74000 ચો.વાર જેટલી વિશાળ જગ્યા પર ધર્મ સંકુલ(વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજીનું મંદિર), શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઇ રહ્યું છે
વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજી મંદિર એક અજાયબી સમાન અને દુનિયાભરના લોકો માટે જોવાલાયક ધાર્મિક સ્થાન બની રહેશે
શ્રી ઉમિયાધામના સૌથી મોટા ઉત્સવની ઉજવણી સાથે આગામી તા.13 ડિસેમ્બર,2021ના રોજ ઉપરોકત અલગ-અલગ પ્રોજેકટનું ભૂમિપૂજન કરવામાં આવશે
ઉમિયાધામના બેઝમેન્ટમાં આશરે એક હજાર કારનું પાર્કિંગ થઇ શકે તેવી વ્યવસ્થા માટે બે માળના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં ચાર એન્ટ્રી દ્વાર અને ચાર એકઝીટ દ્વાર રહેશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.25
અમદાવાદ શહેરના એસ.જી.હાઇવે પર સોલા ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પૂર્વ હોદ્દેદારો દ્વારા ખરીદવામાં આવેલી 74000 ચો.વાર જેટલી વિશાળ જમીન પર હવે રૂ.1500 કરોડના ખર્ચે વિકાસ પ્રોજેકટ આકાર પામવા જઇ રહ્યો છે. આ વિશાળ જગ્યા પર ધર્મ સંકુલ(વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજીનું મંદિર), શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઇ રહ્યું છે. આગામી તા.13 ડિસેમ્બર,2021ના રોજ ઉપરોકત અલગ-અલગ પ્રોજેકટનું ભૂમિપૂજન કરવામાં આવશે. આજે સોલા ખાતે ઉમિયા ધામમાં આ વિકાસ પ્રોજેકટને લઇ મહત્વની ચર્ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી મણિભાઇ ઇ.પટેલ(મમ્મી), મંત્રીશ્રી દિલીપભાઇ એમ. પટેલ(નેતાજી), સંસ્થાના હોદ્દેદારો, શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ, સી.કે.પટેલ, પ્રહલાદભાઇ કામેશ્વર, સી.કે.પટેલ, ગટોરભાઇ, બાબુભાઇ ખોરજવાળા, રમેશભાઇ દૂધવાળા, વાસુદેવભાઇ, ગોવિંદભાઇ વરમોરા, જયરામભાઇ, એમ.એસ.પટેલ ઉપરાંત સંસ્થા સાથે જોડાયેલા દાતાશ્રીઓ, અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના સક્રિય કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
આ અંગેની વિગતો આપતાં શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને પાટીદાર સમાજના અગ્રણી સી.કે.પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની ધર્મપ્રેમી પ્રજાજનોની વર્ષો જૂની માંગણી માં ઉમિયાના શ્રધ્ધા અને આસ્થાના મંદિરની હતી, જે આ ધર્મ સંકુલથી પૂર્ણ થશે. આ મંદિર હિન્દુ શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ નિર્માણ થશે. મંદિર પરિસરમાં વિશ્રાંતિગૃહ અને ભોજનાલય પણ બનાવવામાં આવશે. જયાં નાતજાતના ભેદભાવ વિના કે ધર્મના બંધ વિના સૌ કોઇ તેનો લાભ લઇ શકશે. વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજી મંદિર એક અજાયબી સમાન અને દુનિયાભરના લોકો માટે જોવાલાયક ધાર્મિક સ્થાન બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં એક જ છત નીચે એકસાથે રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ વિચાર અંતર્ગત ભાઇઓ અને બહેનો માટે સેપરેટ 1200થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવાનો સંકલ્પ છે. જેમાં માટે કુલ 13 માળનું બિલ્ડીંગ, જેમાં 400થી વધારે રૂમોની સુવિધા સાથેની હોસ્ટેલ જયાં 250થી વધારે વિદ્યાર્થીઓ બેસીને જમી શકે એવો ડાઇનીંગ હોલ પણ હશે. હોસ્ટેલ બિલ્ડીંગની અંદર ઇન્ડોર ગેમની સુવિધા પણ ઉપલબ્ધ હશે. હોસ્ટેલમાં ઇ લાયબ્રેરી અને અત્યાધુનિક સગવડો પણ હશે. બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા અલાયદી હશે. ઉમિયાધામના બેઝમેન્ટમાં આશરે એક હજાર કારનું પાર્કિંગ થઇ શકે તેવી વ્યવસ્થા માટે બે માળના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં ચાર એન્ટ્રી દ્વાર અને ચાર એકઝીટ દ્વાર રહેશે.
