અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાનો યાદગાર અનુભવ થશે : શ્રી વિજય નહેરા – સચિવશ્રી, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ
આ એક્વેરિયમમાં અલગ- અલગ ૬૮ ટેન્કમાં શાર્ક સહિતના ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે ૨૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે
અહીં ૧૮૮ પ્રજાતિની ૧૧,૬૦૦થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે
સાયન્સ સીટી ખાતે ૧૧,૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૭૯ પ્રકારના ૨૦૦થી વધુ રોબોટ છે
આ પ્રકલ્પ ૧૮-૦૭-૨૦૨૧ થી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જેનો સમય સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્યા સુધીનો રહેશે. અહીં પ્રવેશ માટે એડવાન્સ બુકીંગ કરાવવાનું રહેશે. જે વેબસાઈટ કે મોબાઈલ એપ્લીકેશનથી થઈ શકશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.15
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત સાયન્સ સિટી સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દિશામાં કાર્યરત છે. સાયન્સ સીટીમાં બીજા તબક્કામાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા ત્રણ આકર્ષણોનું ઉદઘાટન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ૧૬ જુલાઈ, ૨૦૨૧ શુક્રવારના વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ અંગેની વિગતો આપતા સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરાએ જણાવ્યું હતું કે, “સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરીએ અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે અને તે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે.”
શ્રી નહેરાએ નવનિર્મિત પ્રકલ્પોની રુપરેખા આપતા કહ્યું કે, આ એક્વેરિયમમાં અલગ- અલગ ૬૮ ટેન્કમાં શાર્ક સહિતના ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે ૨૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”.
આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં ૧૮૮ પ્રજાતિની ૧૧,૬૦૦થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.
આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે ૧૧,૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૭૯ પ્રકારના ૨૦૦થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. જેમ કે મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, ૧૬ રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ કરશે.
સાયન્સ સીટીનું ત્રીજું આકર્ષણ છે – નેચર પાર્ક. ૨૦ એકરમાં પથરાયેલ આ નેચર પાર્કમાં ૩૮૦થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉંડેડ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. આ મુલાકાતને યાદગાર બનાવવા માટે સેલ્ફી કોર્નર પણ છે.
આ પ્રકલ્પ ૧૮-૦૭-૨૦૨૧ થી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જેનો સમય સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્યા સુધીનો રહેશે. અહીં પ્રવેશ માટે એડવાન્સ બુકીંગ કરાવવાનું રહેશે. જે વેબસાઈટ કે મોબાઈલ એપ્લીકેશનથી થઈ શકશે.