ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ દિવસ સારા વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
વરસાદ ભલે લંબાયો હોય પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેશે – હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.24
મેઘરાજા હજુ સુધી રાજયના મોટાભાગના વિસ્તારોમાં મન મૂકીને નહી વરસતાં પ્રજાજનો ખાસ કરીને ખેડૂતો ચિંતાતુર બન્યા છે ત્યારે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ રાજયમાં સાર્વત્રિક વરસાદની પૂરી સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીબાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજયમાં વરસાદ ભલે લંબાયો પરંતુ ચાલુ વર્ષે ચોસાસુ સારૂં રહેશે. તેમણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ દિવસ સારા વરસાદની આગાહી કરી છે. બીજીબાજુ, ભારે વરસાદની આગાહીને પગલે રાજય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા સંભવિત સ્થાનો પર એનડીઆરએફની જુદી જુદી ટીમો પણ તૈનાત કરી દેવાઇ છે.
રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં મેઘમહેર સારી એવી થઇ રહી છે પરંતુ હજુ પણ રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારો તેમ જ ભાગોમાં જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં તા.24 જુલાઈથી તા.27 જુલાઈ સુધી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો, આ વરસાદ ઉપરાંત અરબી સમુદ્રમાં 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આજથી તા.24મી જુલાઈથી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, રાજ્યના ઉત્તર ગુજરાત ઉપરાંત દાહોદ, દાદરના નગર હવેલી, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જયારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે.
બીજીબાજુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તા.24 થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસવાની આગાહી કરી છે. તો આ સાથે જ તેમણે એવું પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે, દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ ફંટાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદી સીસ્ટમ સક્રિય થયા બાદ દરિયામાં અને ઓમાન તરફ જઈ રહી છે માટે હવે ઓગસ્ટની શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની પૂરી સંભાવના છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો માટે સારા સમાચાર છે કે, વરસાદ ભલે લંબાયો હોય પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેશે.
દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના મોટા શહેરમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી સિસ્ટમ સક્રિય બનતા અતિથી ભારે વરસાદની આગાહી સેવાવવામાં આવી રહી છે. આવતીકાલે અમદાવાદ સહિત નવસારી, વલસાડ, ડાંગ, રવિવારે સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શકયતા છે. આ જ પ્રકારે આવતીકાલે રવિવારે રાજ્યના દક્ષિણ ગુજરાત રિજ્યનના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અરવલ્લી, ખેડા અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે. તા.26મી જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26મી જુલાઈએ રાજ્યના અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, મહિસાગર, દમણ, મેહસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જયારે તા.27મી જાન્યુઆરીના મંગળવારના રોજ રાજ્યના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. આ સિવાય તા.28મી જાન્યુઆરીના રોજ બુધવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આમ, આગામી ચાર દિવસ સુધી રાજયભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર અરબ સાગરમાં 50-60 કિલોમીટર સુધી પવન ફૂંકાવાની શક્યતા છે. જેને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજીબાજુ, ભારે વરસાદની આગાહીને પગલે રાજય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા સંભવિત સ્થાનો પર એનડીઆરએફની જુદી જુદી ટીમો પણ તૈનાત કરી રખાઇ છે.