રાજયની સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામોને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો
ગુણોત્સવ ૨.૦ માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી, A+ ગ્રેડની માત્ર ૧૪ શાળાઓ જ આવી – ડો.મનીષ દોશી
અમદાવાદ,તા.23
રાજ્યની ૩૦,૬૮૧ સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક છે.રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા – નિતિ – નિયત દિશા વિહીનતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુણોત્સવ ૨.૦ માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી, A+ ગ્રેડની માત્ર ૧૪ શાળાઓ જ આવી. રાજ્યની સરકારી સ્કૂલોનું ખુદ શિક્ષણ વિભાગના જ સર્વે માં B-ગ્રેડ મળ્યો. સરેરાશ પરિણામ ૫૭.૮૪ ટકા જ આવતા B-ગ્રેડ, ૭૬ ટકા શાળાઓમાં ઉપચારત્વક શિક્ષણ ન થયું. એકમ કસોટી બાદ નબળા વિદ્યાર્થીઓની ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. ૮૦ ટકા મુલ્યાંકન કસોટી બાદ સુધારા માટે કાર્ય જ ન થયું. ૨૦૦૯ થી દાખલ ગુણોત્સવની પ્રથમ પરિણામ ૨૦૧૦માં અમલવારી. અધ્યયન, અધ્યાપનમાં ૫૭.૨૯ ટકા, સંશાધનો ૫૬.૫૫ ટકા. ગુણોત્સવમાં રાજ્યની કુલ ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓનો સમાવેશ. ૫૩ ટકા શાળામાં હાજરી જ જણાતી નથી. ૫૭ ટકા શિક્ષકો પુસ્તક અને ટેકનોલોજી ઉપયોગ થતો નથી. સ્પર્ધાત્મક પરિક્ષાઓ માત્ર ૨૦ ટકા જ ભાગીદારી જોવા મળી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, નર્મદા, તાપી, કચ્છ, ભરૂચ, ડાંગ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, સરેરાશ કરતા પણ ખરાબ પરિણામ. સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં શિક્ષણની સ્થિતિ અતિ ખરાબ છે. સ્કુલ મેનેજમેન્ટ કમિટી (SMC) કાગળ પર, ૪૮ ટકા વાલીઓને જાણ જ નથી. ૯૩ ટકા શાળામાં શિક્ષકોના ફોટા સહિતની માહિતી દર્શાવતુ બોર્ડ શાળામાં નથી. ૬૫ ટકા શિક્ષકો પુસ્તકોનો ઉપયોગ જ કરતા નથી. ૩૧ ટકા શાળામાં પીવા લાયક પાણી ઉપલબ્ધ નથી. ૩૫ ટકા શાળામાં પાણી ટાંકી / શૌચાલય સફાઈ નિયમિત થતી નથી. ગુણોત્સવ-૧ માં ૫ A+, ગુણોત્સવ-૨માં ૧૩ A+ ફરી તે જ રીતે ગુણોત્સવ-૯ માં ૪ A+, ભાજપ સરકાર કરોડો રૂપિયા શિક્ષણ માટે જાહેરાત કરે છે તે નાણાં જાહેરાતો / ઉત્સવોમાં વેડફાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ જેટલી સરકારી શાળાઓને તાળા મારવાનું કામ ભાજપ સરકાર કરવા જઈ રહી છે. એક તરફ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાની જાહેરાત હકીકતમાં ગુણવત્તાવાળા શિક્ષણને લીધે નહિ પણ, ઉંચી ફી ના ધોરણો વાલીઓને ન પોષાતા ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ જવા માટે મજબૂરીથી ફરજ પડી. રાજ્યમાં શિક્ષણનું વેપારીકરણ – ખાનગીકરણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે.
