અમદાવાદ રૂરલ કોર્ટનો બહુ મહત્વપૂર્ણ ચુકાદો – ફરિયાદપક્ષ પોલીસ પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહેતાં કોર્ટે તમામ છ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો
ગત તા.19-10-2013ના રોજ આરોપીઓ જમીન દલાલ સુરેશ ઠક્કરનું અપહરણ અને લૂંટનું ષડયંત્ર રચીને આવ્યા હતા પરંતુ ષડયંત્ર પાર પાડતાં પહેલાં જ પોલીસે પકડી લીધા હતા
ફરિયાદપક્ષ આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આને ફરિયાદપક્ષનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે – કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન
અમદાવાદ,તા.30
શહેરના આનંદનગર પોલીસમથકમાં વિસ્તારમાં પ્રહલાદનગર ગાર્ડન પાસેથી જમીનદલાલનું અપહરણ અને લૂંટનું ષડયંત્ર રચવાના ચકચારભર્યા કેસમાં પોલીસ કોઇપણ પ્રકારે ફરિયાદપક્ષનો પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહેતાં અમદાવાદ રૂરલ કોર્ટના આઠમા એડિશનલ એન્ડ સેશન્સ જજ અમનદીપ સીબીયાએ તમામ છ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. અમદાવાદ રૂરલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયેલા આરોપીઓમાં વિષ્ણુ ઉર્ફે ડાગો ગાંડાજી મંગાજી ઠાકોર, જીગર રામપ્રસાદ વર્મા, નીતિન પાસી, કમલેશ કાંતિલાલ બારીયા, વિજય દેવીલાલ વસીતાનો સમાવેશ થાય છે.
કોર્ટે તેના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, ફરિયાદપક્ષનો કેસ એવો છે કે, આરોપી વિષ્ણુ ઠાકોર અને તેના સાગરિતોએ જમીન દલાલ સુરેશ ઠક્કરના અપહરણ અને લૂંટ કરવાનું ષડયંત્ર રચ્યુ પરંતુ સુરેશ ઠક્કરે તેની જુબાનીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમણે વિષ્ણુને નોકરીમાંથી કાઢી મૂકયા બાદ તેઓ તેને કદી મળ્યા નથી કે તેની સાથે વાત પણ કરી નથી. એટલે સુધી કે, તેમણે વિષ્ણુની વિરૂધ્ધ ફરિયાદ પણ કરી નથી. એ વાત જ સાબિત કરે છે કે, સુરેશ ઠક્કરને વિષ્ણથી કોઇ ખતરો કે જોખમ હતુ નહી. અન્યથા, તેમણે ચોક્કસપણે તેની વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી હોત.
વળી, કહેવાતો જપ્ત કરાયેલ મુદ્દામાલ પણ ફરિયાદપક્ષના કેસને સાબિત કરી શકતો નથી. આમ, ફરિયાદપક્ષ આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આને ફરિયાદપક્ષનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ફરિયાદ પક્ષ આરોપીઓને ગુનેગાર ઠરાવી શકે તેવો પુરાવો પણ કોર્ટના રેકર્ડ પર લાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ સંજોગોમાં તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હકુમ કરવામાં આવે છે.