તેમણે ઉમેર્યું કે, સોલા ખાતેના ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સીલ અંતર્ગત સમાજના વિદ્યાર્થીઓ જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય એ માટેના વર્ગો પણ ઘણા વર્ષોથી ચલાવવામાં આ છે. આ સેન્ટરે ગુજરાતને ઘણા તેજસ્વી યુવાનો આપ્યા છે. જે આદર્શ સમાજના નિર્માણ હેતુ ગુજરાત સરકારમાં કાર્યરત છે. આવા વિદ્યાર્થી ભાઇ-બહેનોને આ હોસ્ટેલમાં સુવિધા આપવામાં આવશે.
શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને પાટીદાર સમાજના અગ્રણી સી.કે.પટેલે એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, આજના સમયમાં પાર્ટી પ્લોટની જરૂરિયાતો વિશેષ થઇ રહી છે ત્યારે 52000 સ્કવેર ફુટની જગ્યામાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ બેન્કવેટ હોલ સાથે બનશે. જેમાં ચાર લીફ્ટની સુવિધાઓ બેન્કવેટ હોલની શોભામાં ચાર ચાંદ લગાવશે. આ સાથે જરૂરી કિચન રૂમ અને લગ્ન માટેના રૂમો વગેરે સુવિધાઓ પણ પ્રાપ્ય બનાવાશે.
ઉમિયાધામ અમદાવાદ ખાતે મેડિકલ સેન્ટર ઉભા કરવાનું સપનું પાટીદારોએ સેવ્યું છે. જેથી સૌકોઇને સારવાર મળી રહે તે માટે મેડિકલ સેન્ટરનો પણ આ પ્રોજેકટમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સમગ્ર પ્રોજેકટના અમલથી સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.શ્રી કેશુભાઇ શેઠ તથા સ્વ.શ્રી ઓધવજી બાપાનું સ્વપ્ન પૂર્ણ થશે. આ પ્રોજેકટનું ભૂમિપૂજન માગશર સુદ-10 સોમવારે તા.13-12-2021ના પાવન દિવસે ધાર્મિકોત્સવની ઉજવણી સાથે થશે. જેમાં ધાર્મિક સંતો-મહંતો, રાજસ્વી મહેમાનો, દાતા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરેની ઉપસ્થિતિમાં ધામધૂમથી ભવ્યાતિભવ્ય રીતે ભૂમિપૂજનનો પ્રસંગ સંપન્ન કરવામાં આવશે.
સમગ્ર સમાજને ઉપયોગી થાય અને આવનારી પેઢી ધાર્મિકતા સાથે જોડાયેલ રહે તેમ જ શિક્ષણની આધુનિક સુવિધાઓ મળી રહે તેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ મૂકવામાં આયો છે. ઉપરોકત વિષય અનુસંધાનમાં આજરોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા ઉમિયા કેમ્પસ સોલા, અમદાવાદ ખાતે ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેકટ માટે વિશેષ મીટીંગ યોજાઇ હતી,. જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી મણિભાઇ ઇ.પટેલ(મમ્મી), મંત્રીશ્રી દિલીપભાઇ એમ. પટેલ(નેતાજી), સંસ્થાના હોદ્દેદારો, શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ, સી.કે.પટેલ, પ્રહલાદભાઇ કામેશ્વર, સી.કે.પટેલ, ગટોરભાઇ, બાબુભાઇ ખોરજવાળા, રમેશભાઇ દૂધવાળા, વાસુદેવભાઇ, ગોવિંદભાઇ વરમોરા, જયરામભાઇ, એમ.એસ.પટેલ ઉપરાંત સંસ્થા સાથે જોડાયેલા દાતાશ્રીઓ, અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના સક્રિય કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.