રાજ્યમાં સરકારી – ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડી નાંખીને ઉંચી ફી મનફાવે તેમ ઊઘરાવતી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપતા ભાજપ સરકારના ભ્રષ્ટ શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ્ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુણોત્સવના કારણે A+ ગ્રેડની રાજ્યની સરકારી સ્કૂલોમાં મસમોટો વધારો થયો હોવાનો સરકારનો વાહવાહીનો પરપોટો ગુણોત્સવ ૨.૦ના પરિણામમાં ફૂટી ગયો છે. ગુણોત્સવ ૨.૦ના પરિણામમાં અત્યાર સુધીના તમામ ૮ ગુણોત્સવ નાપાસ જાહેર થયા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. ગત વર્ષે એટલે કે, ગુણોત્સવ-૮માં A+ ગ્રેડમાં કુલ ૩,૨૦૭ સરકારી સ્કૂલોનો સમાવેશ થયો હતો, જો કે, ગુણોત્સવ ૨.૦માં ઘટીને આ સંખ્યા માત્ર ૧૪એ આવી ગઈ છે. જ્યાંથી ગુણોત્સવની શરૂઆત થઈ હતી ત્યાં જ આવી ગયા છીએ.
રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની ગુણવત્તા ચકાસવા માટે અને શિક્ષકોનું સ્તર જાણવા માટે વર્ષ ૨૦૦૯ થી ગુણોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – ૨૦૧૮ સુધી એક જ પદ્ધતિથી ગુણોત્સવ યોજાતો હતો. ગુણોત્સવમાં દર વર્ષે સરકાર દ્વારા મસમોટા તાયફાઓ પણ કરવામાં આવે છે. ગત વર્ષે તો A+ ગ્રેડની શાળાઓની સંખ્યા સીધી ૩,૨૦૭ એ પહોંચી જતાં શિક્ષણ વિભાગ અને સરકારે પોતાની પ્રશંસા કરાવવામાં કોઈ કસર છોડી નહોતી. પ્રથમ ગુણોત્સવમાં A+ ગ્રેડમાં માત્ર ૫ શાળાઓ હતી જ્યારે A ગ્રેડમાં ૨૬૨ શાળાઓ હતી. B ગ્રેડમાં ૩,૮૨૩ તેમજ C ગ્રેડમાં ૧૨,૮૮૭ શાળાઓ અને D ગ્રેડમાં ૧૪,૫૮૨ હતી. આમ રાજ્યની કુલ ૩૧,૫૬૨ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી A+ , A અને B ગ્રેડની મળીને માત્ર ૪,૦૯૩ શાળાઓ હતી જ્યારે C અને D ગ્રેડમાં જ ૨૭,૪૬૯ શાળાઓનો સમાવેશ થયો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ્ ડૉ. મનિષ દોશીએ અંતમાં ઉમેર્યું કે, છેલ્લે વર્ષ ૨૦૧૮માં ગુણોત્સવ-૮ના પરિણામમાં રાજ્યની ૩,૨૦૭ સરકારી સ્કૂલો A+ ગ્રેડમાં આવી હતી જે ગુણોત્સવ ૨.૦માં ઘટીને ૧૪ થઈ ગઈ છે. આ સિવાય A ગ્રેડમાં ૨૨,૪૩૭ સ્કુલો આવી હતી જે પણ ઘટીને ૨,૨૮૨એ આવી ગઈ છે. A+ ગ્રેડ વાળી સ્કૂલોમાં મોટો ઘટાડો થયો છે જ્યારે B, C અને D ગ્રેડ વાળી નબળી સ્કૂલોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેમ કે, ગુણોત્સવ ૮માં B ગ્રેડમાં ૭,૬૨૯, C ગ્રેડની સ્કૂલોની સંખ્યા ૭૮૪ હતી અને D ગ્રેડની સ્કૂલોની સંખ્યા માત્ર ૩૯૧ હતી, જે વધીને ગુણોત્સવ ૨.૦ માં B ગ્રેડની સ્કૂલોની સંખ્યા વધીને ૨૦,૬૫૯, C ગ્રેડની સ્કૂલોની સંખ્યા ૭,૩૩૫, D ગ્રેડની સ્કૂલોની સંખ્યા ૩૯૧ થઈ ગઈ છે.