હાઇ-ગ્રેડ ક્વોલીટીના કોલસામાં લો-ગ્રેડ ક્વોલીટીના કોલસાની ભેળસેળ કરવાના કૌભાંડ સામે પણ કડક કાર્યવાહી કરાશે
રાજ્યમા આવા પદાર્થોના વેચાણ સંદર્ભે રાજ્યના ડી.જી.પી.ના સીધા નિયંત્રણ હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલના વડા એડિશનલ ડી.જી.પી.ની ટીમને કાર્યવાહી કરવા સૂચના
રાજ્યમા આવા પદાર્થોના વેચાણ સંદર્ભે રાજ્યના ડી.જી.પી.ના સીધા નિયંત્રણ હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલના વડા એડિશનલ ડી.જી.પી.ની ટીમને કાર્યવાહી કરવા સૂચના
રાજયમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત : રૂપિયા ૨૨.૩૧ કરોડથી વધુનો મુદામાલ સીઝ કરાયો
ડિઝલમાં ભેળસેળ કરી પ્રદુષણમાં વધારો કરવાવાળા, મશીનરી બગાડવાવાળા અને રાજ્યની તિજોરીને નુકશાન કરવાવાળા લોકો સામે PBM હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
બાયોડિઝલના નામે વેચાતા ભેળસેળયુક્ત ઇંધણ પર પ્રતિબંધના કારણે ડિઝલની વપરાશમાં વધારો થશે : પર્યાવરણનું જતન થશે, વાહનોની કાર્યક્ષમતામાં વધારો પણ થશે અને રાજ્ય કરવેરાની આવક પણ વધશે
રાજ્ય સરકારની આ ઝુંબેશના કારણે છેલ્લા છ માસમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની આવકમાં થયેલ ૧૧% નો વધારો : રાજ્ય કરવેરાની આવકમાં રૂા. ૧,૬૬૨ કરોડનો વધારો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.27
ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, બાયોડિઝલના નામે વેચાતા આવા પ્રકારના ભેળસેળવાળા ઇંધણો જેવા કે સોલ્વન્ટ, બેઝ ઓઇલ, યુઝ્ડ એન્જીન ઓઇલ વગેરેમાં વધારે માત્રામાં પ્રદુષકો હોય છે. જેના પરિણામે વાહનોમાંથી ઉત્પન્ન થતો ધૂમાડો હવામાં ગંભીર સ્તરે પ્રદુષણ ફેલાવે છે, જે માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પહોંચાડે છે. આ અસરોને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે બાયોડિઝલના નામે વેચાતા ભેળસેળયુક્ત ઇંધણ બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના લીધે ભેળસેળયુક્ત ઇંધણ પરના પ્રતિબંધના કારણે ડિઝલની વપરાશમાં વધારો થશે અને રાજ્ય કરવેરાની આવક પણ વધશે તેમજ વાહનોની કાર્યક્ષમતામાં વધારા સાથે પર્યાવરણનું જતન પણ થશે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, ઔદ્યોગિક વપરાશના બદલે વાહનોમાં વપરાતા આવા પ્રકારના ભેળસેળયુક્ત ઇંધણ પર તાત્કાલીક પ્રતિબંધ મુકવા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂચનાઓ આપેલ અને જવાબદારો વિરૂધ્ધ કડક પગલાં લેવા આદેશો આપી દીધેલ છે. આ માટે ગૃહ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને કડક હાથે કામગીરી શરૂ કરી દેવાઇ છે. અને રાજ્ય સરકારની આ ઝુંબેશના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરીને રૂપિયા ૨૨.૩૧ કરોડથી વધુનો મુદામાલ સાથે ૩૮,૯૫,૮૧૭.૨૮ લીટર મુદ્દામાલ સીઝ કરાયો છે. આ ઉપરાંત રૂપિયા ૧૧,૩૬,૨૩,૦૦૦/- કિંમતના ૨૨૨ વાહનો પણ સીઝ કરાયા છે અને આગામી સમયમા પણ કડક હાથે ચુસ્ત કામગીરી માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.
તેમણે ઉમેર્યું કે, આવા ઇંધણો જો વાહનોમાં બળતણ તરીકે વપરાય તો તે વાહનોના એન્જીનને લાંબાગાળે વધુ નુકશાન પંહોચાડી શકે છે અને તેનાથી વાહનોની મરામતનો ખર્ચ વધી શકે છે. તેમજ કેન્દ્ર સરકારના નેશનલ કલીન એર પ્રોગામ (NCAP) અંતર્ગત મિશન સ્વરૂપે એમ્બીયન્ટ એર ક્વોલીટી સુધારા માટે બનાવાયેલ એર એકશન પ્લાનના અમલીકરણમાં વિપરીત અસરો આવી શકે તેમ છે. તેને ધ્યાને લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે.
