શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરી સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ શિક્ષક સજ્જતા કસોટી મરજીયાત છે. ફરજીયાત નથી. જે શિક્ષકો આપવા ઈચ્છે તે આપી શકે
આ નાપાસ કસોટી પણ નથી. તેને માત્ર સર્વેક્ષણ નામ આપવામાં આવ્યું છે. આ નોંધનો ઉલ્લેખ શિક્ષકના કરિયરની સેવાપોથીમાં ક્યાંય કરવામાં આવશે નહીં – ચુડાસમા
સરકાર તરફથી તેનું વલણ સ્પષ્ટ કરી દેવાતાં બીજીબાજુ, રાજયના શિક્ષક સંઘો પણ પોતાની માંગણીને લઇ અડગ છે અને આવતીકાલે ઉપવાસનું એલાન આપ્યું છે ત્યારે હવે સમગ્ર મામલો ગરમાયો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.23
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના શિક્ષકો માટે આયોજિત શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટીનો એકબાજુ રાજયના શિક્ષક સંઘો દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે અને તાત્કાલિક અસરથી આ કસોટી રદ કરવા ઉગ્ર માંગ કરી છે ત્યારે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષક સંઘોના આક્ષેપોનો વળતો પ્રત્યુત્તર આપી શિક્ષણવિભાગનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, આવતીકાલે મંગળવારે તા.24મી ઓગસ્ટના રોજ લેવાનારી શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી લેવાશે જ…તેમાં કોઇ ફેરફાર નથી. સરકાર તરફથી તેનું વલણ સ્પષ્ટ કરી દેવાતાં બીજીબાજુ, રાજયના શિક્ષક સંઘો પણ પોતાની માંગણીને લઇ અડગ છે અને આવતીકાલે ઉપવાસનું એલાન આપ્યું છે ત્યારે હવે સમગ્ર મામલો ગરમાયો છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મંગળવારે રાજ્યભરના શિક્ષકો માટે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષક સંઘો આ બાબતનો વિરોધ કરી રહ્યાં છે. શિક્ષણ સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજીને રાજ્યના શિક્ષણ વિભાગ અને રાજય સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. જો કે, શિક્ષક સંઘોના આક્ષેપોને તથ્યહીન અને પાયાવિહોણા ગણાવી રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વળતા પ્રહારમાં શિક્ષણ વિભાગનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, આવતીકાલે તા.24મી ઓગસ્ટે મંગળવારના રોજ લેવામાં આવનારી શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી ચાલુ જ રહેશે. આવતીકાલે યોજાનારી શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટીમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી જોઈએ. જેને સાંભળતા હોઈએ તેની શિક્ષણ વિભાગે ચિંતા કરી છે અને ધોરણ પ્રમાણે બાળકને લખતા-વાંચતા આવડવું જોઈએ, તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. ગત તા.29 જુલાઈએ બંને શિક્ષણ સંઘો સાથે બેઠક કરી હતી. અગ્ર સચિવ વિનોદ રાવ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, આ કસોટી મરજીયાત છે. આ નાપાસ કસોટી પણ નથી. તેને માત્ર સર્વેક્ષણ નામ આપવામાં આવ્યું છે. આ નોંધનો ઉલ્લેખ શિક્ષકના કરિયરની સેવાપોથીમાં ક્યાંય કરવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, બે લાખ,18 હજારથી વધુ શિક્ષકોએ તેની સંમતિ આપી છે, જેને હું અભિનંદન આપુ છું. આ કાર્યક્રમ ગુણવત્તા સુધારવા માટે છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, આ નવી એજ્યુકેશન પોલિસી અને સમગ્ર દેશમાં 2009માં યુપીએ સરકાર વખતે આ પોલિસી આવી હતી, જેમાં વિદ્યાર્થી પહેલા ધોરણમાં બેસે અને દસમાં ધોરણમાં નીકળે, તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે. આ કાચા રહેલા પાયાને ભરપાઇ કરવાનો અમારો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, બાળકોએ ભવિષ્યના નાગરિક છે અને તે સારૂ શિક્ષણ લઈને આગળ વધે તે સરકાર, શિક્ષક અને સમાજ સૌની ફરજ છે.
રાજય શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપ પર શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમાએ સાફ શબ્દોમાં જણાવ્યું કે, સંઘે જે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે, તેની વિગત આપશે તો તે વ્યક્તિ સામે તપાસ કરાવવામાં આવશે. તેમણે તટસ્થતાપૂર્વક તપાસ કરાવવાની પણ હૈયાધારણ આપી હતી. આ કસોટીને લઇ રાજયભરના શિક્ષકોના વિરોધ મુદ્દે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરી સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ શિક્ષક સજ્જતા કસોટી મરજીયાત છે. ફરજીયાત નથી. જે શિક્ષકો આપવા ઈચ્છે તે આપી શકે છે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, જ્યારે પ્રવેશોત્સવ-ગુણોત્સવ કાર્યક્રમ કર્યો ત્યારે ગુજરાત પ્રથમ સ્થાને હતું. તેમણે કહ્યું કે, દેશમાં ક્યાંય નથી એટલા માટે જ ગુજરાતે સજ્જતા સર્વેક્ષણની પહેલ કરી છે. જેમાં બાળકોના શિક્ષણનું સ્તર અને શિક્ષકો પણ ગુણવત્તાયુકત શિક્ષણ પીરસી શકે તે જ ઉમદા હેતુ આ કસોટી પાછળ રહેલો છે.
#bharatmirror #bharatmirror21 #news