ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળે તેવા હેતુથી ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી
ગુજરાતની સાત યુનિવર્સિટીઓ ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ના માધ્યમથી વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં શિક્ષણમંત્રીશ્રી સહિત સાત યુનિવર્સિટીના વડાઓની બેઠક યોજાઇ
ગાંધીનગર, તા.31
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ શિક્ષણ વિભાગની ઉચ્ચકક્ષાની બેઠકમાં ગુજરાતમાં કાર્યરત નિરમા યુનિવર્સિટી, ચારૂસેટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, PDPU, CEPT તેમજ DAIICTને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ સાત યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો મળવાથી વૈશ્વિક ફલક ઉપર પોતાનું વિશેષ પ્રદાન આપવા એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને તેને વૈશ્વિક ટચ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં હાઇટેક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી ક્લાસરૂમ, શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, લેબોરેટરીઝ, લાયબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
તેમણે કહ્યું હતું કે, ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે આવે તે હેતુથી ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે જેના ઉપર વધુ ભાર મુકવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતની સાત યુનિવર્સિટીઓ ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ના માધ્યમથી વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશે. આ નિર્ણયથી ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ, રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપને વધુ બળ મળશે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે શિક્ષણનું આદાન-પ્રદાન થઈ શકશે. શિક્ષણ ક્ષેત્રે વિશ્વની બેસ્ટ પ્રેક્ટિસીસનો ગુજરાતના વિદ્યાર્થીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશ કર્યો હતો કે, શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષતામાં આ સાત યુનિવર્સિટીઓના વડાઓએ આગામી એક સપ્તાહમાં બેઠક કરીને દેશની ટોપ-૧૦ અને વિશ્વની ટોપ-૧૦ યુનિવર્સિટીઓનો અભ્યાસ કરીને ગુજરાતમાં ‘સેન્ટર ઓફ એક્સિલેન્સ’-COE અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે.
સાત યુનિવર્સિટીઓ પોતાનો એક્શન પ્લાન તૈયાર કરીને આવતા બે સપ્તાહમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરશે.આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, સાત યુનિવર્સિટીઓના વડા- વાઇસ ચાન્સેલરશ્રીઓ સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચા- વિચારણા કરી હતી.