ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ ઉગ્ર માંગણી કરી
જો ટ્રાફિક શાખાના ભ્રષ્ટાચારને નાથવાના કોઇ અસરકારક કે પરિણામલક્ષી પગલાં નહી લેવાય તો આ મુદ્દે આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી(પીઆઇએલ) ફાઇલ કરવાની ચીમકી પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે ઉચ્ચારી
અમદાવાદ,તા.21
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને તોડબાજીને અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ ઉગ્ર માંગણી કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ક્ષેત્રે ભારે અંધાધૂંધી અને અરાજકતા પ્રવર્તી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વ્યાપક અ માથાના દુઃખાવા સમાન બની રહી છે. જેને લઇ વાહનચાલકોમાં પણ સરકાર અને પોલીસ સામે ભારે અસંતોષ અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. રોજેરોજ શહેરના કોઇક ને કોઇક વિસ્તારમાં વાહનચાલકો અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે ઘર્ષણ અને બબાલના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અને નિરાકરણલક્ષી પગલા લેવા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે માંગ કરી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને તોડબાજીને અટકાવવા માટે પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ ઉગ્ર માંગણી કરી છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ શહેર ટ્રાફિકના ઉચ્ચ પોલીસ સત્તાધીશો તેમ જ એસીપીએ પત્ર પાઠવી સ્પષ્ટ કર્યું છે કે, શહેરમાં વિવિધ ટ્રાફિક પોઇન્ટો પર ફરજ બજાવતા ટીઆરબીના માણસો કે હોમગાર્ડ જવાનો માત્ર માત્ર ટ્રાફિક નિયમનની કામગીરી જ કરી શકશે, તેઓ વાહનચાલકનું વાહન રોકી ડ્રાઇવીંગ લાયસન્સ કે બીજા કોઇ ડોકયુમેન્ટ્સ માંગશે નહી પરંતુ તેમછતાં આ સૂચનાનું કોઇ પાલન થતુ નથી. વધુમાં આ અંગેની સૂચના તમામ બીટ ઇન્ચાર્જને લેખિતમાં અપાઇ છે અને આવી કોઇ હકીકત પોલીસ સત્તાવાળાઓના ધ્યાન પર આવે તો, બીટ ઇન્ચાર્જને જવાબદાર ગણી તેઓને શિક્ષા કરવા સારૂ ઉપરી અધિકારીને રિપોર્ટ કરવાનો રહેશે અને ટીઆરબી જવાન વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ સૂચના કે પત્રનો પણ અમલ થતો જણાતો નથી.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં ટીઆરબી જવાનો નિર્દોષ વાહનચાલકો અને લોકો પાસેથી યેનકેન પ્રકારે પૈસા ઉઘરાવવામાં અને તોડબાજી કરવામાં માને છે. તેઓ ટ્રાફિક નિયમનની તેમની ડયુટી કરવાના બદલે લોકોના ખિસ્સામાંથી મહેનત-પરસેવાની કમાણી ખંખેરી ભ્રષ્ટાચારને ઉત્તેજન આપી રહ્યા છે. એકબાજુ, રાજય સરકાર ભ્રષ્ટાચાર મુકત શાસન આપવાની વાત કરી રહી છે ત્યારે ટ્રાફિક વિભાગ ભ્રષ્ટાચારની વાતને ઉત્તેજન આપે તે વિરોધાભાસ ખરેખર તો સરકારની ગરિમા અને ઇમેજને હાનિ પહોંચાડે છે. આ સંજોગોમાં રાજય સરકારે તાત્કાલિક આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી યોગ્ય પગલાં લઇ કાર્યવાહી કરવી જોઇએ. જો ટ્રાફિક શાખાના ભ્રષ્ટાચારને નાથવાના કોઇ અસરકારક કે પરિણામલક્ષી પગલાં નહી લેવાય તો આ મુદ્દે આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી(પીઆઇએલ) ફાઇલ કરવાની ચીમકી પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે ઉચ્ચારી છે.
#bharatmirror #bharatmirror21 #news