ચકચારભર્યા એવા આ કેસમાં આરોપી જીગર રામપ્રસાદ વર્મા તરફથી એડવોકેટ ફુલપ્રકાશ એમ. જરાદીએ બચાવપક્ષની મહત્વની દલીલોમાં જણાવ્યું હતું કે, ફરિયાદપક્ષના કેસની વિગત મુજબ, શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસે શાંતિનિકેતન બંગલો વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં સંકળાયેલા અને જમીન દલાલ તરીકેનું કામ કરતાં સુરેશ ઠક્કરના ત્યાં આરોપી વિષ્ણુ ગાંડાજી ઠાકોર અગાઉ પટાવાળા તરીકે નોકરી કરતો હતો પરંતુ કોઇક કારણસર સુરેશ ઠક્કરે તેને નોકરીમાંથી કાઢી મૂકયો હતો. આ બાબતની મનમાં અદાવત રાખી વિષ્ણુ ઠાકોરે સુરેશ ઠક્કર પાસેથી બદલો લેવા માટે અને તેને શારીરિક અને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદાથી તેની પર હુમલો કરી તેના પૈસાની લૂંટ ચલાવવાનું ષડયંત્ર રચ્યુ હતું. જેના ભાગરૂપે ગત તા.19-10-2013ના રોજ આનંદનગર ચાર રસ્તા બાજુથી બે મોટર સાકયકલ પર છ જેટલા લોકો પ્રહલાદનગર ગાર્ડન પાસે આવ્યા હતા, આ અંગેની બાતમી ઝોન-માં પેટ્રોલીંગ હતી એ પોલીસ ટીમને મળતાં તેઓ પહેલેથી જ ઉપરોકત સ્થળે વોચમાં ગોઠવાઇ ગયો હતો અને આરોપીઓ બાઇક પર આવ્યા અને ગાર્ડન પાસે બાઇક પાર્ક કર્યું એ દરમ્યાન પંચને ઇશારો કરતાં બીજા પોલીસ કર્મચારીઓએ આરોપીઓને કોર્ડન કરી જડતી લેતાં આરોપી વિષ્ણુ અને જીગર પાસેથી ચપ્પુ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ વિરૂધ્ધ આઇપીસીની કલમ-399 અને જીપી એકટની કલમ-135(1) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઘેલાએ આનંદનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરામાં આવ્યુ હતુ.
આરોપી જીગર વર્મા તરફથી એડવોકેટ ફુલપ્રકાશ એમ. જરાદીએ તરફથી ચતુરી યાદવ વિરૂધ્ધ સ્ટેટ ઓફ બિહાર સહિતના વિવિધ ચુકાદાઓ ટાંકી એવી મહત્વપૂર્ણ બચાવ દલીલો રજૂ કરી હતી કે, માત્ર ચપ્પુ મળવા માત્રથી આરોપી વિરૂધ્ધનો ગુનો પુરવાર થતો નથી અને તે વિશ્વાસપાત્ર પુરાવો પણ ગણી શકાય નહી. આરોપીઓએ અપહરણ અને લૂટના ગુનાનું ષડયંત્ર રચ્યુ હતુ તે બાબત પુરવાર કરવામાં પણ ફરિયાદપક્ષ નિષ્ફળ રહ્યો છે અને તેથી તેઓને આઇપીસીની કલમ-399 હેઠળ ગુનેગાર ઠરાવી શકાય નહી. એડવોકેટ ફુલપ્રકાશ એમ. જરાદીએ કોર્ટનું એ બાબતે પણ ખાસ ઘ્યાન દોર્યું કે, આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબ્જે કરાયો તેની પર સરકારી સીલ નહોતું. મુદ્દામાલ ખુલ્લો કોર્ટમાં રજૂ કરાયો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે પંચોની સહી નથી કે સરકારી સીલ નથી. આ સંજોગોમાં ફરિયાદપક્ષ તરફથી રજૂ કરાયેલો પુરાવો વિશ્વાસપાત્ર કે ગ્રાહ્ય રાખી શકાય તેવો માની શકાય નહી. ઉપરાંત, ઉલટતપાસમાં પોલીસ કર્મચારીઓની જુબાનીમાં જ વિરોધાભાસ સામે આવ્યો છે. ફરિયાદ નોંધાવાથી માંડી, આરોપીઓની ધરપકડના સમય અને સ્થળ અંગે પણ પોલીસ કર્મચારીઓની જુબાની અને ઉલટતપાસમાં અલગ અલગ વાતો સામે આવે છે એટલે કે, એ વાત સાબિત થાય છે કે, આરોપીઓ વિરૂધ્ધ સમગ્ર કેસ બિલકુલ ખોટી રીતે અને ઉપજાવી કાઢી દાખલ કરાયેલો છે. ફરિયાદપક્ષ કોઇપણ રીતે આરોપીઓ વિરૂધ્ધ અપહરણના પ્રયાસ, અપહરણ કે લૂંટનો ગુનો કે તે અંગેના ષડયંત્રનો ગુનો પુરવાર કરવામાં સરેઆમ નિષ્ફળ રહ્યો છે, તેથી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. એડવોકેટ ફુલપ્રકાશ એમ. જરાદીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે બચાવપક્ષની તરફેણમાં આરોપીઓને નિર્દોષ ઠરાવતો હુકમ કર્યો હતો.