સપાટી વધવાની પૂરી શકયતા સેવાઇ રહી છે. તંત્રના અધિકારીઓ પણ ડેમની સપાટીને લઇ નજર રાખીને બેઠા છે અને પરિસ્થિતિ પ્રમાણે જરૂરી પગલાં લેવાની પણ તૈયારી રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેની સામે હાલ ડેમની સપાટી 116.09 મીટર છે. ડેમમાં હાલ 4459 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જો ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેશે તો આ સીઝનમાં ડેમ તેની મહત્તમ સપાટી પર પહોંચી શકે છે. બીજીબાજુ, ડેમની સપાટીને લઇ તંત્રના અધિકારીઓ પણ તેની પર સતત નજર રાખી રહ્યા છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ પ્રમાણે જરૂરી નિર્ણય લેવાની તૈયારી રાખી રહ્યા છે. તો, ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ નર્મદા જિલ્લામાં પણ મેઘમહેર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં સૌથી વધારે 5.6 ઇંચ વરસાદ પડ્યો છે. ગરુડેસ્વર તાલુકો 2.2 ઇંચ, ડેડીયાપાડા તાલુકો 1.7 ઇંચ, તિલકવાડા તાલુકો 5.6 ઇંચ, નાંદોદ તાલુકો 1.2 ઇંચ, સાગબારામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.