ગૃહ મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્યમાં બાયોડિઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ તથા સોલ્વન્ટ / બેજ ઓઇલ / યુઝ એન્જીન ઓઇલ વિગેરેથી ભેળસેળ કરેલ પેટ્રોલ / ડિઝલનું અનઅધિકૃત વેચાણ અટકાવવા અંગેનો એકશન પ્લાન તૈયાર કરીને તેનો ચુસ્ત અમલ પણ શરૂ કરી દેવાયો છે અને રાજ્યના ડી.જી.પી.ના સીધા નિયંત્રણ હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલના વડા એડિશનલ ડી.જી.પી.ની ટીમ દ્વારા રોજબરોજનું મોનીટરીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થના અનઅધિકૃત વેચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શક સુચનાઓ જારી કરાઈ છે. જે મુજબ ઝડતી કરવા તથા કબજે લેવા અંગેની સત્તા નિયત કરાયેલ અધિકારીઓ આવા એકમોની તપાસણી, ઝડતી, સેમ્પલ લેવા સહિતના નિયમોનુસારના પગલાં લઇ શકે છે. જેમાં પૂરવઠા વિભાગનાં મદદનીશ નિયામકશ્રી, મામલતદારશ્રીની કક્ષાથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કક્ષાથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીઓને તપાસણી, ઝડતી લેવાની, સેમ્પલ લેવાની સત્તાઓ સોંપવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ હતું કે, મુદ્દામાલ કબજે કરવા તથા તેના નમુના (સેમ્પલ) લેવા અંગે અધિકૃત અધિકારી દ્વારા બાયોડિઝલના નામે વેચાતા ભળતા પેટ્રોલિયમ પદાર્થોની ચકાસણી દરમ્યાન મળી આવેલ આવા પ્રકારનાં ભળતા પેટ્રોલિયમ પદાર્થોના ૩ નમૂનાઓ લેવામાં આવશે આ નમૂનાઓને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. નમૂનો ફેઇલ થાય તો વિવિધ જોગવાઇઓના ભંગ બદલ કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, FIR નોંધ્યા બાદ સ્ટોરેજ લાયસન્સ, એક્સપ્લોઝીવ લાયસન્સ, NA, ફાયરસેફ્ટી, ગુમાસ્તા ધારા નોંધણી, GPCBની નોંધણી વગેરે લીધેલ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરાશે.
પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પદાર્થોને આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમ-૧૯૫૫ હેઠળ આવરી લેવામાં આવેલ છે. આથી, સદર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો બને છે તથા કાળાબજારી જેવી પ્રવ્રુતિઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમના મૂળ હેતુને પ્રભાવહિન કરતા આવા ઇસમો પર નિયમાનુસાર જરૂર જણાયેથી PBM સહીતના કડક પગલાં લઈ શકાય છે.
સમગ્ર ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થનું અનઅધિકૃત વેચાણ કરતા રીટેઈલ યુનિટ/મોબાઈલ ડીસ્પેન્સીંગ યુનિટ ઈત્યાદિ વિરૂધ્ધ એડીશનલ DGP કક્ષાના અધિકારીના વડપણ હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ, સ્ટેટ C.I.D. Crime દ્વારા પણ અને તેવી જ રીતે, ગુજરાત A.T.S.ના અધિકૃત અધિકારીઓએ પણ આ કાર્યવાહી હાથ ધરવાની રહેશે, અને આ બાબતને ટોચ અગ્રતા આપવાની રહેશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બાયોડિઝલના નામે ઇંધણમાં થતી ભેળસેળની જેમ જ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતા હાઇ-ગ્રેડ ક્વોલીટીના કોલસામાં લો-ગ્રેડ ક્વોલીટીના કોલસાની ભેળસેળ કરવાનું કૌભાંડ પણ ગુજરાત પોલીસે નવલખી બંદરે પકડી પાડેલ છે. આ પ્રવૃત્તિ ડામવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા સદરહુ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ SLC ની રચના કરાઈ છે જેમાં ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ, રાજ્ય પોલીસ વડા તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, બાયોડિઝલના નામે વપરાતા ભળતા ઇંધણોના અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવાના કારણે છેલ્લા છ માસમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની આવકમાં ૧૧%નો વધારો થયેલ છે અને તેને કારણે રાજ્ય કરવેરાની આવકમાં પણ રૂા. ૧,૬૬૨ કરોડનો વધારો થયો છે અને ૭,૯૨,૫૩૩ કિલો લીટર ડિઝલની વપરાશ થવા પામી છે.
#bharatmirror #bharatmirror21 #news